Charchapatra

ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં

આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવું. માનવસર્જિત આપત્તિઓમાં અનેક વખત આવું બને છે. અમદાવાદમાં પ્લેન  દુર્ઘટના થઈ કે તરત જ કમિટી બને, અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે, રિપોર્ટ બનાવે- અહેવાલ આવે અને પછી કંઈ બન્યું ન હોય તેમ બીજી દુર્ઘટનાની રાહ જોવામાં આવે છે. લાચાર પ્રજા અસલામતીના માહોલમાં જીવન ગુજારવા મજબૂર બને છે. મુજપુર- ગંભીરા પુલ દુર્ઘટના બની કે તરત જ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રાજ્યના તમામ પુલોની સઘન  ચકાસણી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા. બ્રીજ ચકાસણીના અહેવાલ તૈયાર થયા પછી એ રિપોર્ટ ધૂળ ખાતો પડી રહે અને બ્રિજ રીપેરીંગનું કાર્ય નહીં થાય તો રિપોર્ટનો અર્થ શું?

જવાબદાર અધિકારીઓને કડકમાં કડક સજા નહીં થશે ત્યાં સુધી આવી માનવસર્જીત આપત્તિ બનતી જ રહેશે.  આપણા દેશમાં એકાઉન્ટબિલિટી  નક્કી થતી નથી અને થાય છે તો તેના પર એકદમ હળવા કહી શકાય તેવા એક્શન લેવામાં આવે છે. લોકોને હવે કાયદાનો ડર રહ્યો જ નથી. આવી દુર્ઘટના ભ્રષ્ટ વહીવટીતંત્રની આપણને પ્રતીતિ કરાવે છે. દુર્ઘટનામાં અનેક નિર્દોષ નાગરિકો પોતાની જિંદગી ગુમાવે છે તેમને માટે આર્થિક સહાય જાહેર કરી નેતાઓ મગરના આંસુ સારે છે. આઝાદીનાં 75 વર્ષ પછી પણ  આપણે એકડે એકથી દરેક કામમાં પ્રારંભ કરવો પડે એવું લાગી રહ્યું છે. લોકશાહી હોવા છતાં પ્રજા બિચારી લાચાર બની ગઈ છે. ચોમાસામાં નેશનલ હાઈવે પર પણ મોટા મોટા ખાડાઓ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચારની ચાડી ખાય છે.
નવસારી    – ડૉ. જે. એમ. નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top