બાલ્ટીમોર: અમેરિકાના (America) બાલ્ટીમોરના (Baltimore) હાર્બર (Harbour) વિસ્તારમાં આજે મંગળવારે તા. 26 માર્ચની સવારે વિચિત્ર ઘટના બની છે. અહીં એક ગુડ્સ શિપ બાલ્ટીમોર હાર્બરના બ્રિજ (ShipAccidentWithBridge) સાથે અથડાયું હતું. મહાકાય જહાજના અથડાવાના લીધે બ્રિજ પત્તાના મહેલની જેમ તુટી પડ્યો હતો. બે ટુકડા થઈને બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટનામાં અનેક લોકોના મૃત્યુ થયા હોવાની આશંકા છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ફાયર વિભાગ સહિત અનેક એજન્સીઓનું કહેવું છે કે આ દુર્ઘટનામાં ઘણી જાનહાનિ થવાની આશંકા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પુલ તૂટી પડ્યા બાદ ઘણી કાર અને લોકો પાણીમાં ડૂબી ગયા હતા. ઘણા લોકોના ગુમ થવાના સમાચાર પણ છે. એકંદરે આ અકસ્માતના લીધે મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બાલ્ટીમોર ફાયર ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર કેવિન કાર્ટરાઈટે કહ્યું હતું કે, અંદાજે સાત લોકો અને અનેક વાહનો નદીમાં વહી ગયા હતા.
બાલ્ટીમોર કોસ્ટ ગાર્ડના ઓફિસર મેથ્યુ વેસ્ટના જણાવ્યા અનુસાર પુલ આંશિક તુટ્યો છે. સવારે આ અંગે જાણકારી મળી હતી. ત્યાર બાદ મેરીલેન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીએ બ્રિજ પર વાહનવ્યવહાર બંધ કરી દેવાયો છે.
કોસ્ટ ગાર્ડના અધિકારીએ જણાવ્યું કે જહાજ પર સિંગાપોરનો ધ્વજ હતો. માલવાહક જહાજનું નામ ડાલી છે અને તે 948 ફૂટ લાંબુ છે. આ જહાજ બાલ્ટીમોરથી શ્રીલંકાના કોલંબો માટે રવાના થયું હતું. આ દરમિયાન જહાજ ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ સાથે અથડાયું હતું. જહાજ કેવી રીતે અથડાયું? તે અંગે હજુ વિગતો બહાર આવી નથી. જહાજના પાયલોટ અને ક્રુ મેમ્બર્સ સહીસલામત છે.
ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ 1977માં ખોલવામાં આવ્યો હતો.
આ બ્રિજ 1977માં સામાન્ય લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તેનું નામ પ્રખ્યાત અમેરિકન લેખક ફ્રાન્સિસ સ્કોટના નામ પરથી રાખવામાં આવ્યું હતું. ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ 1.6 માઇલ લાંબો છે.