એક મહાત્મા હતા ..તેમના એક યુવાન શિષ્યએ એક દિવસ પ્રશ્ન કર્યો, ‘ગુરુજી જીવનમાં કઈ વસ્તુઓથી અંતર રાખવું અને જો તે વસ્તુઓ જીવનમાં અને જગતમાં ન હોય તો જગત સ્વર્ગ બની જાય??’ મહાત્માજી બોલ્યા, ‘વત્સ,..તું જાતે ચિંતન મનન કર ..ધ્યાન કર તને ચોક્કસ તારા પ્રશ્નનો ઉત્તર મળી જશે.’
શિષ્ય ગુરુજીની આજ્ઞા પ્રમાણે સતત પોતાના મનમાં ઉદભવેલા પ્રશ્ન વિષે વિચારતો રહ્યો.બપોરે વિચાર કરતા કરતા તેની આંખ મળી ગઈ અને તે ઝાડ નીચે સુઈ ગયો.ઊંઘમાં તેને એક સપનું આવ્યું….સપનામાં એક સોદાગર પાંચ ઊંટ પર મોટી મોટી ગઠરિયા લાદી જઈ રહ્યો હતો.
દરેક ઊંટ પર એટલું વજન હતું કે તેઓ માંડ માંડચાલી શકતા હતા.શિષ્યએ સ્વપ્નમાં પોતાની જાતને પણ જોઈ તેણે સોદાગરને પ્રશ્ન કર્યો, ‘અરે સોદાગર આ ઊંટ પર એવી તે કઈ ચીજ વસ્તુઓ ભરી છે કે તેઓ ચાલી પણ શકતા નથી?’
સોદાગરે કહ્યું, ‘આ બધા ઊંટ પર માનવીઓના રોજીંદા વપરાશની વસ્તુઓ છે જે વેચવા શહેરમાં જાઉં છું.’ શિષ્યએ પૂછ્યું, ‘એમ ? કઈ કઈ ચીજો છે મને કહોને.’ સોદાગરે કહ્યું, ‘પહેલાં ઊંટ પર બે પોટલામાં અત્યાચાર અને ત્રાસ છે.’
શિષ્ય ચોંકી ઉઠ્યો બોલ્યો, ‘કેવી વાત કરો છો અત્યાચાર અને ત્રાસ કોઈ શું કામ ખરીદે??’ સોદાગર હસીને બોલ્યો, ‘તને ખબર નથી માનવીઓને આ સૌથી ગમતી વસ્તુ છે જે તેઓ બીજાને આપે છે..અમીર ..ક્રોધી .. કામી ….દુરાચારી માનવીઓ મોં માંગ્યા પૈસા આપી આની ખરીદી કરે છે.’
શિષ્યએ બીજા ઊંટ તરફ આંગળી ચીંધી…કઈ પૂછે તે પહેલાં જ સોદાગરે કહ્યું, ‘આ બીજા ઊંટ પર એક જ મોટું પોટલું છે તેમાં છે અભિમાન ….અને તેના ખરીદારોની તો કોઈ કમી જ નથી …જ્ઞાની …..મહાપંડીતો ….વિજેતાઓ ….અને સુંદર સમૃદ્ધ માનવો આ તો ચોક્કસ ખરીદે જ છે.’
પછી ત્રીજા ઊંટ પાસે જઈને સોદાગરે કહ્યું, ‘આ બે પોટલામાં ઈર્ષ્યા અને નિંદા છે ..ગરીબ હોય કે ધનવાન બધા પામર મનુષ્યો આ વસ્તુ ખરીદ્યા વિના રહી શકતા નથી.એકબીજાની પ્રગતિ અને સુખ તેઓ સહન કરી શક્તાજ નથી.’… ‘ચોથા ઊંટ પર શું છે?’ એવા શિષ્યના જવાબમાં સોદાગરે કહ્યું, ‘ચોથા ઊંટ પર બેઈમાની છે …આની માંગ બધેજ છે અને મારી પાસેથી બેઈમાની ખરીદનારને હંમેશા મોટો ફાયદો જ થાય છે.
અને મારા પાંચમાં ઊંટ પર છે લુચ્ચાઈ અને કપટ..બધા માનવો તેને ખરીદીને બીજાથી આગળ નીકળી જવાની કોશિશ કરે છે.’ શિષ્ય સોદાગરને આગળ વધતો જોઈ રહ્યો……..સ્વપ્ન પૂરું થતાં આંખ ખુલી ….અને તેના મનના પ્રશ્નનો જવાબ પણ મળી ગયો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.