Columns

ઉત્તર પ્રદેશમાં મોદી અને યોગી વચ્ચેનો જંગ હવે ઉગ્ર બની રહ્યો છે

ઉત્તર પ્રદેશમાં છેલ્લા બે અઠવાડિયાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપના કેન્દ્રીય નેતાઓની જે રીતે બેઠકો ચાલી રહી છે, તેનાથી યુપીના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. સરકાર અને સંગઠનમાં પરિવર્તનની શક્યતાઓ વચ્ચે નેતૃત્વ પરિવર્તનની પણ બંને સ્તરે જોરશોરથી ચર્ચા થઈ રહી છે. કહેવાય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ લાંબા સમયથી યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનપદેથી હટાવવા માગતા હતા. ભાજપે લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં નબળું પ્રદર્શન કર્યું તેને કારણે યોગીને હટાવવાની અટકળો ફરી તેજ થઈ ગઈ છે. જો યોગીને મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવશે તો તેમનું સ્થાન લેવા માટે જે નામોની ચર્ચા ચાલી રહી છે, તેમાં નાયબ મુખ્ય પ્રધાન કેશવપ્રસાદ મૌર્યનું નામ મોખરે છે. તેઓ દલિત હોવા ઉપરાંત મોદીના વિશ્વાસુ પણ છે.

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરવા જઈ રહી છે, પરંતુ રાજ્યમાં મુખ્ય મંત્રી બદલવાનો ડર આજે જેટલો પ્રબળ છે, જે છેલ્લાં ચાર વર્ષમાં ક્યારેય જોવા મળ્યો નથી. છેલ્લાં ચાર વર્ષમાં આરએસએસ અને બીજેપી સંગઠનોની બેઠકમાં આવું પહેલી વાર બન્યું છે, જ્યારે કેટલાક મંત્રીઓને વ્યક્તિગત રીતે બોલાવવામાં આવી રહ્યા છે અને યોગી બાબતમાં તેમની પ્રતિક્રિયા લેવામાં આવી રહી છે.

આ મામૂલી બાબત નથી. મંત્રીઓ અને ધારાસભ્યોની જે પ્રકારની ફરિયાદો છે કે તેમને કોઈ મહત્ત્વ આપવામાં આવતું નથી, માત્ર અમુક પસંદગીના અધિકારીઓ જ આખી સરકાર ચલાવી રહ્યા છે, આવી સ્થિતિમાં યોગી આદિત્યનાથનું બચવું મુશ્કેલ છે. સંઘની સાથે સાથે ભાજપમાં પણ મંથન શરૂ થયું છે અને હવે સ્થિતિ એવી છે કે ભાજપ તેમને હટાવવા માટે સક્ષમ નથી તો તેમના નેતૃત્વ હેઠળ આગામી ચૂંટણી લડવાની હિંમત પણ ભાજપમાં નથી. યોગી આદિત્યનાથ પ્રત્યે પોતાની નારાજગી જાહેર કરનારા મંત્રીઓ અને ધારાસભ્યો પણ આ મુદ્દા પર વાત કરતાં શરમાતા હોય છે પરંતુ નામ ન આપવાની શરતે તેઓ ઘણું બધું કહે છે, જેના પરથી અંદરની હકીકતોનો ખ્યાલ આવે છે.

યોગી આદિત્યનાથ ૧૯૮૮માં ગોરખપુર લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ તરીકે ચૂંટાયા ત્યારે તેઓ માત્ર ૨૬ વર્ષના હતા. યોગી અહીંથી પાંચ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. યોગી ૪૫ વર્ષની ઉંમરે માર્ચ ૨૦૧૭માં વસતીની દૃષ્ટિએ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. બીજી તરફ નરેન્દ્ર મોદી ૨૦૦૧માં ૫૧ વર્ષની વયે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા અને ૨૦૦૨માં પ્રથમ વખત રાજકોટ-૨માંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. મોદીની રાજકીય કારકિર્દીમાં આ પ્રથમ ચૂંટણી હતી. નરેન્દ્ર મોદીને હિન્દુત્વના ધ્વજવાહક તરીકે ઓળખવામાં આવે છે અને યોગી પણ આ મામલે નિષ્ક્રિય નથી બેસતા. સોશ્યલ મિડિયામાં યોગીના કરોડો ચાહકો તેમને મોદી પછી ભારતના વડા પ્રધાન તરીકે જોઈ રહ્યા છે. તેમનું માનવું છે કે મોદી કરતાં યોગીનું હિન્દુત્વ વધુ જ્વલંત છે. સંઘ ભારતમાં જે હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરવા માગે છે તે કામ મોદી કરતાં યોગી વધુ ઝડપથી કરી શકે છે, તેમ સંઘના કેટલાક નેતાઓ માને છે.

ગુજરાતમાં મુસ્લિમોની વસ્તી લગભગ ૧૦ ટકા છે, પરંતુ મોદીએ ત્યાંના મુખ્ય મંત્રી હતા ત્યારે ભાજપમાંથી એક પણ મુસ્લિમને ટિકિટ આપી ન હતી. ઉત્તર પ્રદેશમાં મુસ્લિમોની સંખ્યા ૧૯ ટકા છે અને અહીં પણ યોગીની આગેવાની હેઠળના ભાજપમાં મુસ્લિમો હાંસિયામાં ધકેલાઈ ગયા છે. મોદીના નેતૃત્વમાં જે રીતે ગુજરાત ચાલતું હતું અને યોગી જે રીતે ઉત્તર પ્રદેશને તેમના નેતૃત્વમાં ચલાવી રહ્યા છે તેની સરખામણી અનેક મોરચે કરવામાં આવી રહી છે.

જે રીતે યોગી શાસનમાં ઉત્તર પ્રદેશમાં પોલીસ એન્કાઉન્ટરને લઈને સવાલો ઊઠી રહ્યા છે, તેવી જ રીતે મોદીના શાસનમાં પણ ગુજરાતમાં અનેક વિવાદાસ્પદ પોલીસ એન્કાઉન્ટર થયાં હતાં, જેના પર કોર્ટ તરફથી ખૂબ જ તીખી ટિપ્પણીઓ કરવામાં આવી હતી. ગુજરાતમાં ૨૦૦૨ થી ૨૦૦૭ વચ્ચે આવાં ૧૭ વિવાદિત એન્કાઉન્ટર થયાં હતાં, જેમાં પોલીસ અને સરકારની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ૨૦૧૭ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જીતનું શ્રેય મોદીને જાય છે. ૨૦૨૨ની યુપી વિધાનસભા ચૂંટણીમાં જીતનો શ્રેય મોદી અને યોગી બંનેને જાય છે.

હવે યોગી પોતે ખૂબ જ લોકપ્રિય નેતા બની ગયા છે. ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી ૨૦૨૭માં યોજાશે. ૨૦૨૭ વિશે કંઈ પણ કહેવું બહુ વહેલું છે. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે ચૂંટણી જીતવા માટે યોગીની મોદી પરની નિર્ભરતા ઘટી છે. યોગીની વધતી જતી લોકપ્રિયતાને કારણે તેમને મોદીના અનુગામી તરીકે જોવામાં આવી રહ્યા છે. તે કોઈનાથી છુપાયેલું નથી કે અમિત શાહે કેશવપ્રસાદ મૌર્ય, અરવિંદ શર્મા, બ્રજેશ પાઠક અને દિનેશ શર્માને યોગીની સમાંતર મેદાનમાં ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યોગીએ કોઈને મંજૂરી આપી નથી.

ભાજપમાં મોદી પછી સૌથી વધુ લોકપ્રિય નેતા યોગી છે. યોગીને હવે મોદીની જરૂર નથી એમ ન કહી શકાય, પરંતુ યોગી હવે ચૂંટણી જીતવા માટે મોદી પર નિર્ભર નથી. હવે મોદીને પણ યોગીની જરૂર પડે છે. યોગી ભીડ જમાવનાર નેતા બની ગયા છે. ભાજપે આ મામલે યોગીને ઘણી તક આપી છે. દરેક રાજ્યમાંથી યોગીની રેલીની માંગ હોય છે. આવી જ માંગ મોદીને લઈને પણ કરવામાં આવતી હતી. ૨૦૧૭ની યુપી વિધાનસભા ચૂંટણી અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મોદી ચહેરો હતા, પરંતુ ૨૦૨૨ની યુપી વિધાનસભા ચૂંટણીમાં યોગી ચહેરો બન્યા અને પછી ડબલ એન્જિન સરકારની વાત શરૂ થઈ.

૨૦૨૪ લોકસભાની ચૂંટણીમાં જો ભાજપને જંગી બહુમતી મળી હોત તો યોગીની ખુરશી જાત, કારણ કે બહુમતીનો યશ મોદીને મળતાં તેમની તાકાત વધી ગઈ હોત. તેવી જ રીતે જો ભાજપનો સાવ ધબડકો થયો હોત તો પણ તેના માટે યોગીને જવાબદાર ઠરાવીને તેમને સહેલાઈથી હટાવી શકાયા હોત. પરંતુ પરિણામો મધ્યમ આવ્યાં તેને કારણે યોગી બચી ગયા છે. ભાજપને ધાર્યા કરતાં ઓછી બેઠકો મળી તેના માટે યોગીને નહીં પણ મોદી-શાહને વધુ જવાબદાર માનવામાં આવે છે, કારણ કે બેઠકોની ફાળવણી તેમણે કરી હતી.

ઘણાં લોકો માને છે કે જો મોદી ન ઇચ્છતા તો યોગી ૨૦૧૭માં મુખ્ય મંત્રી ન બન્યા હોત. ઘણાં લોકો એવું પણ માને છે કે મોદીની પસંદગી યોગી નહીં પણ મનોજ સિન્હા હતી. આરએસએસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે યોગી મોદી અને શાહના કારણે નહીં પણ સંઘના કારણે મુખ્યમંત્રી બન્યા હતા. યોગી ઉત્તર પ્રદેશમાં જે કંઈ કરી રહ્યા છે, તે ઉત્તર પ્રદેશ માટે નહીં પણ પોતાના માટે કરી રહ્યા છે. પ્રશ્ન એ નથી કે યોગી ઉત્તર પ્રદેશને ક્યાંય લઈ જઈ રહ્યા છે. પ્રશ્ન એ છે કે તેઓ પોતાને ક્યાં લઈ જવા માંગે છે. તેઓ પોતાના માટે કામ કરી રહ્યા છે. તેમને લાગે છે કે તેનાથી તેની લોકપ્રિયતા વધી રહી છે. જો હિંદુ મતોનું ધ્રુવીકરણ થશે તો તેઓ પોતાને મોદીના અનુગામી તરીકે રજૂ કરી શકશે. આ લડાઈ યુપી મોડલ અને ગુજરાત મોડલ વચ્ચે છે.

૨૦૨૪માં લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને જ્વલંત સફળતા મળી તેને કારણે પણ યોગીને ફટકો પડ્યો છે. આ ચૂંટણીમાં યુપીના દલિતો અને મહાદલિતો મજબૂત રીતે સમાજવાદી પાર્ટીની પડખે ઊભા રહ્યા હતા. યોગી આદિત્યનાથ ઠાકોર છે, એ વાત હવે તેમને નડી રહી છે. જો ઉત્તર પ્રદેશમાં ભાજપથી વિમુખ થયેલા દલિત મતદારોને પાછા તેમના પક્ષમાં લાવવા હોય તો કોઈ દલિત નેતાને મુખ્ય મંત્રી બનાવવા પડે. કેશવપ્રસાદ મૌર્ય આવા દલિત નેતા છે, માટે જ મોદી અને શાહ તેમને આટલો ભાવ આપી રહ્યા છે. જો યોગીને બદલે કે.પી. મૌર્યને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બનાવવામાં આવે તો મોદી-શાહ એક કાંકરે બે પક્ષી મારી શકે તેમ છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top