દક્ષિણ મુંબઈનાં રહેવાસીઓને નવી મુંબઈ જવું હોય તો લગભગ ૬૦ કિલોમીટરનો ચકરાવો લઈને જવું પડતું હતું. ઘણાં લોકો ગેટ વે ઓફ ઇન્ડિયા કે ભાઉચા ધક્કાથી બોટ દ્વારા નવી મુંબઈ પહોંચતાં હતાં. હવે દરિયામાં લાંબો સેતુ તૈયાર થઈ જતાં આ અંતર ઘટીને ૨૨ કિલોમીટર થઈ ગયું છે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકને હવે દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ તરીકે ઓળખવામાં આવશે. આ બ્રિજમાં ઘણી નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે દેશમાં પહેલી છે. ૨૨ કિલોમીટર લાંબા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક બ્રિજમાંથી ૧૬.૫ કિલોમીટર લાંબો સમુદ્ર ઉપર છે.
તેનું વજન ૨,૩૦૦ મેટ્રિક ટન છે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક મુંબઈ-પુણે એક્સપ્રેસ વે અને મુંબઈ-ગોવા નેશનલ હાઈ વે સાથે જોડાઈને દક્ષિણ મુંબઈથી પુણે, બેંગલુરુ અને ગોવાનો મુસાફરીનો સમય પણ ઘટાડશે. તેની મદદથી મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ ૬૦ મિનિટથી ઘટાડીને ૧૬ મિનિટ થવાની ધારણા છે. તેનાથી મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાને મુંબઈ શહેરની નજીક લાવવામાં મદદ મળશે અને નવી મુંબઈમાં આગામી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે કનેક્ટિવિટીનો ઝડપી વિકલ્પ પણ ઊભો થશે.
ટ્રાન્સહાર્બર લિન્કમાં ૯,૭૫,૦૦૦ ક્યુબિક મીટર કોંક્રીટનો ઉપયોગ થયો હતો, જે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી માટે વપરાયેલા કોન્ક્રીટ કરતાં છ ગણો છે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકની યોજના છેક ૧૯૬૬માં ઘડવામાં આવી હતી, જ્યારે તેને ઉરણ બ્રિજ તરીકે પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. તેની ગાડી પાટે ચડે તે પહેલાં તેને અસંખ્ય આંચકાઓનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાન્સ હાર્બર લિંક માટે પ્રથમ પ્રયાસ ૨૦૦૬માં કરવામાં આવ્યો હતો, જ્યારે IL&FS એ બિલ્ડ ઓન ઓપરેટ ટ્રાન્સફર મોડલનો પ્રસ્તાવ મૂક્યો હતો.
આ પ્રસ્તાવ સફળ થયો નહોતો. ૨૦૧૭માં મહારાષ્ટ્ર સરકારે આ પ્રોજેક્ટ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીને સોંપવાનો નિર્ણય કર્યો હતો, જેને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન તરફથી ૧૮,૦૦૦ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી.મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક એ છ લેનનો એક્સપ્રેસ વે હશે જે સિવરીથી શરૂ થશે, થાણેની ખાડીને પાર કરશે અને ન્હાવા શેવા પોર્ટ પાસે ચિર્લે પર સમાપ્ત થશે. વર્ષ ૨૦૧૬ માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શિલાન્યાસ સાથે પ્રોજેક્ટને શરૂ કરવામાં આવ્યો હતો.
એપ્રિલ ૨૦૧૮ માં મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પર બાંધકામનું કામ શરૂ થયું હતું, જેને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવ્યું હતું. પહેલો તબક્કો સિવરીથી થાણે ક્રીક સુધીના ૧૦.૩૩ કિમીનો છે અને તેને L&T અને IHI કોર્પોરેશન દ્વારા વિકસાવવામાં આવ્યો છે. બીજો તબક્કો થાણે ક્રીકથી શિવાજી નગર સુધી ૭.૮૦૭ કિમીનો છે, જેને ટાટા પ્રોજેક્ટ્સ અને ડેવુ દ્વારા વિકસાવવામાં આવ્યો છે. ત્રીજો તબક્કો ૩.૬૧૩ કિમીનો છે, જેને L&T દ્વારા વિકસાવવામાં આવ્યો છે અને તે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકને સ્ટેટ હાઈ વે ૫૨ અને ૫૪ અને નેશનલ હાઈવે ૪બી ચિર્લે, નવી મુંબઈ સાથે જોડશે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનો ચોથો તબક્કો ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (ITS) છે, જેમાં પ્રોજેક્ટ માટે ટોલ અને ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ્સ અને સાધનોની સ્થાપના કરવાનો સમાવેશ થાય છે.
મુંબઈ અને નવી મુંબઈને જોડતા આ ૨૨ કિલોમીટર લાંબા પુલ પર એક તરફી મુસાફરી કરવા માટે ૨૫૦ રૂપિયાની ફી ચૂકવવી પડશે. જો તેનો ઉપયોગ રિટર્ન મુસાફરી માટે થાય તો તેના માટે ૩૭૫ રૂપિયા ચૂકવવા પડશે. જો મુસાફરો મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક માટે દૈનિક પાસ લે તો તેમણે ૬૨૫ રૂપિયા ચૂકવવા પડશે અને માસિક પાસ માટે તેમણે ૧૨,૫૦૦ રૂપિયા ચૂકવવા પડશે. મહારાષ્ટ્ર સરકારને અપેક્ષા છે કે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પરથી દરરોજ ૭૦,૦૦૦ થી વધુ વાહનો પસાર થશે.
આવી સ્થિતિમાં આ લિંક રોડ ટોલ મારફત દરરોજ ૧.૭૫ કરોડ રૂપિયાની કમાણી કરશે. આ ટોલ ૨૦૪૫ સુધી વસૂલ કરવામાં આવશે. તેમાં ઉત્તરોત્તર વધારો થશે. મુંબઈ પોલીસે જણાવ્યું છે કે સમુદ્ર સેતુ પર ફોર વ્હીલર માટેની મહત્તમ ગતિ મર્યાદા ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાક રહેશે, જ્યારે મોટરબાઈક, ઓટોરિક્ષા અને ટ્રેક્ટરને દરિયાઈ પુલ પર ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો ગતિમર્યાદા તોડવામાં આવશે તો ભારે દંડ કરવામાં આવશે.
દરિયા કિનારે બનેલા બ્રિજ પર સાઉન્ડ બેરિયર્સ લગાવવામાં આવ્યા છે. નિષ્ણાતો કહે છે કે મુંબઈના સિવરી વિસ્તારમાં દર વર્ષે શિયાળામાં હજારોની સંખ્યામાં ફ્લેમિંગો પક્ષીઓ આવે છે. તેમને દરિયાઈ બ્રિજ પર પસાર થતાં વાહનો દ્વારા ખલેલ ન પહોંચે તે માટે ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે બ્રિજ પર સાઉન્ડ બેરિયર્સ લગાવવામાં આવ્યા છે. જો કે આ બ્રિજનું બાંધકામ પાંચ વર્ષ ચાલ્યું તે દરમિયાન ફ્લેમિંગોને ખલેલ પહોંચતી હતી, તેનો વિચાર કરવામાં આવ્યો નહોતો. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક સત્તાવાર રીતે શ્રી અટલબિહારી વાજપેયી ટ્રાન્સ હાર્બર લિંક તરીકે ઓળખાશે.
આ પ્રોજેક્ટનું બાંધકામ સૌ પ્રથમ ૨૦૧૮ માં શરૂ થયું હતું ત્યારે તે ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થવાનું હતું, પરંતુ કોવિડ-૧૯ રોગચાળાને કારણે તેમાં વિલંબ થયો હતો. પહેલાં અટલ સેતુના ઉદ્ઘાટન માટે તા. ૨૫ ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી, જે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીનો જન્મદિવસ છે. ત્યારે કામ બાકી હોવાથી દરિયાઈ સેતુનું ઉદ્ઘાટન લંબાઈ ગયું હતું. હવે છેવટે તા. ૧૨ જાન્યુઆરીના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે તેનું લોકાર્પણ કરવામાં આવશે.
આ દરિયાઈ સેતુ પરથી પસાર થતી વખતે વાહનોને રોક્યા વિના ટોલ ફી ચૂકવવાની સવલત આપી છે, જેનાથી સમયની બચત થશે અને ટ્રાફિક જામમાંથી પણ રાહત મળશે. ઉલ્લેખનીય છે કે સમુદ્ર સેતુથી અસરગ્રસ્ત થનારાં લોકોનું પુનર્વસન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી જેમની આજીવિકાને અસર થઈ છે તેવાં સેંકડો માછીમારોને વળતર આપવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકના ભવ્ય ઉદ્ઘાટન માટે નાગરિકો તૈયારી કરી રહ્યાં છે, ત્યારે ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલે ઉત્સવપૂર્ણ અને રંગીન દેખાવ પ્રાપ્ત કર્યો છે.
દરિયાઈ સેતુ પર સંપૂર્ણ સફાઈ કર્યા પછી ૨૨ કિલોમીટરના બ્રિજને હવે આ પ્રસંગ માટે લાઈટો અને આકર્ષક શણગારથી સજાવવામાં આવ્યો છે. સોશ્યલ મિડિયા પર દરિયાઈ સેતુના વિડિયો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેને કારણે લોકોની ઉત્સુકતા વધી રહી છે. કેટલાંક યુટ્યુબરો પોતાની કાર લઈને દરિયાઈ બ્રિજ પર આંટો મારી આવે છે અને તેનો વિડિયો પોસ્ટ કરીને લાઈકો મેળવે છે. વડા પ્રધાન મોદી તા. ૧૨ જાન્યુઆરીના સાંજે ચાર વાગ્યે સિવરીથી તેમની મુસાફરી શરૂ કરશે અને દરિયાઈ સેતુના ચિર્લે અને પછી નવી મુંબઈ સુધીના સમગ્ર ૨૨ કિલોમીટરના રૂટ પર મુસાફરી કરશે. નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેઓ એક જાહેર રેલીને સંબોધિત કરશે અને અટલબિહારી વાજપેયી સેતુનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈની મુલાકાત દરમિયાન ઓરેન્જ ગેટ, થાણે-બોરીવલી ટ્વીન ટ્યુબ ટનલ અને સૂર્યા પ્રોજેક્ટ સહિત કુલ આઠ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરે તેવી અપેક્ષા છે. નવી મુંબઈની રેલી માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, જેની બેઠક ક્ષમતા દોઢ લાખ લોકોની છે. શહેરની સૌથી લાંબી ભૂગર્ભ ટનલ પૈકીની એક ઓરેન્જ ગેટને મરીન ડ્રાઇવથી જોડશે. આ ટનલ ઈસ્ટર્ન ફ્રીવે પર ઓરેન્જ ગેટ અને મરીન ડ્રાઈવ વચ્ચે ટ્રાફિકમુક્ત માર્ગ પ્રદાન કરે તેવી અપેક્ષા છે. લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ આચારસંહિતા લાગુ થઈ જાય તે પહેલાં દેશનાં લોકોને અબજો રૂપિયાના પ્રોજેક્ટોનો લાભ મળવાનો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ત્રણ મહિના લોકાર્પણના કાર્યક્રમોમાં જ વ્યતીત થવાના છે.