આર્ટ ઓફ લિવિંગ શીખવાડતા મોટીવેશનલ સેમિનારમાં સ્પીકરે વાતની શરૂઆત જ એક પ્રશ્નથી કરી.સ્પીકરે પ્રશ્ન પૂછ્યો, ‘જીવનમાં સંપત્તિરૂપે શું ગણવું જોઈએ?’ હજી તો પ્રશ્ન પૂછાયો ત્યાં જ ફટાફટ જવાબ આવવા લાગ્યા.પૈસા ,બેંક બેલેન્સ, શેર અને ડિબેન્ચર બોન્ડ,ફિક્સ્ડ ડીપોઝીટ, સોનું ,ચાંદી ,હીરા ,ઝવેરાત,ઘર ,જમીન ,ફ્લેટ….જેવા અનેક જવાબો આવ્યા છતાં સ્પીકર બોલ્યા, ‘હજી કહો સંપત્તિ એટલે બીજું શું?’ બધાને નવાઈ લાગી કે સંપત્તિનાં લગભગ દરેક સ્વરૂપો જવાબમાં આવી જ ગયા હતા. સ્પીકર આગળ બોલ્યા, ‘મારા દોસ્તો, તમે જે જવાબો આપ્યા તે તો એક જ સંપત્તિનાં વિવિધ રૂપો છે.હું તમને જણાવીશ કે જીવનમાં બીજી કેટલા પ્રકારની સંપત્તિઓ છે.’ બધા જાણવા આતુર બન્યાં. સ્પીકર બોલ્યા, ‘તમે જે જવાબો આપ્યા તે સ્થૂળ અર્થમાં જે સંપત્તિ બધા જ ગણે છે તેનાં વિવિધ રૂપો છે.
આ નાણાંકીય સંપત્તિ સિવાય પણ બીજી સંપત્તિઓ વ્યક્તિએ જીવનમાં કમાવી જોઈએ.પહેલી નાણાંકીય સંપત્તિ જેને આપણે સર્વસ્વ માનીએ છીએ અને જે મેળવવા આંધળી દોટ મૂકીએ છીએ.’ શ્રોતાજનમાંથી કોઈકે કહ્યું, ‘પણ તે જીવન જીવવા માટે જરૂરી પણ છે ને?’ સ્પીકર બોલ્યા, ‘હા, ચોક્કસ જરૂરી છે પણ એકદમ મહત્ત્વની નથી.ચાલો, આગળ હું બીજી સંપત્તિ વિષે વાત કરું તે છે સામાજિક સંપત્તિ- સમાજમાં ચાર માણસમાં પુછાવા જેટલી વગ હોવી જોઈએ, લોકોમાં તમારી ખ્યાતિ હોવી પણ સામાજિક સ્તરે તમને મૂઠીઊંચેરા બનાવે છે.
આ સંપત્તિ તમારું સમાજમાં માન સન્માન વધારે છે.હવે વાત કરું ત્રીજી સંપત્તિની. તે છે સમયની આઝાદી તમારો સમય, તમારું જીવન, તમે તમારી રીતે કોઈના બંધન અને નિયમો વિના જીવી શકો,તમારા સમય પર માત્ર અને માત્ર તમારો જ અધિકાર હોવો એક સંપત્તિ સમાન જ છે.સમય એવી સંપત્તિ છે તેનો તમે સદુપયોગ કરો કે દુરુપયોગ તે તમારા હાથમાંથી સરતો જ જાય છે. આ સંપત્તિને તમે તિજોરીમાં મૂકીને સાચવી શકતા નથી.તેને તમે સભાન રહીને સતત સારી રીતે ખર્ચ કરી શકો છો.’
સ્પીકરની વાતોએ બધાને વિચાર કરતા મૂકી દીધા કે હા સાચી વાત છે. આ બે સંપત્તિ તો મૂળ આપણે જેને સંપત્તિ ગણતાં હતાં તેનાથી પણ વધુ મહત્ત્વની છે. સ્પીકર જાણે બધાના મનની વાત જાણી ગયા હોય તેમ બોલ્યા, ‘લાગે છે ને તમને આ બે સંપત્તિ મહત્ત્વની અને વધુ મૂલ્યવાન? હવે વાત કરું ચોથી સંપત્તિની. તે છે આપણી શારીરિક અને માનસિક સંપત્તિ.શરીર સ્વસ્થ હશે તો જ જીવન સારી રીતે જીવી શકાશે. બધાં કામ કરી શકાશે. સમાજમાં માન પાન વધે તેવાં કાર્યો કરવાં કે પછી સમયનો મનગમતો સદુપયોગ કરવા માટે શરીર અને મનનું સ્વસ્થ હોવું, આનંદિત હોવું બહુ જરૂરી છે.’ બધાએ સ્પીકરની વાતોને તાળીઓથી વધાવી. સ્પીકર આગળ બોલ્યા, ‘તમે બધા સંપત્તિવાન બનજો અને જોજો પહેલી અને બીજી સંપત્તિ વધુ મેળવવાની લ્હાયમાં બીજી બે સંપત્તિ વેડફાઈ ન જાય તેનું ધ્યાન રાખજો.’ સ્પીકરે છેલ્લે સુંદર જીવન ઉપયોગી સલાહ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.