
હાલમાં એક અહેવાલ એવા હતા કે મધ્યપ્રદેશની પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા-2025માં માત્ર 7,500 જગ્યાઓ માટે લગભગ 9.5 લાખ અરજદારો આવ્યા હતા., આ બાબત દેશમાં વધતી જતી નોકરીની કટોકટી દર્શાવે છે. જો કે આ બાબત આપણે ત્યાં નવી નથી પરંતુ કંઇક નવાઇ ઉપજાવે તેવી આશ્ચર્યજનક વાત એ છે કે આ હોદ્દા જરૂરી લાયકાત ફક્ત ધોરણ 10(હાઇ સ્કૂલ)ની છે – છતાં અરજદારોમાં 52,000 અનુસ્નાતક, 33,000 સ્નાતક, 12,000 એન્જિનિયર અને લગભગ 50 પીએચડી ધારકો પણ હતા. આમ તો પોલીસ કોન્સ્ટેબલ કે બસ કન્ડકટર જેવી નોકરીઓ માટે સ્નાતકો કે અનુસ્તાકો પણ અરજી કરે તેવા બનાવો પણ જૂના થઇ ગયા છે. કેટલાક પીએચડી અરજદારોના સમાચારો પણ ભૂતકાળમાં ચમક્યા છે. પરંતુ આટલી મોટી સંખ્યામાં ગ્રેજ્યુએટો, પોસ્ટ ગ્રેજ્યુએટો અરજીઓ કરે, પ૦ જેટલા પીએચડી કોન્સ્ટેબલની નોકરી માટે અરજી કરે તે આશ્ચર્યજનક બાબત છે. આ બાબત પ્રજામાં ભણતરનું વધેલું પ્રમાણ અને તેના પ્રમાણમાં તેમને લાયક નોકરીઓનો અભાવ તો સૂચવે જ છે પરંતુ એક જાણકાર અભિપ્રાય પ્રમાણે ખાસ કરીને સરકારી નોકરીઓનું આકર્ષણ, સ્થિર પગારની નોકરી, પેન્શન જેવી બાબતો ઉચ્ચ શિક્ષિત ઉમેદવારોને પણ આ સાવ એન્ટ્રી લેવલની નોકરીઓ તરફ ખેંચી જાય છે.
મધ્ય પ્રદેશની કોન્સ્ટેબલ ભરતી અંગેના અહેવાલ સંદર્ભમાં જ જોઇએ તો એવું જાણવા મળ્યું છે કે મધ્યપ્રદેશમાં ઘણા શિક્ષિત યુવાનો માટે, કોન્સ્ટેબલ પરીક્ષા ભૂમિકા વિશે નથી પરંતુ નોકરીની સુરક્ષા વિશે છે. ઉમેદવારો કહે છે કે સ્થિર રોજગાર તકોનો અભાવ ડિગ્રી ધારકોને પણ ધોરણ 10-સ્તરની જગ્યાઓ લેવા માટે મજબૂર કરી રહ્યો છે. છિંદવાડાની MBA થયેલી પલ્લવી ચોકીકરે જણાવ્યું હતું કે યોગ્ય નોકરી શોધવામાં સંઘર્ષ કર્યા પછી તેણીએ અરજી કરી હતી. “મારી ડિગ્રી હોવા છતાં મને અહીં સારી નોકરી મળી નહીં. મને જે મળી તે મધ્યપ્રદેશની બહાર હતી, પરંતુ કૌટુંબિક જવાબદારીઓને કારણે, મારે ત્યાં જ રહેવું પડ્યું. તેથી મેં આ ફોર્મ ભર્યું,” તેણીએ કહ્યું. સિહોરના વિજય વર્મા, જેમની પાસે બીએસસી અને એમએ બંને ડિગ્રી છે, તેમની પ્રેરણા અલગ હતી. “મારા ગામમાં, સરકારી નોકરી મેળવવી એ મોટી વાત છે. સરકારી નોકરી એટલે સ્થિરતા એમ તે કહે છે. જોઇ શકાય છે કે ખાનગી ક્ષેત્રમાં હજી પણ મોટા પ્રમાણમાં આકર્ષક નોકરીઓનો અભાવ છે અને તેની સામે કેટલીક સરકારી નોકરીઓ ભલે બહુ આકર્ષક નહીં હોય પણ સ્થિરતાની ખાતરી તો આપે જ છે. વળી, પેન્શન એ એક જુદું જ આકર્ષણ છે જે ખાનગી ક્ષેત્રમાં ભાગ્યે જ ઉપલબ્ધ હોય છે. જો કે હવે પોલીસ અને લશ્કર સિવાયની મોટા ભાગની સરકારી નોકરીઓમાંથી પણ પેન્શન યોજના નીકળી જવા માંડી છે. આમ છતાં પણ સરકારી નોકરીઓમાં સ્થિરતાનું એક આકર્ષણ તો છે જ. અને આથી જ ઘણા ઉચ્ચ શિક્ષીત ઉમેદવારો દરજ્જાની પરવા કર્યા વિના પ્રવેશ સ્તરની પણ સરકારી નોકરીઓ તરફ દોટ મૂકે છે.
ભારતમાં એક હવે એક વલણ છે કે નોંધપાત્ર સંખ્યામાં સ્નાતક, અનુસ્નાતક અને MBA ડિગ્રી ધરાવતા વ્યક્તિઓ પણ પોલીસ કોન્સ્ટેબલ અને કંડક્ટર જેવી નોકરીઓ માટે અરજી કરે છે, જેમાં સામાન્ય રીતે ઓછામાં ઓછી લાયકાત તરીકે માત્ર 10મું કે 12મું પાસ પ્રમાણપત્ર જરૂરી હોય છે. આ વલણના કારણોમાં નોકરીની સુરક્ષા ખાસ કારણ છે. સરકારી નોકરીઓ, કોન્સ્ટેબલ અથવા કંડક્ટર જેવા પ્રવેશ-સ્તર પર પણ, ઉચ્ચ નોકરી સુરક્ષા, તબીબી કવરેજ અને રહેઠાણ સુવિધાઓ પ્રદાન કરે છે, જેનો ખાનગી ક્ષેત્રમાં ઘણીવાર અભાવ હોય છે. ઉપરાંત નોકરીની તકોની સામાન્ય અછત, ખાસ કરીને રોગચાળા જેવી ઘટનાઓ પછી, ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને કોઈપણ ઉપલબ્ધ સ્થિર રોજગાર મેળવવા માટે દબાણ કરે છે. તો વળી ઘણા ઉમેદવારોને યુનિફોર્મ સાથે સંકળાયેલી પ્રતિષ્ઠાને કારણે પોલીસ દળ અથવા અન્ય યુનિફોર્મર્ડ સેવાઓમાં જોડાવાની ચોક્કસ મહત્વાકાંક્ષા હોય છે. સ્થિર પગાર ધોરણ પણ એક આકર્ષણ કેન્દ્ર છે. કોન્સ્ટેબલ જેવી નોકરીઓ યોગ્ય અને માળખાગત પગાર ધોરણ આપે છે, જે સમય જતાં વધે છે, જે તેમને આર્થિક રીતે આકર્ષક બનાવે છે. સરકારી નોકરીઓ તરફ ભારતીય શિક્ષિતોનું આકર્ષણ ખાનગી ક્ષેત્રના વ્યાપક વિકાસ પછી હજી પણ ઘટ્યું નથી તે સમજી શકાય છે.