SURAT

VIDEO: સુરતમાં કોઈ “ભાઈ” નથી, અડાજણ પોલીસે ગુંદાગર્દી કરનારા ત્રણ ટપોરીનું જાહેરમાં સરઘસ કાઢ્યું

સુરતઃ થોડા સમય પહેલાં ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરમાં નિવેદન કર્યું હતું કે, સુરતમાં કોઈ ‘ભાઈ’ નથી. એટલે કે સુરતમાં કોઈ ચમરબંધી નથી, જે દાદાગીરી કે ગુંદાગીરી કરી શકે. સુરત પોલીસે આ નિવેદનને ગંભીરતાથી લીધું છે અને જાહેરમાં દાદાગીરી, ગુંદાગર્દી કરનારાઓ પર લગામ કસવાનું શરૂ કર્યું છે.

આજે અડાજણ પોલીસે અડાજણ વિસ્તારમાં દાદાગીરી કરતા ત્રણ ટપોરીઓની ભાઈગીરી ઉતારી નાંખી હતી. અડાજણ પોલીસે ત્રણ ગુંડાઓનું જાહેર રસ્તા પર સરઘસ કાઢ્યું હતું. નિર્દોષ નબળા લોકો પર રૌફ જમાવી માર મારતા આ ગુંડાઓની હવા પોલીસે ઉતારી નાંખી હતી. પોલીસે પકડતા ત્રણેય ગુંડાઓ નીચું મોંઢું કરી હાથ જોડી માફી માંગવાની મુદ્રામાં આવી ગયા હતા.

અડાજણ પોલીસના સૂત્રોએ કહ્યું કે, અડાજણ વિસ્તારમાં વિશાલ ઉર્ફે ગોટુ રાકેશ શિંદે (ઉં.વ. 28, 590, સંતતુકારામ સોસાયટી વિ. 6, પાલનપુર જકાતનાકા, મૂળ વતન દેવગઢ મહારાષ્ટ્ર), ચિરાગ ઉર્ફે બાબુ રાકેશ શિંદે (ઉં.વ. 24, 590, સંતતુકારામ સોસાયટી વિ-6, પાલનપુર જકાતનાકા, મૂળ દેવગઢ મહારાષ્ટ્ર) અને હિતેશ ઉર્ફે પોપટ રામપ્રવેશ સહાની (ઉં.વ. 22, 522, સંત તુકારામ સોસાયટી વિ-2, પાલનપુર જકાતનાકા, મૂળ વતન ગોરખપુર, યુપી)ને પકડ્યા હતા.

આ ત્રણે જણાએ થોડા સમય પહેલાં એક વ્યક્તિને ગાળો આપી લોખંડના પાઈપથી ફટકારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અગાઉ પણ આ ત્રણેય જણા અનેક કારનામા કરી ચૂક્યા છે. તેમની વિરુદ્ધ અનેક ગુના હેઠળ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ચૂકી હતી. પોલીસે બાતમીના આધારે પાલનપુર જકાતનાકા પરથી ઝડપી પાડ્યા હતા અને લોકોમાંથી તેમનો ડર દૂર કરવા જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.

Most Popular

To Top