કર્ણાટકના સૌથી આદરણીય હિન્દુ તીર્થસ્થાનોમાંનું એક ધર્મસ્થળ માત્ર એક મંદિર નથી પરંતુ એક સંસ્થા છે, જે દરરોજ લાખો ભક્તોને ભોજન કરાવે છે અને કરોડો કન્નડીગાની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખનું પ્રતિનિધિત્વ કરે છે. તાજેતરના મહિનાઓમાં આ પવિત્ર સ્થળ પર ડાબેરીઓ, કોંગ્રેસી તત્ત્વો, કટ્ટરપંથી જૂથો અને આંતરરાષ્ટ્રીય હિન્દુ વિરોધી દળોના સહયોગથી ઝેરી હુમલા થયા હતા, જેનો ભાંડો હવે ફૂટી ગયો છે. સામુહિક દફનની વાર્તાનો ખૂબ પ્રચાર કરનારા ભીમ ઉર્ફે ચિન્નૈયાની સીટે ધરપકડ કરી છે.
તેણે પોતાના દાવા ખોટા હોવાનું સ્વીકારી લીધું છે. શરૂઆતમાં ન્યાય માટેના આંદોલન તરીકે જે દેખાતું હતું તે ઝડપથી એક સુનિયોજિત કાવતરું હોવાનું બહાર આવ્યું છે. ધર્મસ્થળ વિવાદ આકસ્મિક રીતે ઊભો થયો ન હતો; તે કર્ણાટકના સૌથી આદરણીય હિન્દુ મંદિરોમાંના એક સામે રોષ પેદા કરવાનો કાળજીપૂર્વક રચાયેલ પ્રયાસ હતો. શરૂઆતમાં જે ચોંકાવનારો ખુલાસો લાગતો હતો તે ટૂંક સમયમાં એક ગણતરીપૂર્વકની સ્ક્રિપ્ટ તરીકે ખુલવા લાગ્યો હતો. ધર્મસ્થળને લક્ષ્ય બનાવીને કાવતરાંખોરોએ એક સાંસ્કૃતિક પ્રતીક પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જે પ્રજાના વિવિધ સમુદાયોમાં ઊંડો આદર ધરાવે છે.
આ બદનક્ષી અભિયાન પાછળની ગેંગ માત્ર એક સંસ્થાને જ નહીં પરંતુ હિન્દુ પ્રજાને પણ બદનામ કરવાની આશા રાખતી હતી. તેની શરૂઆત સમીર મોહમ્મદ દ્વારા AI-જનરેટેડ પ્રચાર વિડિઓથી થઈ હતી, જેમાં ૧,૦૦૦ છોકરીઓ પર બળાત્કાર કરીને દફનાવવામાં આવી હોવાના તોફાની દાવાઓ ફેલાવવામાં આવ્યા હતા. થોડા સમય પછી ભીમ નામનો એક નકાબ પહેરેલો માણસ દેખાયો અને તેણે દાવો કર્યો કે તેણે ૧૦૦ સ્ત્રીઓને દફનાવી દીધી છે.
તેના દાવાને આધારે ૧૭ સ્થળોએ SIT દ્વારા ખોદકામ કરવામાં આવ્યું તેમાં થોડાં જૂનાં હાડકાં સિવાય કંઈ મળ્યું નહીં. આમ છતાં કટ્ટરપંથી જૂથોએ તક ઝડપી લીધી હતી. તેમણે વિરોધ પ્રદર્શનો, BBC અને Al Jazeera જેવા આંતરરાષ્ટ્રીય મિડિયા અને The News Minute જેવા ડિજીટલ પ્લેટફોર્મ દ્વારા જૂઠાણાંને વધુ મજબૂત બનાવ્યાં હતાં. આ બધું સત્યને ઉજાગર કરવા માટે નહીં, પરંતુ એક હિન્દુ મંદિર સામે જૂઠાણાંને ફેલાવવા માટે રચાયેલું હતું, જે દરરોજ લાખો લોકોને ભોજન પૂરું પાડે છે.
ધર્મસ્થળ વિરુદ્ધ પ્રચાર ઝુંબેશનું કેન્દ્રબિંદુ એક ભીમની કહેવાતી જુબાની બની હતી. ભીમ એક ધર્માંતરિત ખ્રિસ્તી હોવાનો આરોપ છે, જેનો મંદિર વહીવટ સાથે કોઈ અધિકૃત સંબંધ નથી. છતાં તે અચાનક નાટકીય દાવાઓ સાથે બહાર આવ્યો કે તેણે ધર્મસ્થળમાં ૧૦૦ થી વધુ મહિલાઓને વ્યક્તિગત રીતે દફનાવી હતી. આ નિવેદન એટલું સનસનાટીભર્યું હતું કે તેને તરત જ હિન્દુ વિરોધી શક્તિઓ અને હેડલાઇન્સ માટે ભૂખ્યા કેટલાક મિડિયા હાઉસ દ્વારા ચગાવવામાં આવ્યું હતું.
ભીમે આરોપ લગાવ્યો કે મંદિરના અધિકારીઓએ તેમને કબરો ખોદવા અને સ્ત્રીઓના મૃતદેહોનો નિકાલ કરવા દબાણ કર્યું હતું, જેમાંથી ઘણી સ્ત્રીઓ પર તેણે જાતીય હુમલો કરવાનો સંકેત આપ્યો હતો. પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ભીમના મોટા દાવાઓ પત્તાંનાં ઘર જેમ પડી ભાંગ્યા હતા. સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ ભીમે નિર્દેશ કરેલા દરેક સ્થળનું ખંતપૂર્વક ખોદકામ કર્યું, કોઈ કસર છોડી નહીં.
પરિણામ શું આવ્યું? એક પણ શરીર કે એક પણ હાડકું મળ્યું નહીં. તેની જુબાની ધર્મસ્થળ સામે નફરત અને શંકાને વેગ આપવા માટે કાળજીપૂર્વક રચાયેલી બનાવટી વાર્તા સિવાય બીજું કંઈ ન હતી. SIT એ થોડાં હાડકાં અને હાડપિંજરના ટુકડાઓ જપ્ત કર્યા, પરંતુ તેને આકસ્મિક મૃત્યુ અને કાયદેસર રીતે નોંધાયેલા દફનવિધિના અવશેષો તરીકે પુષ્ટિ મળી, જેનો બનાવટી સામુહિક દફનના દાવાઓ સાથે કોઈ સંબંધ નહોતો. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારને પણ સ્વીકારવાની ફરજ પડી હતી કે ભીમના આરોપો પાછળ કોઈ કાવતરું કરનારા તત્ત્વનો હાથ હતો. સમગ્ર દફન વાર્તા કોઈ પીડિતનો અવાજ ન હતો પરંતુ ધર્મસ્થળની બદનક્ષીનો એક ગણતરીપૂર્વકનો પ્રયાસ હતો.
ઓગસ્ટના મધ્ય સુધીમાં ભીમે SIT સમક્ષ કબૂલાત કરી હતી કે તેના આરોપો સુનિયોજિત હતા અને ૨૦૨૩ માં એક જૂથ દ્વારા તેને ખોટી ફરિયાદો દાખલ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ ખુલાસાએ મોટા ખેલનો પર્દાફાશ કર્યો છે. ધર્મસ્થળની પવિત્રતાને કલંકિત કરવા, તેના અધ્યક્ષ વીરેન્દ્ર હેગડેને બદનામ કરવા અને તેમના સૌથી મજબૂત સાંસ્કૃતિક ગઢમાંના એકમાં હિન્દુઓના વિશ્વાસને તોડવાનો આ પ્રયાસ હતો. સૌજન્ય હત્યા કેસનાં ૧૩ વર્ષ પછી એક ઓછા જાણીતા યુટ્યુબર સમીર મોહમ્મદે અચાનક એક AIથી જનરેટ થયેલો વિડિયો બહાર પાડ્યો ત્યારે પહેલો વિવાદ પેદા થયો હતો. આ વિડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ૧,૦૦૦ છોકરીઓ પર બળાત્કાર કરીને તેમને ધર્મસ્થળમાં દફનાવવામાં આવી હતી.
આ અપમાનજનક આરોપોનો કોઈ તથ્યપૂર્ણ આધાર નહોતો, પરંતુ તે લાગણીઓને ઉશ્કેરવા અને શંકાનાં બીજ રોપવા માટે પૂરતા હતા. મુખ્ય પ્રવાહના મિડિયાએ બેજવાબદારીપૂર્વક જે ધર્મસ્થળ સામુહિક દફન કેસની વાર્તાને પ્રસિદ્ધિ આપી હતી તે સીધા સમીરના AI-હેરાફેરી કરેલા વિડિઓમાંથી ઉદ્ભવી હતી. હવે સમીર છુપાઈ ગયો છે, જ્યારે પોલીસ તેની ધરપકડ કરવાના પ્રયાસો તેજ કરી રહી છે.
ધર્મસ્થળના વહીવટની SIT દ્વારા તપાસનો પાયો જ અસ્થિર જમીન પર હતો. કોંગ્રેસના મંત્રી દિનેશ ગુંડુ રાવે પોતે જાહેરમાં સ્વીકાર્યું હતું કે SIT ની રચના નક્કર પુરાવાઓને કારણે નહીં, પરંતુ ફક્ત ડાબેરી જૂથોના સતત દબાણને કારણે કરવામાં આવી હતી. આ ચોંકાવનારી કબૂલાતથી ખુલાસો થયો કે કેવી રીતે સત્યની શોધને બદલે રાજકીય પ્રેરણાઓએ ધર્મસ્થળ તપાસનો માર્ગ નક્કી કર્યો હતો.
રાજકીય દબાણ હેઠળ SIT ની રચના થયા પછી ધર્મસ્થળ અને તેની આસપાસ ખોદકામ પ્રવૃત્તિઓમાં મોટા પાયે સંસાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભીમે દર્શાવેલાં સ્થળોએ જમીનમાં પ્રવેશતાં રડાર, ભારે મશીનરી અને ખોદકામ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને વિડિઓઝ દ્વારા તેનો પ્રચાર કરવામાં આવ્યો હતો. સરકારે કરદાતાઓના કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો, અધિકારીઓ અને નિષ્ણાતોની ટીમો તૈનાત કરી. આ બધું ભીમ અને અન્ય લોકોએ જે સામુહિક કબરો અસ્તિત્વમાં હોવાનો દાવો કર્યો હતો તે શોધવાની આશામાં કરવામાં આવ્યું હતું તો પણ સામુહિક દફનવિધિના કોઈ પુરાવા ક્યારેય મળ્યા નહીં.
આ વિવાદ ટૂંક સમયમાં સોશ્યલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI) જેવાં કટ્ટરપંથી સંગઠનો દ્વારા હાઇજેક કરવામાં આવ્યો હતો. તકનો લાભ લઈને SDPI એ વિરોધ પ્રદર્શનો કર્યાં, ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કર્યાં અને બનાવટી સામુહિક દફન કથાની વધુ તપાસની માંગ કરી. એક સ્ટિંગ ઓપરેશનમાં કહેવાતા કાર્યકરોએ સ્વીકાર્યું કે તેમનું ધ્યેય ક્યારેય સૌજન્ય માટે ન્યાય મેળવવાનું નહોતું, પરંતુ વીરેન્દ્ર હેગડેને બદનામ કરવાનું અને ધર્મસ્થળની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનું હતું. ઉશ્કેરણીજનક સામગ્રી માટે જાણીતા ગિરીશ મટ્ટનવર અને મહેશ શેટ્ટી થિમ્મરોડી બંનેનો ઈરાદો ખુલ્લો પડી ગયો, જ્યારે સ્ટિંગમાં ખુલાસો થયો કે તેઓ પીડિતા પ્રત્યેની સહાનુભૂતિથી નહીં, પરંતુ ધર્મસ્થળની વિશ્વસનીયતાને નબળી પાડવાના એજન્ડાથી પ્રેરિત હતા.
સ્થાનિક મિડિયાના અહેવાલો અનુસાર નકાબપોશ માણસ તરીકે ઓળખાતા ભીમે SIT સમક્ષ કબૂલાત કરી લીધી હતી કે તેણે બાહ્ય દબાણ હેઠળ ખોટી જુબાની આપી હતી. આ ખુલાસો સળગતો પ્રશ્ન ઊભો કરે છે કે આ સમગ્ર કાવતરું કોણે રચ્યું? તેને કોણે ૧,૦૦૦ હત્યા કરાયેલી મહિલાઓની વાર્તા ઘડવાની સૂચના આપી, જ્યારે પુરાવાનો એક પણ ટુકડો તેને સમર્થન આપતો ન હતો? સરકારે પડછાયાઓનો પીછો કરવા માટે કરોડો રૂપિયા, અસંખ્ય કલાકો, પોલીસ કાર્ય અને ઉચ્ચ કક્ષાની ફોરેન્સિક ટેકનોલોજી લગાવી દીધી, પરંતુ ફક્ત જૂઠાણાં સિવાય કંઈ જ બહાર આવ્યું નહીં. એ સ્પષ્ટ છે કે આ અભિયાન ક્યારેય સત્યને ઉજાગર કરવા વિશે નહોતું, પરંતુ ધર્મસ્થળને નિશાન બનાવવા દ્વારા હિન્દુ સંસ્થાઓને કલંકિત કરવા અને હિન્દુ આસ્થાના ગઢ સમાન દક્ષિણ કર્ણાટકમાં અશાંતિ ફેલાવવા વિશે હતું. SIT એ હવે તેનું ધ્યાન ભીમના હેન્ડલરો અને ધર્મસ્થળને બદનામ કરવા માંગતાં સ્વાર્થી જૂથોને ખુલ્લાં પાડવા પર કેન્દ્રિત કરવું જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.