સદ્ગત કવિ જયંત પાઠકે ઘડપણ જીરવવાની અનોખી શૈલી ચીંધી હતી. ‘તમે સિનિયર સિટીઝનમાં કેમ જતા નથી?’ એવા એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે ‘નથી હું સિટીઝન કે નથી સિનિયર. જંગલ, વગડાનો માણસ છું. વૃધ્ધત્વ, વયસ્કપણું, વડીલપણું, મુરબ્બીપણું એ બધું શરીર કરતાં તો મનનું કારણ છે. વડીલપણામાં અધિકાર છૂપાયો છે. મારી જીવન જીવવાની ઢબ એ મારે મન વરદાન છે. ડુંગરા ચઢવા, સાહસ ખેડું, ઘરમાં કોઇ ગુસ્સે થાય ત્યારે હળવાશ અને હાસ્યમાં રાચો. જીવનનો અભિગમ કયાં હસીને, કયાં રડીને સ્વીકારો. બીજો કોઇ વિકલ્પ નથી. આ બંનેમાં હાસ્યનો અભિગમ ઉત્તમ. સ્વૈરવિહારી બનો. પોતાની મેળે જ દુ:ખી થનારા ઘણાં છે. પ્રેમ હજારો વર્ષો પહેલાં પણ થતો હતો, આજે પણ થાય છે. શેરી કે મહોલ્લામાંથી કોઇ છોકરી ભાગી જાય તેમાં વલોપાત કરવાનું તમારે શું કામ? જીવનને જીવવામાં માનો, ટકાવી રાખવામાં નહીં. કવિતાસર્જન એ જ મારું અધ્યાત્મ. એમાંથી જ આનંદ મેળવું છું. પારકી પંચાત છોડો, ગાઓ, સંવાદ ટાળો, ઘડપણ જીરવવાની એ જ કળા છે. ટૂંકમાં મનગમતી પ્રવૃત્તિમાં તલ્લીન રહો.
સુરત – કુમુદભાઇ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.