Comments

ગુજરાતના શિક્ષણ ક્ષેત્રની મૂળભૂત સમસ્યા,‘‘ ભણવું જ નથી!’’…

જો આપણે ગુજરાતના ગામેગામ થાંભલા રોપી દઈએ, દરેક તાલુકા કક્ષાએ  મોટી ગ્રીડ સ્થાપી દઈએ, લોખંડના વીજ પ્રવાહ વહન કરનારા વાયરો  લગાવી દઈએ, ઘરોમાં લાઈટ પંખા મૂકી દઈએ. ટૂંકમાં ઈલેક્ટ્રીસીટીની  તમામ વ્યવસ્થાનું માળખું ઊભું કરી દઈએ, પણ જો પાવર એટલે કે વીજળી  જ ન હોય તો! અને આપણે આ આખી વ્યવસ્થાની મેઈન સ્વિચ જ ના  પાડીએ તો! ગુજરાતમાં શિક્ષણની વર્તમાન સમયમાં અનેક સમસ્યાઓ છે. સરકારની  ઉદાસીનતા, નેતાઓની સ્કૂલ કોલેજો, અધિકારીઓની મનમાની, શિક્ષકોની  અછત, સરકારી શિક્ષકોની વિવિધ કામોમાં સામેલગીરી. શિક્ષક અધ્યાપક  સંઘોની પગાર સિવાયના પ્રશ્નોમાં નિષ્ક્રિયતા વગેરે.

લીસ્ટ લાંબુ છે. આમાં ઉમેરાયો છે કોરોના અને ઓનલાઈન  શિક્ષણના-મૂલ્યાંકનના પ્રશ્નો! પણ, આ તમામ પ્રશ્નો કરતાં પણ અતિ  મહત્ત્વનો પ્રશ્ન છે વિદ્યાર્થીની શિખવા માટેની જિજ્ઞાસાનો! શિક્ષણની ખરી  ભૂખનો. ઊંચી ફી ભરીને નામાંકિત સ્કૂલમાં/કોલેજોમાં બાળકને દાખલ કર્યા  પછી તેનું યોગ્ય ઘડતર થાય છે કે કેમ તે માટેની વાલીની જાગૃતિનો! અને  ગુજરાતમાં શિક્ષણ જગતનો અનુભવ એ બતાવે છે કે વિદ્યાર્થીને શિક્ષણમાં,  જ્ઞાનમાં, કેળવણીમાં અને વાલીને પણ તેના ખરા ઘડતરમાં રસ જ નથી!  આખી વ્યવસ્થામાં કરંટ જ ગાયબ છે.

ગુજરાતના ઉચ્ચ શિક્ષણમાં સેલ્ફ ફાયનાન્સ શિક્ષણ સંસ્થાઓનો રાફડો  ફાટ્યો છે. એન્જિનિયરિંગ, સાયન્સ, બી.એડ.. તમામ ફેકલ્ટીની સેલ્ફ  ફાયનાન્સ કોલેજોમાં વિદ્યાર્થીઓ ઊંચી ફી ભરીને એડમિશન લે છે. સામે  થોડી સંખ્યામાં સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ કોલેજો પણ છે. છેલ્લાં  વર્ષોમાં સરકારી કે ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોના અધ્યાપકોને મળવાનું થયું. આ કોલેજોમાં રૂબરૂ જવાનું થયું ત્યારે જાણવા મળ્યું એ સત્ય દુ:ખદ છે! આ  સંસ્થાઓમાં કાયમી, યોગ્યતાવાળા અધ્યાપકો છે. સાદું પણ સંપની  ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. પણ ફી ઓછી છે. પણ ગુજરાતના નગર, શહેરના ઉચ્ચ  મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ આ કોલેજો નથી. તેમને જ સેલ્ફ  ફાયનાન્સ કોલેજોમાં ભણવું છે. અને કારણ! કારણ! આ તમામ જૂની  નામાંકિત શિક્ષણ સંસ્થાઓમાં નિયમિત હાજર રહેવું પડે છે. એસાઈનમેન્ટ,  સેમિનાર, પરીક્ષા એટેન્ડ કરવા પડે છે. પ્રેક્ટિકલ લખવા પણ પડે છે, કરવા  પણ પડે છે. ઈન્ટરનલ પરીક્ષાના માર્કસ પર નિયમિતતાની અસર પડે છે!  માટે વિદ્યાર્થીઓ આ કોલેજને પસંદ કરતા નથી. જો અનિયમિત વિદ્યાર્થીના  વાલીઓને જાણ કરવામાં આવે, બોલાવવામાં આવે તો વાલી પણ કહે છે કે  બાબો ધંધામાં છે માટે થોડું ચલાવી લો તો સારું!

શરૂઆતમાં તો આ કોલેજોએ કડક વલણ અપનાવ્યું પણ વિદ્યાર્થીની ઘટતી  સંખ્યાએ અસ્તિત્વના પ્રશ્નો ઊભા કર્યા. સંખ્યાના આધારે ચાલતું  શિક્ષણતંત્ર-સરકાર ખાલી દોડતી બસના રૂટ બંધ કરે તેમ ખાલી પડતી  કોલેજો પણ બંધ કરે છે. માટે હવે આ કોલેજોએ પણ બધું ચલાવી લેવા  માંડ્યું છે! આપણા ઉચ્ચ શિક્ષણમાં એવી ઘણી કોલેજો છે, જ્યાં વિદ્યાર્થી  પ્રવેશ પછી સીધો પરીક્ષા જ આપે છે. કેમ્પસમાં હાજરી નહીંવત્ છે! જો  ફિઝીકલ ઓડિટ થાય તો ઘણા પ્રશ્નો ઊભા થાય!

ઘરેબેઠા બી.એડ.ના પાઠ અપાઈ જાય, ઘરે રહીને સાયન્સમાં પ્રેક્ટિકલ થઈ  જાય. અપડાઉન કરીને એન્જિનિયરીંગની ડિગ્રી મળી જાય, ઓન લાઈન કટ  પેસ્ટથી પ્રોજેક્ટ રીપોર્ટ થઈ જાય તો ગુણવત્તાનો આગ્રહ કોણ રાખે.  વાલીઓ અને વિદ્યાર્થીઓની આ શિક્ષણ પ્રત્યેની સૂગનો ભરપૂર લાભ  ખાનગી સંસ્થાના સંચાલકો ઉઠાવે છે. હાજર નથી રહેવું? તો રૂપિયા ચૂકવો!  પ્રેક્ટિકલમાં નથી આવ્યા! પૈસા ચૂકવો! પાઠ નથી આપવા! પૈસા ચૂકવો!  અહીં તમામ બાબતની કિંમત છે. આની અસર પડે છે ખરેખર ભણવા  માંગતા વિદ્યાર્થીઓ પર. નીચી આવકવાળા માતા-પિતા પર, અભ્યાસુ  અધ્યાપકો પર.

મુદ્દો માત્ર કોલેજનો કે ઔપચારિક શિક્ષણનો જ નથી. મુદ્દો એ પણ છે કે  ‘‘વાંચે ગુજરાત’’નું અભિયાન જે રાજ્યમાં ચાલ્યું ત્યાં છેલ્લાં વર્ષોમાં પ્રજાને  વાંચવાની ટેવ જ છૂટી ગઈ છે. હા, એક દસ ટકા વર્ગ છે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો અને શિક્ષકોનો. થોડા  સંચાલકો પણ ખરા, જે શિક્ષણની ચિંતા કરે છે. સતત નવું વાંચ્યા વિચાર્યા  કરે છે. નવી વિજ્ઞાન અને ટેક્નોલોજીના ભરપૂર ઉપયોગ થતી  ‘ગ્લોબલજ્ઞાની’ બનવા પ્રયત્નમાં છે. પણ આ સંખ્યા હવે અપવાદરૂપ છે.  ઈવન પ્રાથમિક શિક્ષણમાં આપણને એમ થાય કે બધાં બાળકોને ભણાવવામાં  કેટલી મહેનત કરે છે. પણ ના, પ્રાથમિક કે માધ્યમિકમાં પણ માત્ર ગોખણપટ્ટી જ ચાલે છે, ટ્યુશન અને કોચિંગ દ્વારા માત્ર પરીક્ષાલક્ષી અને એમાંય  વ્યવસાયલક્ષી અભ્યાસ થાય છે. વિજ્ઞાન અને ગણિતના ટ્યુશન લાખોમાં  થાય છે.

પણ વૈજ્ઞાનિક અભિગમ વિકસતો નથી. વિજ્ઞાનકથાઓ,  વૈજ્ઞાનિકોના જીવન પ્રસંગો, વિજ્ઞાનના નિયમોનું પરસ્પર જોડાણ અને  મૂળભૂત સમજણ બિલકુલ વિકસતી નથી. મૂળ શીખવું, ભણવું, જાણવું.. એ  માટેની જે પેશન જોઈએ તે જ નથી! છેલ્લે સાવ સાચો અનુભવ. શિક્ષણમાં એમ કહેવાય કે છોકરા  શાળા-કોલેજમાં બંક મારીને ફિલ્મ જોવા જાય છે. પણ જો માસ  કોમ્યુનિકેશનના અભ્યાસક્રમમાં ફિલ્મ ભણવાની આવે અને એમાં ફિલ્મ  જોવાની હોય તો એ ફિલ્મના વર્ગમાં પણ બંક મારે છે. ગુગલગુરુના આધારે વિશ્વગુરુ ના થવાય. પહેલાં શિષ્યત્વ મેળવવું પડે,  અભ્યાસ કરવો પડે! – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top