વડોદરા: વડોદરામાં રોડ રસ્તાઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરતો હોવાના અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. અનેક માર્ગ ઉપર રોડની ગુણવત્તા ઉપર સવાલો ઉભા થઇ રહ્યા છે ત્યારે વડોદરાના હાથીખાના વિસ્તારમાં એક રોડ ઉપર ડામર ઓગળી ગયો હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
વડોદરામાં રોડ રસ્તા મુદ્દે અનેકવાર પાલિકા સામે અથવા તો કોન્ટ્રાક્ટર સામે કામગીરીને લઈને આંગળી ચીંધાય છે. ક્યારેક એકના એક રોડ વારંવાર બનાવવા અથવા તો બનેલા રોડ પર જ રીકાર્પેટીંગ કરવું અને રોડની ગુણવત્તા ના જાળવવી આ તમામ મુદ્દા ઉપર અનેકવાર લોકો તંત્ર ઉપર અને કોન્ટ્રાક્ટર ઉપર સવાલ ઉઠાવતા રહ્યા છે ત્યારે વધુ એક આવો જ રોડ ધ્યાન પર આવ્યો છે. વડોદરાના હાથીખાના વિસ્તારમાં તાજેતરમાં જ બનાવેલા રોડ પર ડામર ઓગળી ગયો છે.
ડામર ઓગળી જવાના કારણે રાહદારીઓ તેના ઉપર ચોંટી જતા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉપરાંત નજીકમાં જ એક શાળા આવેલી છે જ્યાં આવતા વિદ્યાર્થીઓને પણ હાલાકી વેઠવી પડી રહી છે. તો વાહન ચાલકો પણ આ માર્ગ ઉપર સ્લીપ થઈ જતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે હજુ તો ઉનાળાની શરૂઆત નથી થઈ ત્યાં જ નવા બનાવેલા માર્ગોના આ હાલ છે તો ઉનાળામાં જ્યારે ધોમધખતો તાપ પડશે ત્યારે આ રોડની શું હાલત થશે તે વિચાર માત્રથી સ્થાનિકો કંપી ઉઠે છે. માર્ગ બનાવ્યા બાદ તેના ઉપર યોગ્ય રીતે રેતી ન પથરાતા ઉપર પેઇન્ટ કરાવેલ ડામર ઓગળી રહ્યો છે. અને તેના કારણે સ્થાનિક રહીશો તેમજ વાહન ચાલકો ભારે હાલાકી વેઠી રહ્યા છે.