World

અફઘાન રાષ્ટ્રપતિ ચાર ગાડીઓમાં રોકડ ભરીને હેલિકોપ્ટરમાં નાસી ગયા

અફઘાનિસ્તાનના પ્રમુખપદેથી રાજીનામુ આપ્યા બાદ અશરફ ગની જે હેલિકોપ્ટરમાં દેશ છોડીને જતા રહ્યા હતા તે હેલિકોપ્ટરમાં રોકડ નાણુ ઠાંસી ઠાંસીને ભર્યું હતું એમ રશિયાના સત્તાવાર મીડિયા અહેવાલોએ આજે જણાવ્યું હતું.

કાબૂલ ખાતેના રશિયન દૂતાવાસના એક અધિકારીને ટાંકીને રશિયાની સત્તાવાર સમાચાર એજન્સી તાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એરપોર્ટ તરફ જઇ રહેલા ગનીની કાર સાથે બીજી ચાર કારો હતી જેમાં રોકડ નાણાના બંડલો ભર્યા હતા. આ બધા પૈસા તેમણે હેલિકોપ્ટરમાં ઠાંસવાનો પ્રયાસ કર્યો હતો પણ બધા નાણા મૂકી નહીં શકાતા કેટલાક નાણાના બંડલો એર ફિલ્ડ પર જ છોડી દેવાયા હતા એમ અહેવાલમાં જણાવાયું હતું.

લોહીની નદીઓ વહેતી રોકવા માટે અફઘાનિસ્તાન છોડી દીધું છે: અશરફ ગની

રવિવારે અફઘાનિસ્તાનના પ્રમુખપદેથી રાજીનામુ આપીને દેશ છોડીને પાડોશના કોઇ દેશમાં આશરો લેનાર અશરફ ગનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કાબૂલમાં લોહી રેડાતું અટકાવવા માટે પોતે રાજીનામુ આપીને અફઘાનિસ્તાન છોડી દીધું છે.

તાલીબાન લડાકુઓ રવિવારે કાબૂલમાં પ્રવેશ્યા તેની થોડી વાર પહેલા જ અશરફ ગનીએ પ્રમુખપદેથી રાજીનામુ આપી દીધું હતું અને તાલીબાનો કાબૂલમાં પ્રવેશ્યા તેના થોડા કલાકો પછી તેઓ ખાસ હેલિકોપ્ટરમાં દેશ છોડીને જતા રહ્યા હતા. તેમણે પાડોશના તાજિકીસ્તાનમાં આશરો લીધો હોવાનું કહેવાય છે. એક અહેવાલ પ્રમાણે ઉઝબેકિસ્તાનમાં આશરો લીધો છે.

અફઘાનિસ્તાન છોડ્યા બાદ પોતાના પ્રથમ નિવેદનમાં અશરફ ગનીએ કહ્યું હતું કે જો મેં રાજીનામુ આપ્યું ન હોત તો તાલીબાનો મને ઉથલાવવા માટે કાબૂલ પર હુમલો કરતે અને ઘણા લોકો શહીદ થઇ જતે. સાઠ લાખની વસ્તીવાળા આ શહેર માટે એક મોટી હોનારત સર્જાઇ હોત અને તે ટાળવા માટે મેં અફઘાનિસ્તાન છોડી દીધું એમ ગનીએ ગઇકાલે એક ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું. એક શિક્ષણ શાસ્ત્રી અને અર્થશાસ્ત્રી એવા ૭૨ વર્ષીય અશરફ ગની અફઘાનિસ્તાનના ૧૪મા પ્રમુખ હતા અને પાંચ વર્ષની એક ટર્મ પુરી કર્યા બાદ ૨૦૧૯માં બીજી વખત પ્રમુખપદે ચૂંટાયા હતા.

Most Popular

To Top