Business

બેન્ડવાજાથી વધે વરઘોડાની શોભા, રઝાક બેન્ડથી વધી સુરતની શોભા

ભારતના ટોપ 3 બેન્ડમાં સુરતના રઝાક બેન્ડનો સમાવેશ, એક સદીથી વધુ સમયથી છે કાર્યરત

મોજીલા સુરતીઓ ખાવાપીવાની સાથે સંગીતના પણ શોખીન છે. ખાસ કરીને સુરતના લગ્ન સિઝનમાં વરધોડામાં બેન્ડ પરથી કુટુંબના વૈભવની સવાઇ છાપ ઊભી થતી. જેમાં 121 વર્ષથી સુરતનું ‘રઝાક બેન્ડ’ આજેય વરઘોડાની શોભા ગણાય છે. જેની ખ્યાતિ જ એવી હતી કે છે કે ના માત્ર સુરત પૂરતું પણ રાજસ્થાન, મહારાષ્ટ્રમાંથી પણ તેમને તેડા આવે છે. જો કે 1900ની સાલમાં શરૂ થયેલું રઝાક બેન્ડની ખ્યાતિમાં આજે પણ કોઈ ઘટાડો થયો નથી. ત્યારે ચાલો જાણીએ આ રઝાક બેન્ડનો ઇતિહાસ અને કેવી રીતે આજે પણ એક અલગ જ છાપ સાથે અડીખમ રહ્યાંુ છે?

કેવી રીતે થઈ શરૂઆત ?

રઝાક બેન્ડની સ્થાપના ઇ.સ 1900માં અબ્દુલ રઝાક અબ્દુલ રહીમે કરી હતી. શરૂઆતમાં તેઓ બેન્ડમાં કામ કરતાં હતા. ત્યારબાદ બેન્ડમાંથી છૂટા થતાં તેમણે પોતાના અલગ બેન્ડની શરૂઆત કરી. અબ્દુલ રઝાકના ચાર પુત્રો અબ્દુલ રહિમ અને અબ્દુલ કરીમ, અબ્દુલ ગની, અબ્દુલ કફૂર હતા. અબ્દુલ રઝાકની સાથે તેમના બે પુત્રો અબ્દુલ રહિમ અને અબ્દુલ કરીમ આ વ્યવસાયમાં જોડાયા. બાદમાં અબ્દુલ ગની જોડાયા. અબ્દુલ ગની ઉર્ફે માસ્ટર ગનીએ રઝાક બેન્ડને ડેવલપ કરવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું. સુભાષચંદ્ર બોઝથી લઈને જ્વારહરલાલ નહેરુ સુધીના કાર્યક્રમમાં તેમણે બેન્ડ વગાડવાનું આમંત્રણ મળ્યું હતું જેના પરથી જ રઝાક બેન્ડની શાખ અને એના કામનો અંદાજો લગાવી શકાય છે.

આજે પણ જૂના વાજિંત્રોનો ખજાનો

આજકાલ ટેક્નોલોજીના સમયમાં અવનવા સંગીત ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યા છે. અને બધુ જ મોબાઈલ પર ઉપલબ્ધ છે પણ આજથી 100 વર્ષ પહેલાં પણ સુરતના એકમાત્ર રઝાક બેન્ડ પાસે અવનવા વાજિંત્રો હતા. અને આ જૂના વાજિંત્રોની ધરોહર આજે પણ એમના વંશજોએ સાચવી રાખી છે. રઝાક બેન્ડ પાસે આજે પણ સદી પહેલાંના જૂના વાજિંત્રોને ફક્ત સાચવ્યા જ નથી, મેન્ટેન પણ કર્યા છે. ઉપરાંત તેમણે અસંખ્ય જૂના મેડલ અને એવોર્ડ ઉપરાંત તેમના પૂર્વજોના આશીર્વાદ માની દરેક રિકોડિંગનો ખજાનો પણ સાચવ્યો છે. વખતો વખત તેમણે યુનિફોર્મ પણ બદલ્યાં છે. આઝાદી પહેલાં આ બેન્ડ કરાંચી સુધી ગયું હતું.

સુરતીઓ આજે પણ રઝાક બેન્ડને એના કામથી યાદ કરે : અબ્દુલ ફારૂક

અબ્દુલ ફારૂક જણાવે છે કે, ‘’મ્યુઝિક મારા લોહીમાં છે. મારો મોટાભાગનો સમય હું સ્ટુડિયોમાં જ વિતાવું છુ. મારા માટે મારા કસ્ટમર એટલે મારા ખુદા સમાન ગણાય. આ મારા માટે બંદગી થી કમ નથી. આથી એમને સંતોષ આપવાનો હું પૂરતો પ્રયત્ન કરું. ઘણીવાર એવું બને કે તમારું મૂડ ચાહે જે હોય તે પણ તે સંગીતમા ના દેખાવું જોઈએ. મારા દાદીના અવસાન વખતે અમે બેન્ડ લઈને ગયા હતા. મનમાં રહેલા ઇમોશનને કાબુમાં કરીને પણ અમે સરસ સંગીત આપ્યું અને વરઘોડો પૂરો થયા બાદ દાદીની દફન વિધી કરી હતી. લોકો એટલે જ આજે પણ રજાક બેન્ડને યાદ કરે છે. ઘણાય સુરતી એક જ ઘરમાથી ત્રણથી ચાર પેઢીના વરઘોડામા અમને બોલાવ્યા છે. સુરતીઓ આજે પણ રઝાક બેન્ડને એના કામથી યાદ કરે છે અમે કોઈપણ ઓર્ડરમાં જતાં પહેલાં અમારા સ્ટુડિયોમાં રિહર્સલ કરીએ છીએ. આજે મારો ભાઈ હાફિઝ અને મારો દીકરો ઉઝેર પણ મારી સાથે મારો બિઝનેસ સંભાળે છે.

અનેક ફિલ્મોમાં આપ્યું સંગીત

‘રઝાક બેન્ડ ના માત્ર લગ્નમાં જ પોતાનું સંગીત આપતું હતું પરંતુ ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. માસ્ટર ગનીએ ‘હિમાલય કી ગોદ મેં’ અને ‘એક સપેરા એક લૂટેરાં’  ફિલ્મમાં સંગીત આપ્યું છે. આ ઉપરાંત ક્લ્યાણજી આણંદજીએ ગનીભાઈ પાસે ‘નાગિન’ ફિલ્મ માટે કલેવાયોલિન વાજિંત્ર પણ વગાડયું હતું. આજના ખ્યાતનામ સંગીતકાર ઇસમાલ દરબારના પિતા પણ વર્ષો અગાઉ રઝાક બેન્ડ સાથે જોડાયેલા હતા. મૈસૂરમાં 1938માં રાજકુમારના લગ્ન પ્રસંગે પણ સુરતનું ખ્યાતનામ રઝાક બેન્ડ બોલાવાયું હતું. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે પણ ભાગળ ખાતે રઝાક બેન્ડની વિશાળ રેલી યોજી હતી. ઉપરાંત ફ્લાઇંગ રાનીના ઇનોગરલરન સમયે પણ તેમણે બેન્ડ વગાડ્યું હતું. એમ કહેવાય છે કે તેમણે નાગિન ફિલ્મ બાદ ખાસ બાઇક ડેવલપ કરી હતી. વરઘોડામાં નાગિન ગીત પર આર્ટિફિશ્યલ નાગ બહાર આવતો જેને જોવા લોકોના ટોળેટોળા જામતા.

સૌપ્રથમ ઓર્કેસ્ટાની કરી સ્થાપના

કહેવાય છે કે સુરતમાં એક સમયે બેન્ડવાજાવાળી જાન એટલે અમીરોની શાન ગણાતી પણ સમય બદલાતા વરરાજા મોટરગાડીમાં બેસતા થયા. અનેક સમાજે વરઘોડા પ્રથા બંધ કરી. આ સંજોગોમાં બેન્ડના વ્યવસાયમાં ઓટ આવવાના એંધાણ દેખાતા લોકમાનસને નજરમા રાખી 1957મા એ. આર ઓરકેસ્ટ્રાની સ્થાપના કરી. અબ્દુલ ગનીના અવસાન બાદ તેમના પુત્રો અબ્દુલ ફારૂક અને અબ્દુલ હાફિઝે સુકાન સંભાળી. અને આજે તેમની ચોથી પેઢી કાર્યરત છે. તે જમાનામાં બેન્ડનો ભાવ માત્ર 50 રૂપિયા હતો જે આજે 70,000 થી 80,000 સુધી પહોચ્યો છે.

Most Popular

To Top