નવી દિલ્હી: (New Delhi) દેશમાં કન્યા/સ્ત્રીઓના લગ્ન માટેની કાયદાકીય ઉંમર 18થી વધારી 21 થઈ શકે છે. કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા લગ્ન માટેની ઉંમરમાં વધારો કરવા અંગેના પ્રસ્તાવને મંજૂરી આપી દેવાઈ છે. હવે સરકાર દ્વારા કાયદામાં સુધારા અંગે સંશોધન કરવામાં આવશે, પરંતુ એ નક્કી છે કે હવે ખૂબ જ ટૂંક સમયમાં દેશમાં કન્યાઓના લગ્ન માટેની કાયદાકીય ઉંમર 21 વર્ષ થઈ જશે. ત્યાર બાદ 21થી નાની ઉંમરમાં કન્યાઓના લગ્ન એ કાયદાકીય રીતે ગૂનો માનવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના રોજ લાલકિલ્લા પરથી પોતાના ભાષણમાં દેશમાં કન્યાઓના લગ્નની ઉંમર વધારવા અંગે જાહેરાત કરી હતી, તે પ્રસ્તાવને આજે કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવઈ છે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં ત્યારે કહ્યું હતું કે તેમની સરકાર દીકરીઓ અને બહેનોના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. આપણી દીકરીઓને કુપોષણથી બચાવવા માટે એ જરૂરી છે કે લગ્નની ઉંમર યોગ્ય હોય. નાની ઉંમરમાં લગ્ન કરવાના લીધે કન્યા અને તેમના બાળકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. હાલમાં દેશમાં કાયદાકીય રીતે કન્યાઓના લગ્નની ઉંમર 18 વર્ષ અને યુવકો માટે 21 વર્ષ છે.
આ યોજનાને લાગુ કરવા માટે, સરકાર બાળ લગ્ન પ્રતિબંધ કાયદો, વિશેષ લગ્ન અધિનિયમ અને હિન્દુ લગ્ન અધિનિયમમાં ફેરફાર કરવા વિચારી રહી છે. જયા જેટલીની આગેવાની હેઠળની નીતિ આયોગની ટાસ્ક ફોર્સે પણ દરખાસ્તને સમર્થન આપ્યું હતું. ગયા વર્ષે જૂનમાં બનાવવામાં આવેલ આ ટાસ્ક ફોર્સના સભ્યોમાં ટોચના સરકારી નિષ્ણાત વીકે પોલ, આરોગ્ય મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, કાયદા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે. ટાસ્ક ફોર્સે આ વર્ષે ડિસેમ્બરમાં આ પ્રસ્તાવ સાથે સંબંધિત સૂચનો મોકલ્યા છે. ટાસ્ક ફોર્સે એ વાત પર ભાર મૂક્યો છે કે પ્રથમ ગર્ભાવસ્થા સમયે મહિલાની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ.