Columns

આસ્ક મેપના ફીચરથી ગૂગલ મેપનું ક્લેવર બદલાઈ ગયું

તમને ગૂગલ મેપની આ ખાસિયતો ખબર છે? તમે દરરોજ ગૂગલ મેપનો ઉપયોગ કરતાં હશો કે કદાચ મહિને બે-ચાર વખત મેપની સહાય લેતા હશો તો પણ તમે ગૂગલ મેપની અમુક બાબતો ક્યારેય જાણી નહીં હોય. એક મહિનામાં એવરેજ દુનિયાના 100 કરોડ લોકો ગૂગલ મેપનો ઉપયોગ કરે છે. ગૂગલ મેપના યુઝર્સ તો 200 કરોડથી વધારે છે. આટલા યુઝર્સ ધરાવતી ગૂગલ મેપ એ પ્રકારની એકમાત્ર એપ છે. 30 કરોડ લોકોએ મેપ વધારે સારી રીતે કામ કરી શકે તે માટે જગ્યાઓના ફોટો અપલોડ કર્યા છે. – આનંદ ગાંધી


આપણે સૌ ગૂગલ મેપનો દરરોજ ઉપયોગ કરીએ છીએ ત્યારે વિચારતા નથી તે દેશમાં બીજા કેટલા લોકો આપણી જેમ ગૂગલ મેપનો ઉપયોગ કરતા હશે. પાંચ કરોડ સ્થળો તો એકલા ભારતમાં દરરોજ શોધવામાં આવે છે. એ સ્થળોને જો કિલોમીટર પ્રમાણે તમે ગોઠવી તો 250 કિલોમીટરનો રસ્તો થઈ જાય. છે ને મજેદાર ફેક્ટ?
દરેક વયજૂથમાં ગૂગલ મેપ લોકપ્રિય છે. 25થી 35 વર્ષની વયના લોકો સૌથી વધુ 29 ટકા આ એપ વાપરે છે. 35થી 45ની વયજૂથના લોકો 23 ટકા આ મેપનો ઉપયોગ તેમના લોકેશન શોધવા માટે કરે છે. તેની સર્વિસ અંગ્રેજીમાં જ નથી ઉપલબ્ધ નથી. કંપની 74 ભાષાઓમાં સર્વિસ ઓફર કરે છે. રિઅલ ટાઈમ ટ્રાફિક બતાવવામાં ગૂગલ મેપને ટક્કર આપે તેવી એપ શોધવી મુશ્કેલ છે. એમ કહો તો ચાલે કે નેવિગેશનમાં ગૂગલ મેપની મોનોપોલી છે. 2005માં લોંચ થયેલી આ સર્વિસ થઈ હતી. મૂળભૂત રીતે આ સર્વિસ ગૂગલની નથી. લાર્સ અને જેન્સ રેસમ્યુસેન નામના બે ભાઈઓ અને તેમના બે સહયોગીઓ નામે સ્ટીફન અને નોએલ ગોર્ડને ડેસ્કટોપ પ્રોગ્રામના ભાગરૂપે આ સર્વિસ વિકસાવી હતી. 2004માં ગૂગલે તેમની કંપની ખરીદી લીધી હતી અને તેને વેબ એપ્લિકેશનનું એટલે કે આજે જેને આપણે એપ્સ કહીએ છીએ તેનું સ્વરૂપ આપ્યું હતું. આ ગૂગલ મેપમાં હવે ખૂબ જ મહત્ત્વનું અપડેટ આવ્યું છે. ગૂગલ મેપની સર્વિસ વધારે એઆઈ આધારિત બનશે. તેના કારણે યુઝર્સને લોકેશન શોધવામાં, રસ્તામાં જુદા જુદા લોકેશન ઓળખવામાં સરળતા વધશે. અત્યાર સુધી ગૂગલમાં ટાઈપ કરીને લોકેશન શોધી શકાતું હતું, પરંતુ થોડા સમય પહેલાં અમેરિકા અને ભારતના યુઝર્સ માટે બોલીને લોકેશન સર્ચ કરવાનું ફીચર પ્રાયોગિક ધોરણે ઉમેરાયું હતું. હવે એ તમામ યુઝર્સ માટે ઓપન કરી દેવાયું છે. ટાઈપ કરવાને બદલે બોલીને લોકેશન શોધવાનું જે ફીચર મર્યાદિત યુઝર્સ માટે એક્ટિવ હતું તેમાં એઆઈ ટૂલ ઉમેરાતા સરળતા વધશે. આસ્ક મેપ્સ નામનું ફીચર ઉમેરવાની સાથે સાથે ગૂગલે થ્રીડી મેપનું ફીચર ઉમેરીને તેમાં પણ એઆઈ ટૂલ જેમિનાઈ જોડી દીધું છે. ઈમર્સિવ નેવિગેશન નામના આ ટૂલથી રસ્તા અને ઈમારતોનો થ્રીડી મેપ જોવા મળશે. તેનાથી યુઝર્સ વધુ સારી રીતે નકશો ઓળખી શકશે. તે સિવાય હવે મેપ જ યુઝર્સને કોઈ ઈમારતમાં એન્ટ્રી અને પાર્કિંગની વિગતો આપી દેશે. કોઈ સ્થળે જઈ રહ્યાં હોઈએ અને ત્યાં પાર્કિંગ નહીં હોય તો ગૂગલ મેપ અગાઉથી જ યુઝર્સને કહી દેશે કે તમે જે સ્થળે જવાના છો ત્યાં પાર્કિંગની વ્યવસ્થા નથી. ગૂગલ મેપમાં એઆઈ ટૂલ ઉમેરાતા વધારે યુઝર્સ ફ્રેન્ડલી બનશે.
આસ્ક મેપ્સની ખાસિયત માત્ર એટલી નથી કે તમે એને લોકેશન પૂછો ને એ જવાબ આપે. તેની ખાસિયત એ પણ ખરી કે જેમિનાઈ ટૂલ્સ તેની સાથે જોડાવાના કારણે તમારે ઘરેથી ક્યાંક બહાર જવું હશે ને તમે એને પૂછશો કે કારથી જવું હિતાવહ છે કે બાઈકથી કે પછી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવો જોઈએ? તો ગૂગલ મેપ તમને ટ્રાફિક સહિતના ફેક્ટર્સ સૂચનો જણાવશે. તમે એને પૂછશો કે સરસ ધીમું સંગીત ચાલતું હોય એવું કોઈ કેફે 5 કિલોમીટરના અંતરે જણાવો, તો એ પણ તમને એ કહી દેશે.
છે ને જોરદાર ફીચર? તમે એનો ઉપયોગ શરૂ કર્યો કે નહીં? જો તમારા મેપમાં હજુ આસ્ક મેપ્સ ન દેખાતું હોય તો એપને અપડેટ કરી જુઓ. અપડેટ થતાંની સાથે જ ગૂગલ મેપનું કલેવર બદલાયેલું દેખાશે•

Most Popular

To Top