ડાકોર: યાત્રાધામ ડાકોરની પવિત્ર ગોમતી તળાવમાં ફેલાયેલી અસહ્ય ગંદકી મુદ્દે અનેકવારની રજુઆતો બાદ પણ તંત્ર દ્વારા સફાઈકામ હાથ ન ધરાતાં એક જાગૃત નાગરીક તળાવના જ પાણીમાં જળસમાધિ લેવા પહોંચ્યો હતો. જોકે, સ્થળ પર હાજર પોલીસની ટીમે તેને રોકી, આત્મવિલોપન કરતાં અટકાવ્યો હતો. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરની સામે ગોમતી તળાવ આવેલું છે. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે ડાકોર આવેલાં ભીમે ગદાના એક પ્રહારથી ગોમતી તળાવનું નિર્માણ કર્યું હોવાનું તેમજ દ્વારિકા નગરી છોડી ડાકોર આવેલાં રણછોડરાયજી ભગવાન આ ગોમતી તળાવના પાણીમાં જ સંતાયા હોવાની લોકવાયકા છે.
જેને પગલે દેશ-વિદેશમાં વસતાં કરોડો શ્રધ્ધાળુઓ ગોમતી તળાવને પવિત્ર માની પુજા કરે છે. શ્રી રણછોડરાયજી મંદિરમાં દર્શનાર્થે આવતાં મોટાભાગના શ્રધ્ધાળુઓ ગોમતી તળાવની અવશ્ય મુલાકાત લેતાં હોય છે અને તળાવના પવિત્ર જળનું આચમન પણ કરે છે. કરોડો શ્રધ્ધાળુઓની આસ્થા આ ગોમતી તળાવ સાથે સંકળાયેલી છે. જેને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ગોમતી તળાવની સાફ-સફાઈ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ, સ્થાનિક તંત્ર ઉપરાંત જિલ્લાતંત્ર તેમજ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પવિત્ર ગોમતી તળાવની સાફ-સફાઈ કરવામાં ભારે ઉદાસીનતા દાખવવામાં આવે છે અને ગ્રાન્ટના રૂપિયા ચાઉં થઈ જાય છે. જેને પગલે પવિત્ર ગોમતી તળાવની હાલત ખુબ જ દયનીય બની છે.