૭૭ મા સ્વતન્ત્રતા દિવસની શુભેચ્છાઓ. માનનીય વડાપ્રધાન શ્રીએ દેશના આર્થિક વિકાસનો ઉજળો આશાવાદ વ્યક્ત કર્યો છે, સારી વાત છે, પણ આંકડાઓની વાસ્તવિકતા પણ તપાસતાં રહેવી જરૂરી છે. દેશ દુનિયાની પાંચ મોટી આર્થિક સત્તામાં સામેલ છે પણ આ વેપારની દૃષ્ટિએ! રાષ્ટ્રીય આવકનો માપદંડ સર્વાંગી માપદંડ નથી. દુનિયાના મોટા ભાગના અર્થશાસ્ત્રીઓએ તે છોડી દીધો છે. આપણે થોડા નક્કર આંકડાની વાત કરવા જેવી છે.આંકડાઓને રાજકારણ હોતું નથી પણ હા, તેના વિશ્લેષણમાં લોકો પક્ષ વિપક્ષ અને રાજનીતિ ઘુસાડી દે છે. પણ આમ કરવાથી નક્કર હકીકત છુપાતી નથી. આંકાડાઓમાં રહેલા સમાજશાસ્ત્ર અને આવનારા સમયની આર્થિક શક્યતાઓને સમજવાનો પ્રયત્ન કરવા જેવો છે. વર્તમાન સરકારે પણ લાંબા ગાળાની આર્થિક નીતિ માટે આ મૂળભૂત બાબતો ધ્યાનમાં લેવા જેવી છે.
ભારતમાં લગભગ ૩૦ કરોડ પરિવારો છે, જેમાં ૧૪૦ કરોડ લોકો રહે છે. મતલબ કે આપણા કુટુંબનું સરેરાશ કદ 5 વ્યક્તિ પ્રતિ પરિવારનું છે. જે 1980 માં 8 વ્યક્તિ હતું. એટલે કુટુંબ નાનાં થતાં જાય છે, વિભક્ત થતાં જાય છે. વળી ૨૦૧૧ માં 25 કરોડ પરિવાર હતાં, જે વધીને ૩૦ કરોડ થયાં એટલે છેલ્લાં દસ વર્ષમાં 4 કરોડ પરિવાર વધ્યાં. ભારતમાં જન્મદર હજારની વસ્તીએ ૧.૯ થયો છે જે ૮0 ના દસકમાં 2.૫ હતો. મતલબ કે જન્મદર ઘટ્યો છે અને મૃત્યુદર ૧% થયો છે, જે પણ ઘટ્યો અને હવે લગભગ સ્થિર થયો છે. એટલે ચોખ્ખો વસ્તીવધારો ઘટી ગયો છે.
હાલ ભારતને યુવાનોનો દેશ માનવામાં આવે છે કારણ કે ૬૫ % થી વધુ વસ્તી યુવાન છે, પણ આ યુવાનની વ્યાખ્યા સમજવા જેવી છે. સરકાર 15 થી ૬૫ વર્ષની વસ્તીને યુવાન ગણે છે, જે ખરેખર કાર્યાન્વિત વસ્તી છે. યુવાનની આપણી સાદી વ્યાખ્યા અહીં લાગુ કરવી નહીં. હવે જે યુવાન વસ્તીના આંક્ડાથી આપણે પ્રભાવિત છીએ તે જ યુવાન વસ્તી ૨૦૫૦ માં ઘરડી હશે અને યુવાનોનો દેશ ૨૦૫૦ થી ઘરડાઓનો દેશ હશે. કારણકે 2001 ની વસ્તી ગણતરી મુજબ દેશમાં ૨૦ વર્ષથી મોટી ઉંમરનાં લોકોની વસ્તી ૫૩% એટલે કે આશરે 55 કરોડ હતી. આ વસ્તી ૨૦૫૦ માં 70 વર્ષથી વધુની હશે.
ભારતમાં પ્રતિ પરિવાર બાળકોનું સરેરાશ પ્રમાણ બે કે તેથી ઓછું છે. આપણે અનુભવીએ છીએ કે ૧૯૯૦ પછી એવાં પરિવારો ભાગ્યે જ છે, જ્યાં ચારથી વધુ બાળકો હોય (જે ૧૯૬૦ માં સાત કે નવ હતાં) શહેરી ઉચ્ચ માધ્યમ વર્ગમાં હવે સિંગલ બેબીનું પ્રમાણ વધ્યું છે. ગરીબ અને મજૂર વર્ગમાં તે બે કે ત્રણ છે. હવે મુદ્દાની વાત એ છે કે દસ જ વર્ષ પછી બિલાડીના ટોપની જેમ ફૂટી નીક્ળેલી સ્કૂલોને વિદ્યાર્થી મળવાનાં નથી. ગામડાંઓના શાળાઓમાં આ પ્રશ્ન અત્યારે જ દેખાયા છે.કોલેજોમાં તો તાળાં મારવાં શરૂ થયું જ છે.
સૌથી મોટો પ્રોબ્લેમ દસ જ વર્ષમાં રીયલ એસ્ટેટમાં દેખાશે. બાળકોની સંખ્યા ઘટતાં મકાનોની માંગ ઓછી થશે કારણ પહેલાં કુટુંબોમાં ચાર બાળક હોય અને તે મોટાં થાય, પોતપોતાનાં પરિવારો ચલાવે તો બીજાં નવાં ત્રણ મકાનની માગ થાય પણ હવે બાળક જ એક કે બે હોય તો મકાન માંગ નો રેશિયો ઘટી જ જાય. એક સમય મકાન ટ્રાન્સફરની માગનો રહેશે પણ કુલ માંગ વધવાનો ડર ઘટી જ જશે તે નક્કી.
નેશનલ ફેમીલી હેલ્થના આંકડા પણ ચોંકાવનારા છે. ખબર નહીં કેમ કોઈ અર્થશાસ્ત્રીઓનું એમાં ધ્યાન ના ગયું. આ સેમ્પલ સર્વે એવું કહે છે કે દેશમાં એક હજાર પુરુષો સામે એક હજાર બત્રીસ સ્ત્રીઓ છે. મતલબ કે સ્ત્રી પુરુષ રેશિયો સુધર્યો છે. હવે આ જ સર્વે એવું કહે છે કે નવાં જન્મતાં બાળકોમાં એક હાજર પુત્ર સામે જન્મતી બાળકીઓની સંખ્યા ૯૫૫ છે. મતલબ, આજે પણ છોકરાઓ વધુ જન્મે છે ને છોકરીઓ ઓછી તો પ્રશ્ન એ થાય કે પુરુષ જન્મ્યા વધારે, સ્ત્રીઓ જન્મી ઓછી તો પુખ્ત વ્યક્તિઓની વસ્તીગણતરીમાં સ્ત્રીઓની સંખ્યા કેમની વધી ગઈ.
જીવનની સફરમાં પુરુષો ક્યાં ખોવાયા ? આનો એક જ જવાબ છે કે છેલ્લા સમયમાં મૃત્યુ પામનારી વસ્તીમાં પુરુષો વધારે મૃત્યુ પામ્યા હશે. સ્વાભાવિક છે કે કોરોના કાળમાં જે મૃત્યુ થયાં તેમાં પુરુષોનું પ્રમાણ વધારે હોય તો જ જીવિત વસ્તીમાં સ્ત્રીઓનું પ્રમાણ વધે. વળી બે નામાંકિત સંસ્થાઓએ કરેલા સર્વે મુજબ ભારતમાં સરેરાશ આયુષ્ય છેલ્લાં વર્ષોમાં ઘટ્યું છે. આમ તો આપણું સરેરાશ આયુષ્ય આઝાદી સમયે 45 વર્ષ હતું તે વધીને ચાલુ વર્ષે 75 નું હોવાની આશા હ્તી પણ કદાચ તે ૬૯ થયું છે. સરેરાશ આયુષ્ય ઘટવાનાં કારણોમાં એક તો કોરોનાના મૃત્યુ છે જ, પણ એ સાથે નવી પેઢીની જીવન અને ખાવા પીવાની કે વધતા અકસ્માતોની અસર પણ નોંધપાત્ર ગણવી પડે.
આપણે એ પણ જોઈ શકીએ છીએ કે મોટી ઉમરનાં 75 થી 80 વર્ષનાં લોકો સારું જીવે છે પણ મોટે ભાગે 55 થી ૬૫ ના લોકોમાં હાર્ટએટેક ,ડાયાબીટીશ કે કેન્સર જેવા રોગોનું પ્રમાણ વધતું ચાલ્યું છે. મતલબ અત્યારે મિડલ એજ વસ્તીનો મૃત્યુદર વધારે છે. ભારતમાં 2004 પછી સરકારી નોકરીઓમાં પણ પેન્શન નથી. ભારતનું હાલનું અર્થતંત્ર કહેવાય છે મૂડીવાદી, પણ તે સરકારની આંગળી પકડી અને સરકારના બજેટથી જ ચાલે છે. આપણા ગણિત મુજબ ૨૦૫૦ પછી જે વસ્તી ઘરડી થવાની છે તે પેન્શન વગરની હશે.
સરકારના જ સર્વેમાં આવેલી વિગત મુજબ હાલ ભારતમાં સર્વિસ સેક્ટરમાં સરેરાશ માસિક પગાર ૧૫૦૦૦ છે. મતલબ કે ખાનગી બેંક,ખાનગી સમાચાર ચેનલ, ખાનગી દવાખાનાં, ખાનગી સ્કૂલો કોલેજો…ખાનગીકરણ પછી કુલ રોજગારીમાં વધારો થયો છે પણ 2020 પછી હવે તે સ્થિર છે અને પગારો પણ સ્થિર છે. હવે આજના જમાનામાં વ્યક્તિ ૧૫૦૦૦ થી ૨૦૦૦૦ ના પગારમાં બાળકો ભણાવે, જીવન જીવે, મેડીકલ સારવાર કરાવે તેમાં જ તેની બધી આવક ખર્ચાઈ જાય. તેની ડિસ્પોઝેબલ ઇન્કમ ઘટી જાય. તે બચાવે શું? તે મકાન ક્યાંથી ખરીદે ? તે ગાડી ક્યાંથી ખરીદે. અત્યાર સુધી અને અત્યારે અર્થતંત્રમાં જે નાણું ઠલવાય છે તે જુના સમાજવાદી સ્ટ્રકચરમાં બચાવેલું ખર્ચાય છે.
ઘરમાં બે વડીલ પેન્શન મેળવતાં હોય અને બે યુવાનો ખાનગીમાં નોકરી કરતા હોય, માટે ઘરની આવક સારી દેખાય છે. આ પેન્શન આધારિત ચાલતા નવી પેઢીનાં ઘરો આવનારાં દસ વર્ષમાં ધરાશાયી થવાનાં છે. ખાનગી સેક્ટર કોઈને ૪૫ વર્ષ પછી નોકરી આપતું નથી એટલે અત્યારે દેખાતો રોજગારીનો દર પણ ઘટવાનો છે અને અત્યારે આપણો દેશ યુવાનો no છે એમ કહીએ છીએ પણ દસ જ વર્ષમાં તેની ૫૦% થી વધુ વસ્તી આધેડોની અને વૃધ્ધોની હશે. લોકો પાસે આવક તો નહીં હોય, પણ બટર પણ નહીં હોય. પેન્શન વગરનાં કુટુંબો, આવક વગરનાં લોકો અને ખાનગી દવાખાનાં ,મલ્ટીપ્લેક્ષ, બધું જ ખાલી અથવા સરકારની દયા પર જીવતું હશે. એટલે આવનારા દિવસોનું તર્કબદ્ધ આયોજન કરવું જરૂરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે