Gujarat

સરકારે વાત સાંભળવાની બાહેંધરી આપતા જૂની પેન્શન યોજના મુદ્દે સરકારી કર્મચારીઓનું આંદોલન હાલ મોકૂફ

ગાંધીનગર : પીએમ મોદી આવતીકાલ (16 સપ્ટેમ્બર)થી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. ત્યારે જૂની પેન્શન યોજના, પડતર પ્રશ્નોને લઈને સરકારી કર્મચારીઓએ પીએમ મોદીના જન્મદિવસે (17 સપ્ટેમ્બર) આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જોકે મોદીના ગુજરાત પ્રવાસ બાદ પાંચ દિવસમાં સરકાર તેમની વાત સાંભળવાની બાંયેધરી આપી છે.આજે ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે કર્મચારી મંડળના અગ્રણીઓ તથા કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા વચ્ચે મહત્વની બેઠકો યોજાઈ હતી. જેમાં આંદોલનનો કાર્યક્રમ મોકૂફ રાકવાનો નિર્ણય લેવાયો છે.

સરકારી કર્મચારીઓના મંડળના અગ્રણીઓએ જણાવ્યું હતું કે સરકાર ઉપર ભૂતકાળમાં એક વખત ભરોસો કર્યો છે, હવે બીજી વાર ભરોસો કરવા જઈ રહ્યા છે. હવે આગામી આઠ દિવસની જ રાહ જોવાની છે, એટલે અમે ફરી સરકાર પર વિશ્વાસ કરીએ છીએ. હાલ પૂરતો પેનડાઉનનો કાર્યક્રમ સ્થગિત કરવામાં આવે છે. આઠ દિવસમાં ઉકેલ નહીં આવે તો કર્મચારીઓ જલદ આંદોલન કરશે. 17 સપ્ટેમ્બરના કાર્યક્રમ સંદર્ભે ઋષિકેશ પટેલે એક અઠવાડિયાનો સમય માગ્યો છે. નવી પેન્શન યોજના કેન્દ્ર સરકારે બહાર પાડી છે, તેનો અભ્યાસ કરીને એક સપ્તાહમાં જાહેરાત કરવામાં આવશે તેવી સરકારે અમને આશા આપી છે. જેના કારણે 17 સપ્ટેમ્બરનો કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત કરીએ છીએ. જો અમારો વિશ્વાસ તૂટશે છે તો જલદ કાર્યક્રમો આપવામાં આવશે.

કર્મચારી મંડળના અગ્રણીઓ સાથે આજે ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે મહત્વની મંત્રણા માટે બેઠકો યોજાઈ હતી. તે પછી કેબિનેટ પ્રવકત્તા મંત્રી જગદીશ વિશ્વકર્મા પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે રજૂઆત મંત્રીમંડળના પાંચ સભ્યોની ટીમ સમક્ષ કરવામાં હતી. તે રજૂઆતોને લઈને સરકાર હરહંમેશ હકારાત્મક સતત ચિંતિત છે. કર્મચારીઓની લાગણી માંગણીઓ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું હરહંમેશ હકારાત્મક વલણ રહ્યું છે. કર્મચારીઓ ની તમામ માંગણીઓ મુખ્યમંત્રીના ધ્યાને મૂકવામાં આવી છે અને આગામી સપ્તાહમાં મંડળ સાથે વાટાધાટો બાદ યોગ્ય નિર્ણય કરવા મુખ્યમંત્રીએ પણ હકારાત્મક દિશામાં આગળની પ્રક્રિયા કરવાની સૂચના આપી છે.

આવનારા સમયમાં પાંચ મંત્રીઓની ટીમ કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુબેર ડિંડોર અને રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, પ્રફુલ્લ પાનશેરિયા કર્મચારી મંડળના સભ્યો સાથે પ્રશ્નોની ચર્ચા કરશે.કર્મચારીઓના પ્રશ્નોનો સુખદ હકારાત્મક દિશામાં વિચાર થાય તે બાબતે ફરીથી આવતા અઠવાડિયે પાંચ મંત્રીઓની ટીમ સાથે કર્મચારી મહાસંધ શિક્ષક સંઘ સાથે ચર્ચા કરવામાં આવશે. મુખ્યમંત્રી ખૂબ જ હકારાત્મક રીતે આ પ્રશ્નો જોઈ રહ્યા છે અને આ તમામ સંઘના પ્રશ્નોનો સુખદ અંત આવશે.

Most Popular

To Top