એક દિવસ ઈશ્વરે પોતાના ખાસ દેવદૂતને બોલાવીને કહ્યું, ‘તારે મારાં કામ કરવા પૃથ્વી પર જવાનું છે.તું મારાં કામ કરીશ એટલે તે પાર જ પડશે તેની ખાતરી હું આપું છું.તું જે બોલીશ તે થશે. તારી જીભ પર મા સરસ્વતી બિરાજી તને આશિષ આપશે.
હું તારામાં એક મારો અંશ મૂકું છું અને દરેક ઈશ્વરીય ગુણ પ્રેમ, ક્ષમા, સ્વીકાર, સેવા, ભૂત-ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન, વગેરે તારામાં ઝળકશે.તારે પૃથ્વી પર જઈને માનવ કલ્યાણનાં કાર્ય કરવાનાં છે અને તેમને જીવન જીવવાની સાચી રીત શીખવવાની છે.’
દેવદૂતે કહ્યું, ‘પરમાત્મા, તમે જેમ કહો તેમ.હું તો તમારી ચિઠ્ઠીનો ચાકર છું. જે કહેશો તે કામ કરીશ.પણ મને કોઈ શક્તિઓ નથી જોઈતી અને મારે કોઈ મોહના બંધનમાં નથી બંધાવું.’ પ્રભુ હસ્યા અને બોલ્યા, ‘સારું, તું જા. જઈને તારું કર્તવ્ય કર.’
દેવદૂત પૃથ્વી પર આવ્યો અને તે જ્યાં પગ મૂકે તે ધરા ખીલી ઊઠે.જ્યાં જાય ત્યાં આનંદ-સુખ ફેલાઈ જાય.જેને ભેટે તેનું મન પવિત્ર થઇ જાય.જેના માથે હાથ મૂકે તેનો બેડો પાર થઇ જાય.જેને મળે તેની દરેક તકલીફો પોતે લઇ લે.દરેકનાં મન અને મગજને સાફ કરે.જીવનનો સાચો માર્ગ દેખાડે.
સતત જનકલ્યાણનાં કાર્યો કરે.દેવદૂતને જે મળે તે તેના જ્ઞાન અને પ્રેમથી તેના થઈ જાય.બધા તેને ખૂબ જ ચાહવા લાગ્યા.ધીમે ધીમે બધા દેવદૂતની જાણે ભક્તિ કરવા લાગ્યા.મનોમન દેવદૂતને પામવાની,તેની સાથે હંમેશા રહેવાની,તેની સૌથી વધુ નજીક જવા માટે સતત ઝંખવા લાગ્યા.જાણે ઈશ્વરને ભૂલીને દેવદૂતને ભજવા લાગ્યા.
દેવદૂતને મૂંઝવણ થઈ કે આ શું થઈ રહ્યું છે. હું અહીં પરમાત્માનું કામ કરવા આવ્યો છું અને બધા પરમાત્માને ચાહવાનું ભૂલીને મને ચાહવા લાગ્યા છે. ભગવાનને મેળવવાની મહેનત કરવાને બદલે બધાના મનમાં મને મેળવી લેવાની ચાહત કેમ ઉત્પન્ન થઇ છે? દેવદૂત પોતાના મનની મૂંઝવણ લઈને ઈશ્વર પાસે ગયો અને પોતાના મનનો પ્રશ્ન પૂછ્યો, ‘પ્રભુ, આ તમારી કેવી લીલા છે.
હું તમારો સેવક છું.તમે મને બધી શક્તિઓ આપી છે.જીવ માત્રનો સ્વીકાર અને બધાને પ્રેમ અને સેવા કરવાના તમારા ગુણ તમે મને આપ્યા છે.જીભ પર મા સરસ્વતીના આશિષ છે.મારું તો કંઈ નથી અને મને તમારા સિવાય કંઈ જોઈતું નથી. મેં તમને કહ્યું હતું કે મારે કોઈ બંધનમાં બંધાવું નથી. હું તો માત્ર તમારાં કામ કરું છું અને લોકોને તમને ચાહવાનો સંદેશ આપું છું છતાં લોકો તમને ચાહવાને બદલે મને ચાહે છે.મારી નજીક આવવા માંગે છે,મને મેળવવા ઈચ્છે છે. મને સમજાતું નથી કે આ શું થઈ રહ્યું છે?’
દેવદૂતનો પ્રશ્ન સાંભળી પરમાત્મા હસ્યા અને બોલ્યા, ‘તું બધાને પોતાનો લાગે છે,વ્હાલો લાગે છે, તું પ્રેમ આપે છે એટલે તેઓ બધા તને પ્રેમ કરે છે.પણ જેઓ માત્ર તારા આ અસ્તિત્વને પ્રેમ કરશે તેને તું સદેહે મળીશ.તારા દરેક ગુણમાં મારો વાસ છે જે તને ચાહવાની સાથે સાથે તારા ગુણોને એટલે કે તારામાં રહેલા મારા તત્ત્વને પ્રેમ કરશે.તારામાં રહેલા મારા તત્ત્વનો ગુણોનો સ્વીકાર કરી,સમજીને આત્મસાત્ કરશે તેમને તારા દ્વારા હું મળીશ.’
આંગળી ઝાલીને ઈશ્વર પાસે લઇ જતા ઈશ્વરીય તત્ત્વ ધરાવતા દેવદૂત જો મળી જાય તો તેને પ્રેમ કરજો અને એથી વધારે તેમનામાં રહેલા ઈશ્વરીય ગુણોને પ્રેમ કરજો.સ્વીકાર કરી અપનાવજો.કદાચ ઈશ્વરનો આછો સ્પર્શ થઈ જાય.
- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.