SURAT

પાલનપુર કેનાલ રોડ પર એપાર્ટમેન્ટની બાલ્કની અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી

સુરતઃ સચિનના પાલી વિસ્તારમાં 5 માળની બિલ્ડિંગ તૂટી પડવાની ઘટના બાદ સુરત મનપાનું તંત્ર દોડતું થયું છે. માનદરવાજા ટેનામેન્ટ બાદ સચિનમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત આવાસ ઉતારી પાડવાની કામગીરી શરૂ કરી છે. આ બધાની વચ્ચે આજે વધુ એક જર્જરિત મકાનની બાલ્કની તૂટી પડવાની ઘટના બનતા તંત્ર દોડતું થયું હતું.

શહેરના સચિનના પાલી ગામમાં આવેલી જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં 7 લોકોના મોત થયાં હતાં. ત્યાર બાદથી શહેરમાં જર્જરિત મકાનોને હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આજે તા. 17 જુલાઈને બુધવારના રોજ પાલનપુર વિસ્તારમાં આવેલા મહાવીર કોમ્પેલ્કસની બાલ્કની રાત્રિના સમયે ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી.

શહેરમાં વધુ એક જર્જરિત કોમ્પ્લેક્સની બાલ્કની ધરાશાયી થઇ હતી. પાલનપુર કેનાલ રોડ પર આવેલા મહાવીર કોમ્પ્લેક્સમાં બાલ્કની તુટી પડી હતી. જેથી બાલ્કની નીચે પાર્ક કરેલી ગાડીઓ દબાઈ ગઈ હતી. સમગ્ર ઘટનામાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. કોમ્લેક્સમાં રહેતા રહીશોને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનામાં સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

ઘટનાને જોનારા સ્થાનિક રહીશ પ્રતાપભાઈ નિનામાએ કહ્યું કે, મહાવીર કોમ્પ્લેક્સનું છજું પડી ગયું હતું. રાતના બાર વાગ્યા આસપાસ કોમ્પ્લેક્સનું છજું પડી ગયું હતું. આ કોમ્પ્લેક્સને કોઈ નોટિસ અપાઈ નહોતી. રહેવા લાયક જ મકાન હતું. અમે અહિં 20 વર્ષથી રહીએ છીએ. હાલ પાલિકા દ્વારા અહીં કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top