ગુજરાતની દારૂબંધીને લઈને હાઈકોર્ટમાં પી.આઈ.એલ. થઈ છે કે ઘરમાં બેસીને પીવું એ પ્રજાને લોકશાહીમાં મળેલો બંધારણીય અધિકાર છે. પ્રથમ સુનાવણીમાં કોર્ટે એવું કહ્યું કે દારૂબંધી રાખવી કે નહીં એ સરકારના નિર્ણય પર નિર્ભર છે અને એ સાચું પણ છે કે જે તે રાજ્યમાં દારૂબંધી કે દારૂમુક્તિ એ રાજ્ય સરકારની મુનસફી પર આધારિત છે. એટલે જ મહારાષ્ટ્રમાંથી છૂટા પડ્યા પછી ગુજરાતે દારૂબંધી અપનાવી. છેલ્લાં ૬૦ એક વર્ષથી ગાંધીજીની દુહાઇ આપીને ભ્રષ્ટાચારીઓએ દારૂબંધીને ‘દૂઝતી ગાય’ બનાવી દીધી છે.
ગુજરાતની આવી ભ્રષ્ટાચારથી ખદબદતી તકલાદી, દંભી અને તકસાધુઓને પોષાતી દારૂબંધી જોઈને તો સ્વયં ગાંધીજી પણ અફસોસ વ્યક્ત કર્યા વિના ના રહે. આમ તો ગાંધીજીના નામે આ દેશમાં ઘણા ડિંડક અને ડીંડવાણાં ચાલે છે. પણ ગુજરાતની દારૂબંધી એ દેશનું સૌથી મોટું કૌભાંડ હોઈ શકે છે. લગભગ વીસ હજાર કરોડ રૂપિયા પ્રતિવર્ષ દારૂબંધીને કારણે ગુજરાત ગવર્નમેન્ટ રેવેન્યુ ગુમાવી રહી છે. “હું ખાતો નથી અને ખાવા દેતો નથી.” એવાં સૂત્રો ફંગોળવામાં માહેર એવા ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાના ૧૩ વર્ષના શાસનકાળમાં દારૂબંધીના ભ્રષ્ટાચાર પ્રત્યે આંખ આડા કાન કરેલા.
આ વખતે સરકારે દારૂબંધીની તરફેણ કરતાં દલીલ કરેલી કે જે લોકો ઘરમાં બેસીને દારૂ પીવાની છૂટ માંગે છે, તો કાલે ઊઠીને બીજા ઘરમાં બેસીને ચરસ ગાંજાના સેવન માટે પણ છૂટ માંગી શકે છે. કોર્ટમાં આવી દલીલ પ્રતિ દલીલ થતી હોય છે. સરકાર સામે આવી પ્રતિ દલીલમાં એવું પણ કહી શકાય કે કાલે ઊઠીને સરકાર શાકાહાર કે માંસાહાર માટે પણ ફતવા બહાર પાડે તો નવાઈ નહીં. ઘરમાં બેડરૂમ ક્યાં રાખવો કે રસોડું ક્યાં રાખવું એ શું સરકાર નક્કી કરશે? મૂળે તો ઘરમાં બેસીને માણસે શું ખાવું કે શું પીવું એ લોકશાહીનો માણસને મળેલો અબાધિત અધિકાર છે.
હવે જ્યારે દેશમાં વન નેશન વન ટેક્ષ, વન નેશન વન આધારકાર્ડ, વન નેશન વન રાશનકાર્ડ, વન નેશન વન ઇલેક્શનની વાતો થતી હોય ત્યારે એક રાજ્યમાં દારૂબંધી અને અન્ય રાજ્યોમાં દારૂમુક્તિ એવા દોંગાઈભર્યા કાયદા શા માટે? દારૂબંધી જ કરવી હોય તો સમગ્ર દેશમાં કેમ નહીં? શું ગાંધીજી ફક્ત ગુજરાતના હતા? સરકારને પ્રજાની સુખાકારીની જો એટલી જ પડી હોય તો શા માટે જડબેસલાક દારૂબંધી લાદવામાં નથી આવતી? આગલા બારણે ( ઓન પેપર ) બંધ રાખી પાછલા બારણે મસમોટા દારૂબંધીના કૌભાંડમાં શું સરકારના “હાથ” ખરડાયા નથી? અને હા! ગુજરાતમાં ગેરકાયદે પકડાયેલા દારૂનો રોલરનાં પૈંડાં ફેરવીને કરવામાં આવતા નાશનો મૂર્ખામીભર્યો “નમુનો” તો જગતભરમાં બેમિસાલ સાબિત થાય એમ છે.
સુરત -પ્રેમ સુમેસરા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.