Columns

ખુશીનો આધાર

એક દરિયાકિનારે એક યુવાન દંપતી પોતાના ચાર વર્ષના દીકરાને લઈને ફરવા આવ્યું. ચટાઈ પાથરી રેતીમાં બેઠક જમાવી. નાનકડો દીકરો રેતીમાં પોતાના બીચ સેટ વડે રમવા લાગ્યો.મમ્મી પપ્પાની મદદથી નાનું રેતનું ઘર બનાવતો અને ખુશ થતો.ખુશી તેના ચહેરા પર અને આંખોમાં ચમકતી હતી.પપ્પા નાળિયેર પાણી લાવ્યા. તે પીધું.પાછો રમવા લાગ્યો. એ જ દરિયાકિનારે થોડે દૂર રેતીમાં એક પગથી અપંગ બાપ ફુગ્ગા ફુલાવી રહ્યો હતો. એક પછી એક ફુગ્ગા ફુલાવી સરસ આકારો પંખી ..ઢીંગલી વગેરે બનાવી તૈયાર કરી રહ્યો હતો …..તેનો સાત વર્ષનો દીકરો તેને મદદ કરી રહ્યો હતો ..

સતત ફુગ્ગા ફુલાવતા બાપને ઉધરસ ચઢી..નાનો દીકરો દોડીને પાણી લઇ આવ્યો..પિતાને પીવડાવ્યું અને પિતાને આરામ કરવા કહ્યું અને પોતે પિતાએ તૈયાર કરેલા ફૂલાવેલા ફુગ્ગા વેચવા નીકળી પડ્યો.દરિયાકિનારે જે લોકો ફરવા આવ્યાં હતાં ત્યાં જેની સાથે નાનાં બાળકો દેખાય ત્યાં તે ફુગ્ગા લઇ જતો અને વેચવાની કોશિશ કરતો.નાનાં બાળકો રંગબેરંગી ફુગ્ગા જોઈ રાજી થતાં.જયારે જયારે ફુગ્ગા વેચતા અને બે કે પાંચ રૂપિયા મળતા પેલા ફુગ્ગો વેચતા બાળકના મુખ પર હાસ્ય આવતું. આંખોમાં ખુશીની ચમક આવતી.

ફુગ્ગો વેચનાર સાત વર્ષનો બાળક…પેલો ચાર વર્ષનો બાળક રેતીમાં રમતો હતો તેની તરફ ફુગ્ગા લઈને ગયો..ચાર વર્ષના બાળકે રંગબેરંગી ફુગ્ગા જોયા અને તેણે ફુગ્ગા માટે માંગણી કરી. પિતાએ તરત જ ફુગ્ગો અપાવ્યો. ફુગ્ગો મેળવી ચાર વર્ષનો બાળક ખુશ ખુશ થઇ ગયો..કારણ તેને ગમતી હજી એક વસ્તુ પપ્પાએ અપાવી ….અને તેના પપ્પા તેને ખુશ જોઇને ખુશ થઇ ગયા અને પોતાની પાસેનો વધુ એક ફુગ્ગો વેચી પેલો સાત વર્ષનો ફુગ્ગો વેચનાર બાળક પણ ખુશ ખુશ થઇ ગયો કારણ હવે તેની પાસે એટલા પૈસા ભેગા થયા હતા કે તે પોતાને માટે અને પોતાના અપંગ પિતા માટે જમવાનું લઇ શકે.

તે દોડીને પિતા પાસે ગયો.થોડા ફુગ્ગા વેચવાના બાકી હતા તે ત્યાં મૂક્યા અને હાથમાંના પૈસા પિતાને બતાવી જમવાનું લેવા દોડી ગયો. થોડું ખાવાનું લઇ આવ્યો. તેણે અને તેના પિતાએ ખાધું અને પાછો તે ફુગ્ગા વેચવા ગયો. ખુશી બંને પરિસ્થિતિમાં છે જે સાબિત કરે છે ખુશી પૈસા પર નહિ પરિસ્થિતિ પર આધાર રાખે છે..એક બાળક ફુગ્ગો મેળવીને ..એક પિતા ફુગ્ગો ખરીદીને ખુશ છે….એક બાળક એ ફુગ્ગો વેચીને અને પોતાના પિતાને જમાડીને ખુશ છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top