સુરત: કોઈ પણ જાતના કારણ વગર બેંક ખાતેદારના ખાતામાંથી રકમ કપાત કરી શકે નહીં એવી નોંધ કરીને ગ્રાહક કોર્ટે બેંક ઓફ ઈન્ડિયાએ (BOI) કારણ વગર કાપી લીધેલી રકમ વ્યાજ સાથે પરત કરવા માટે બેન્કને હુકમ કર્યો હતો.
- બેન્કે સિગ્નેચર ડિફરનું કારણ આપી 100 રૂપિયા અને ત્યારબાદ રૂ. 98643 કાપી ખાતેદારને યોગ્ય કારણ આપ્યું ન હતું
- ગ્રાહક કોર્ટનો કાપેલી રકમ વ્યાજ સાથે ચુકવવા ઉપરાતં માનસિક-શારીરિક હેરાનગતિનું 10 હજાર વળતર ચુકવવા બેન્કે હુકમ
કેસની વિગત એવી છે કે અડાજણમાં રહેતા નરેશ ઠાકોરદાર માંડલેવાલા કેમિકલનો વેપાર કરે છે. બેંક ઓફ ઇન્ડિયામાં તેમનું ખાતું છે. નરેશ માંડલેવાલાએ એક વેપારી પાસેથી ઉધારમાં ખરીદેલા કેમિકલ સામે ચેક આપ્યો હતો. ત્યારે બેંકે સિગ્નેચર ડિફર હોવાનું કારણ જણાવીને ચેક રિટર્ન કર્યો હતો. તે માટે 100 રૂપિયા ચાર્જ પણ કાપી લીધો હતો. ત્યારબાદ નરેશ માંડલેવાલાના ખાતામાંથી બેંકે 98643 રૂપિયા કાપી લીધા હતા.
નરેશ માંડલેવાલાએ બેંકમાં જઈ તપાસ કરતા બેંક અધિકારીઓએ ઉદ્ધતાઈથી જવાબ આપ્યો હતો અને કાપી લીધેલી રકમ પરત કરી ન હતી. બેંકે નરેશ માંડલેવાલાને જણાવ્યું હતું કે સિગ્નેચર ડિફર હોવાના કારણે ચેક પરત થયો તેની પેનલ્ટી પેટે રકમ કાપી હોવાનું જણાવ્યું હતું. તેથી નરેશે એડવોકેટ મોના કપુર મારફતે બેંક ઓફ ઇન્ડિયા અને તેના મેનેજર વિરુદ્ધ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી.
એડવોકેટે કોર્ટમાં દલીલ કરી હતી કે બેંકે કયા કાયદા હેઠળ રકમ કાપી છે તે બાબતની બેંકે કોઈ સ્પષ્ટતા કરી નથી. ગ્રાહક કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નોંધ્યું કે બેંક કોઈ પણ કારણ વગર ખાતેદારના ખાતામાંથી રકમ કાપી શકે નહીં. બેંક ઓફ ઇન્ડિયાને ફરિયાદી નરેશ માંડલેવાલાના ખાતામાંથી કાપી લીધેલી રકમ વ્યાજ સાથે પરત કરવાની અને માનસિક-શારીરિક હેરાનગતિ પેટે 10 હજાર રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો છે.