Comments

પ્રેક્ષકો ફિલ્મ માટે દસ કરોડ ખર્ચે છે તો નિર્માતાને માત્ર સાડા ત્રણ કરોડ જ કેમ મળે છે?

સાહેબ, તમે સમાચાર  ભલે વાંચ્યા કે અમારી ગુજરાતી ફિલ્મ દસ કરોડ રૂપિયા કમાઈ ગઈ.પણ, અમને પૂછો કે અમને કેટલા મળ્યા? મથીને સાડા ત્રણ કરોડ! હા, આ સત્ય છે. એક ગુજરતી ફિલ્મનિર્માતાની આ દુઃખભરી ફરિયાદ સાચી છે. વાત સાવ સ્પષ્ટ છે. જો પ્રેક્ષકો કોઈ ફિલ્મ પાછળ ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચે છે તો એવું માની લેવું નહીં કે આ સો કરોડ નિર્માતાના ખીસામાં ગયા. પ્રેક્ષકે ખર્ચેલા ૧૦૦ કરોડમાંથી સરકારનો જી એસ ટી બાદ થાય, પછી સિનેમા હોલનો ભાગ કપાય, પછી વિતરકનો ચાર્જ કપાય, પછી નિર્માતાના ભાગમાં રૂપિયા આવે અને છેલ્લાં વર્ષોમાં આમાં ઉમેરાયો છે થિયેટર માલિકો દ્વારા કાપી લેવાતો સર્વિસ ચાર્જ અને તે પણ રૂપિયા ૨૫ …હા પૂરા પચ્ચીસ રૂપિયા!

આખી વાત એક ઉદાહરણથી સમજો…જો પ્રેક્ષક ૧૧૨ રૂપિયાની ફિલ્મની ટીકીટ ખરીદે છે તો તેમાંથી સૌ પ્રથમ 12 રૂપિયા જીએસટી  કપાય છે. હવે  વધ્યા ૧૦૦ પૂરા. આમાંથી ૨૫ રૂપિયા સર્વિસ ચાર્જ કપાય છે, જે સિનેમામાલિકને મળે છે. પ્રેક્ષકોને બેસવાની સગવડ, પીવાનું ચોખ્ખું પાણી, સફાઈ વગેરેના ખર્ચ પેટે તે ટીકીટ દીઠ ૨૫ રૂપિયા વસૂલે છે. કહો કે કાપી લે છે.  હવે વધ્યા ૭૫ રૂપિયા. આમાં ફિલ્મ રીલીઝ થાય ત્યારે શરૂઆતના ત્રણ  સપ્તાહ સુધી થિયેટર માલિક અને ફિલ્મનિર્માતા વચ્ચે ૫૦% લેખે રકમ વહેંચવાની વ્યવસ્થા ચાલે છે એટલે 75 ના અડધા 37.50.

હવે નિર્માતા પોતે તો ગુજરાતનાં બધાં  સિનેમાઘરોમાં સંપર્ક ધરાવતો હોતો નથી એટલે તેણે એક્સીબીટર દ્વારા જ ફિલ્મ રજૂ કરવી પડે, જેને આપણે વિતરક કહીએ છીએ. આ વિતરક ૧ રૂપિયાથી માંડીને 2.૫૦ રૂપિયા વસૂલી શકે. એક હદ સુધી તો ઉચ્ચક રકમ પણ આપવાની હોય છે ( ફિલ્મ ચાલે કે ના ચાલે ૫૦૦૦૦ ફિક્સ ..એમ ) એટલે ૩૫ રૂપિયા બચે. ટૂંકમાં જો આવકના ૫૦% લેખે ભાગ પાડવાના હોય તો ૧૧૨ માંથી ૩૫ મળે, બાકી તેનાથી પણ ઓછા મળે. વળી, આ બધું જ ફિલ્મ રજૂ થાય તેના પહેલા પાંચ અઠવાડિયાં સુધી જ, ત્યાર બાદ તો માત્ર 25% એટલે 17 થી 18 રૂપિયા માત્ર! 

સત્તાવાળાનું કામ માત્ર કાયદા ઘડવાનું નથી, પણ કાયદા પળાવવાનું  પણ છે અને ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિ રોકવાનું પણ છે. આપણા દેશમાં ઘણી વાર બહુ ચાલાકીપૂર્વક સરકાર માત્ર જાહેરાત કરીને આઘી ખસી જાય છે અને પ્રજા બિચારી લાચાર હેરાન થયા કરે છે. સ્કૂલમાં ડોનેશનથી માંડીને હોટલના સર્વિસ ચાર્જ સુધીના કિસ્સામાં જોવા મળે છે કે સરકાર માત્ર જાહેરાત કરે છે કે ડોનેશન આપશો નહિ.

સર્વિસ ચાર્જ ચુકવશો નહિ. જો કોઈ પરાણે માંગે તો ફરિયાદ કરો, અમે પગલાં લઈશું …..સરકાર જાણે છે કે આ દેશમાં કોઈ ફરિયાદ કરવાનું નથી. જો કોઈ રડીખડી વ્યક્તિ ફરિયાદ કરે તો તંત્ર તેને ધ્યાને લેવાનું નથી અને ભૂલેચૂકે જો પગલાં ભરવાનાં થાય તો એકાદ વિરુદ્ધ પગલાં લેવાનાં, બાકી તંત્ર તો સુધરવાનું જ નથી..ફરિયાદ કરો તો પગલાં લેવાય એવા આશ્વાસન સાથે કાયમી લૂંટ તો ચાલ્યા કરવાની.પણ આ દેશમાં સરકાર પોતે એક આખી ગેરકાયદે લૂંટ વિરુધ્ધ કાયમી ધોરણે પગલાં લેતી નથી.

  એક તરફ આખા દેશમાં ૨૦૧૭ થી  જી એસ ટી લાગુ કરી દેવાયો છે અને પછી સરકારના અધિકારીઓએ જાહેર કર્યું છે કે જે વેપારી કે સર્વિસ આપનાર જી એસ ટી પછી જુના દરે ,જૂની પદ્ધતિથી કિંમત વસૂલ કરશે અને ઘટેલા ભાવના લાભ ગ્રાહકને નહિ પહોંચાડે તેના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી થશે. સરસ..સાહેબ, લો, અમે જાહેરમાં કહીએ છીએ કે જી એસ ટી પહેલાં ગુજરાતમાં માહિતી ખાતાએ સ્વચ્છતા અભિયાનના નામે થિયેટર માલિકોને મનોરંજન કરમાંથી ૧૪ રૂપિયા મુક્ત આપ્યા હતા એટલે કે પ્રેક્ષકે ચૂકવેલા ટીકીટના દરમાંથી ૧૪ રૂપિયા બાદ કરીને મનોરંજન કર ભરવાનો થતો હતો.

હવે આ મનોરંજન કર જ નાબૂદ થયો છે..૧૯૭૭ નો મનોરંજન કર અધિનિયમ અને તેને સંબંધિત તમામ છૂટછાટો રદ થઇ છે, છતાં ગુજરાતના સિનેમા-માલિકો સર્વિસ ચાર્જ વસુલ કરે જ છે અને તે પણ 25 રૂપિયા.વળી આપણા મંત્રીશ્રીએ વારંવાર કહ્યું છે કે હોટલવાળા ફરજીયાત રીતે સર્વિસ ચાર્જ લઇ શકે નહિ, પણ શહેરોની મોટી હોટલો તે વસૂલ કરે જ છે. સમય થઇ ગયો છે કે સરકાર સીધા પગલાં લે.

એક વાત સૌએ સમજવા જેવી છે કે જે ક્ષેત્રમાં સીધી સર્વિસ વેચાય છે ત્યાં સર્વિસ ચાર્જ લેવાય તે કાયદેસર છે,ન્યાયની વાત છે, પણ જ્યાં વસ્તુ વેચાય છે અને વસ્તુનો વિનિમય કુદરતી છે ત્યાં આ વિનિમયને સર્વિસ ગણવી અને તેના પર ચાર્જ લેવો તે લૂંટ છે, જેમકે આપણા ઘરે ટી.વી. ફ્રીઝ કે એસી બગડી જાય અને તે સર્વિસ કરવા માણસ આવે ત્યારે સર્વિસ ચાર્જ આપવો પડે કારણ ત્યાં સીધી સર્વિસ વેચાય છે પણ હોટલમાં આપણે ભજનના રૂપિયા ચૂકવીએ પછી એ ભોજન આપણા ટેબલ પર મુકાવવાના અલગ રૂપિયા લેવાય એ તો ખુલ્લી લૂંટ છે.

આમ પણ હોટલમાં પીરસતી તમામ આઈટમ આ સર્વિસચાર્જ સાથેના ભાવમાં જ વેચાય છે.પાલકનો ભાવ કે રોટીનો ભાવ  કે દાળનો ભાવ તો હોતો જ નથી, ભાવ હોય છે લકઝરીનો બેઠાં બેઠાં ઓર્ડર કરવાનો, એટલે ઘરે બનાવીએ તે કરતાં દસથી વીસ ગણા ભાવ ચૂકવીને ઓર્ડર મંગાવ્યા પછી અલગ સર્વિસ ચાર્જ ? અને હા, સ્વેચ્છાએ સૌ વેઈટરને ટીપ આપતા જ હોય છે. જો કે એ પણ એક ચર્ચાનો જ વિષય છે કે વેઈટરને હોટલે પૂરતો પગાર આપવો જોઈએ કે ગ્રાહકે ટીપ? આવું જ સિનેમાઘરનું છે. ફિલ્મોની ટીકીટ ૨૫૦ થી ૩૦૦ ની હોય છે. એમાં આરામદાયક ખુરશી, પીવાનું ચોખ્ખું પાણી અને બેસવાની જગ્યાના રૂપિયા સમાવિષ્ટ  જ છે, ત્યાં જુદો સર્વિસ ચાર્જ શેનો? શું આપણે પડદા ઉપર ફિલ્મ પડવાના જુદા ,ખુરસીમાં બેસવાના જુદા ,પંખાના કે એસી ના જુદા રૂપિયા ચુકાવવાના?

ભારતમાં આ સર્વિસ ચાર્જનું દૂષણ મૂળમાં કરચોરી માત્ર શરૂ થયું છે ઉત્પાદક કે સર્વિસ પ્રોવાઇડર પોતે લીધેલી રાકમના ભાગ પાડી દે છે અને સર્વિસ ચાર્જના નામે લેવાતી રકમ પર વેરો ભરતો નથી, બાકી વિચારો કે જો હોટલ માલિક ડીસનો ભાવ ૨૦૦ રૂપિયા રાખી ૨૫ રૂપિયા સર્વિસ ચાર્જ રાખવાના બદલે ૨૨૫ રૂપિયા જ ભાવ રાખે તો શું ફેર પાડવાનો છે. સિનેમા માલિક ૨૦૦ રૂપિયા ટીકીટ અને ૧૫ રૂપિયા સર્વિસ ચાર્જને બદલે ૨૧૫ રૂપિયા જ ટીકીટનો દર રાખે તો ગ્રાહકને તો સરખું જ છે ને?

પણ જો બધી રકમ ભેગી ગણે તો આવક વેરો એ બધી રકમ પર ભરવાનો આવે અને સર્વિસ ચાર્જના નામે રકમ જુદી પડે તો તે કુલ આવકમાં બતાવવામાં નથી આવતી એટલે આ તમામ ધંધાવાળા વારાફરતી આ સર્વિસ ચાર્જ લેવા માંડ્યા છે. વળી, આ સર્વિસ ચાર્જના નામે લેવાતી રકમ ખરેખર આ સર્વિસ પૂરી પાડનારાને મળતી નથી..સોની ઘરેણાંની બનાવટનો ચાર્જ વસૂલે છે તે ઘડામણ કરનારને નથી આપતો,હોટલ માલિક સર્વિસ ચાર્જના નાણાં રસોઈયા અને વેઈટરોમાં વહેંચી નથી દેતો.

થીયેટર માલિકો સર્વિસના નામે પ્રેક્ષક દીઠ 25  રૂપિયા લીધા તે સફી કામદારોને નથી આપી દેતા માટે આ સર્વિસ ચાર્જ ગેરકાયદે છે અને તે સત્તાવાર પ્રતિબંધિત થવો જોઈએ. સરકાર માત્ર જાહેરાત કરીને છટકી જઈ શકે નહિ. દુનિયાના દેશોમાં વેપારીઓ ઉત્પાદકો વધુ ને વધુ ગ્રાહક સેવા આપીને ગ્રાહકોને આકર્ષવાના પ્રયત્ન કરે છે જયારે આપણે ત્યાં ઈજારા ઊભા કરીને લૂંટવાના ધંધા થાય છે. છેલ્લે એક અગત્યની વાત કે હમણાંથી સરકાર દેશમાં ક્રાંતિકારી સુધાર દાખલ કરવાના આક્રમક પગલાં લે છે. હવે થોડો ટીમ રોજિંદા જીવનમાં સગવડ વધે એવાં પગલાં તરફ ધ્યાન આપે તો સારું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top