સુરત જેવા શહેરમાં કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો હંમેશા સંવેદનશીલ રહ્યો છે. મહિલાઓની સુરક્ષા નિઃસંદેહ અત્યંત મહત્વપૂર્ણ છે અને તેમાં કોઈ મતભેદ હોઈ શકે નહીં. પરંતુ સુરક્ષાના નામે જો સમગ્ર એક “વ્યવસાયિક સમુદાય”ને શંકાની નજરે જોવામાં આવે, તો તે પોલીસિંગ કરતાં વધુ ‘મોરલ પોલીસિંગ’ જેવી સ્થિતિ ઊભી કરે છે. સુરતમાં ચાલતા જીમના ટ્રેનરોને બોલાવીને મહિલાઓને મેસેજ ન કરવા અથવા તેઓ મેસેજ કરે તો પણ જવાબ ન આપવાની ચેતવણી આપવી કાયદાકીય પ્રક્રિયા કરતાં વધુ નૈતિક ઉપદેશ જેવી લાગે છે.
કાયદાનો મૂળભૂત સિદ્ધાંત સ્પષ્ટ છે – ગુનો થાય તો ફરિયાદ નોંધાય અને તેના આધારે આરોપી સામે કાર્યવાહી થાય. પરંતુ અહીં જે રીતે સમગ્ર જીમ ઈન્ડસ્ટ્રીને એક જ દૃષ્ટિથી જોવામાં આવી છે, તે વ્યવસાયિક રીતે કામ કરતા અનેક ટ્રેનરો માટે અયોગ્ય સંદેશ આપી શકે છે. સુરતમાં સૈંકડો જીમ છે અને હજારો યુવક-યુવતીઓ તેમાં જોડાયેલા છે. આવી પરિસ્થિતિમાં એક બેઠક દ્વારા બધાને એકસરખા શંકાસ્પદ ગણાવી દેવું યોગ્ય પોલીસિંગની પદ્ધતિ ગણાઈ શકે નહીં. પોલીસ અને નાગરિકો વચ્ચેનો વિશ્વાસ કાયદો અને વ્યવસ્થાની સૌથી મજબૂત પાયાની ઈંટ છે.
જો ફરિયાદ આવે તો કાયદા મુજબ કડક પગલાં લેવામાં કોઈ સંકોચ ન હોવો જોઈએ. પરંતુ ગુનો થયા વગર જ આખી કોમ્યુનિટીને જાહેરમાં ચેતવણી આપવી અને તેનાથી લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ કરવો, પોલીસિંગના મૂળ હેતુ સાથે સુસંગત નથી.સુરતમાં પોલીસ કમિશનર દ્વારા કોમ્યુનિટી પોલીસિંગને પ્રોત્સાહન આપવાના પ્રયત્નો નોંધપાત્ર છે. પરંતુ બીજી તરફ જો વિશેષ યુનિટો પોતાના કાર્યક્ષેત્રને વધારે વિસ્તૃત કરીને સામાન્ય સામાજિક મુદ્દાઓમાં પણ પ્રવેશ કરે, તો તે ચર્ચા અને ગેરસમજ બંને ઊભી કરી શકે છે.
શહેર માટે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે કાયદાનો કડક અને નિષ્પક્ષ અમલ થાય અને સાથે સાથે પોલીસ અને નાગરિકો વચ્ચે વિશ્વાસભર્યો સંબંધ જળવાઈ રહે. સુરક્ષા અને સ્વતંત્રતા બંને વચ્ચેનું સંતુલન જ સાચી કાયદો અને વ્યવસ્થાની ઓળખ છે. જો આ સંતુલન બગડે તો સમાજમાં સુરક્ષા કરતાં અસ્વસ્થતા વધુ અનુભવી શકાય છે.
સુરત – આશિષ ટેલર- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.