National

કુન્નુરમાં ક્રેશ થયું તે હેલિકોપ્ટર બે એન્જિન ધરાવે છે, અત્યંત સુરક્ષિત ગણાતા આ ચોપરમાં PM પણ મુસાફરી કરે છે

નવી દિલ્હી : આજે બુધવારે સવારે તમિલનાડુના કુન્નુરમાં એરફોર્સનું હેલિકોપ્ટર Mi-17V-5 ક્રેશ થયું છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત અને તેમની પત્ની સહિત કુલ 14 લોકો આ ચોપરમાં મુસાફરી કરી રહ્યાં હતાં. હેલિકોપ્ટર ભારતીય વાયુસેનાના સુલુર બેઝથી વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસીસ કોલેજ (DSC) જઈ રહ્યું હતું. આ અકસ્માત ગાઢ ધુમ્મસ વચ્ચે નંજપ્પનચાથિરમ વિસ્તારમાં થયો હતો અને પ્રારંભિક દ્રશ્યોમાં હેલિકોપ્ટરમાં આગની જ્વાળાઓ ઉછળતી જોવા મળી હતી. Mi શ્રેણીનું આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે તે અત્યંત અત્યાધુનિક છે અને મોટા ભાગે વડાપ્રધાન (PM), સંરક્ષણ મંત્રી, CDS, આર્મી ચીફ જેવા VVIP તેમાં મુસાફરી કરતા હોય છે.

આ હેલિકોપ્ટરનું ક્રેશ એ પણ આશ્ચર્યજનક છે કારણ કે તેમાં બે એન્જીન છે, જેથી એક એન્જીન ફેલ થાય તો પણ તે બીજા એન્જીન સાથે સુરક્ષિત રીતે ઉતરી શકે છે. તે સિયાચીન જેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ઉડવામાં સક્ષમ છે. વિશ્વના સૌથી અદ્યતન મિલિટરી ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટરમાં સામેલ આ હેલિકોપ્ટરનો ઉપયોગ સૈનિકો અને સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે થાય છે. રશિયન હેલિકોપ્ટરની પેટાકંપની કઝાન હેલિકોપ્ટર્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું, આ ખરીદી ડિસેમ્બર 2008માં કરવામાં આવી હતી અને 2013માં ડિલિવરી કરવામાં આવી હતી.  આ હેલિકોપ્ટરને ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે. તે ઉષ્ણકટિબંધીય અને સમુદ્રી આબોહવા તેમજ રણની સ્થિતિમાં ઉડી શકે છે. તેનું મહત્તમ ટેકઓફ વજન 13,000 કિગ્રા છે. તે 36 સશસ્ત્ર સૈનિકો અથવા 4,500 કિલો વજન સાથે ઉડી શકે છે.

શું છે સમગ્ર ઘટના?

દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નુરમાં ક્રેશ થયું છે. ચોપર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી, અત્યાર સુધી આ ઘટનામાં 11 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. અકસ્માત બાદ ત્રણ લોકોને બચાવી લેવાયા છે. જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સીડીએસ જનરલ બિપિન રાવતને હોસ્પિટલ લઈ જવાયા છે. આ હેલિકોપ્ટરમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતની પત્ની મધુલિકા રાવત સહિત કુલ 14 લોકો હાજર હતા. વાયુસેનાએ કહ્યું છે કે દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. દરમિયાન, ચેન્નાઈમાં સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે અકસ્માતમાં ચાર અધિકારીઓના મોત થયા છે. આ સિવાય અન્ય ત્રણ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં, સેના દ્વારા સીડીએસ બિપિન રાવત અને તેમની પત્નીની સ્થિતિ વિશે કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી.

Most Popular

To Top