Charchapatra

અભિનેતાની માનસિકતા

સલમાનખાન તેની આવી રહેલી ફિલ્મ ‘સિકંદર’મુદ્દે હાલ ઘણો ચર્ચામાં છે. જેમાં અભિનેતા પોતાનાથી ૩૧ વર્ષ નાની હિરોઈન રશ્મિકા મંદા સાથે રોમાન્સ કરી રહ્યો છે. બંને વચ્ચેના ઉંમરના આ તફાવત અંગે ખાસ્સો વિવાદ ચાલી રહ્યો છે. આ ફિલ્મના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં ટ્રોલ્સને ચૂપ કરવા પ્રતિક્રિયા આપતાં અભિનેતાએ કહ્યું કે ‘તે અભિનેત્રીની પુત્રી સાથે પણ કામ કરશે. જ્યારે તેને કે તેના પિતાને કોઈ સમસ્યા નથી, તો તમને શું વાંધો છે?’ ખેર, આ સંદર્ભમાં એક કિસ્સો અચૂક રીતે ઘણું કહી જાય છે. 46 વર્ષના સાઉથના અભિનેતા વિજય સેતુપતિએ એક ફિલ્મમાં ૨૦ વર્ષની અભિનેત્રી કૃતિ શેટ્ટી સાથે રોમાન્સ કરવાની ના પાડતાં કહ્યું કે, ‘તે મારી દીકરી જેવી છે.’તો શું બોલીવુડના અભિનેતાઓ આવી માનસિકતા ન દાખવી શકે?
સુરત     – કલ્પના વિનોદ બામણિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ભારત દલાતલવાડી બની રહ્યું છે
હાલમાં જ બરતરફ કરવાની ચાલી રહેલી હડતાળમાં ભાગ લેનારને નોકરીમાંથી બરતરફ કરવાની વાત કરવામાં આવી. ખેડૂત આંદોલનને તોડવા અનેક અવરોધ કરવામાં આવ્યા, પ્રજાના સેવકે પ્રજાના પ્રશ્નોનો નિકાલ લાંબા સમય સુધી ન થતાં છેવટે આંદોલન કરવું પડે તો તેમને સાંભળવા જોઈએ. યોગ્ય જણાય તો ન્યાય આપવો જોઈએ. અત્યાર સુધી અનીતિ આચરનાર અધિકારી કે કર્મચારીઓની બદલી કરવામાં કે બરતરફ કરવામાં આવ્યા નથી ત્યારે આ ડોકટરોની હડતાળ માટે કેમ? પ્રજાના સેવકોને તો આંદોલનની જરૂરત જ નથી.

દરેક સેવક પગારવધારા માટે ઉત્સાહથી હાથ ઊંચો કરી, નિવૃત્ત સેવકોને પણ લાગુ પડે. જ્યારે યુવાનોને પાંચ વર્ષ ફીક્સ પગાર નોકરી આપવી એ શું ભાવિ પેઢી માટે યોગ્ય છે? જૂની કથા મુજબ દલા તલવાડી વસારામ ભૂવાની  વાડીમાં ચોરી કરી સ્વયં જ સવાલ જવાબ કરે… ‘વાડી રે વાડી’ ‘બોલો દલાતલવાડી’ ‘રીંગણા લઉં બે ચાર?’ ‘લો ને દસ બાર.’ આપણા સેવકો દલા તલવાડી બની રહ્યા છે. વર મરો, કન્યા મરો, બ્રાહ્મણનું તરભાણું ભરો નીતિ ચાલી રહી છે. હવે આપણે વશરામ ભૂવા બન્યા વિના છૂટકો નથી.
અમરોલી          – બળવંત ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ધારાસભ્યોની સંપત્તિ, શિક્ષણ અને લાયકાત
એક વિશ્વસનીય રિપોર્ટ અનુસાર ગુજરાતના કુલ 180 ધારાસભ્યોમાંથી 55 ટકા ધારાસભ્યો ગ્રેજયુએટ નથી એટલે કે 78 ધારાસભ્યો ધોરણ 5 થી 12 કે પછી ડિપ્લોમા સુધી અભ્યાસ કર્યો છે અને આ 180 ધારાસભ્યોની કુલ સંપત્તિ 3000 કરોડથી પણ વધુ છે. જયારે મહારાષ્ટ્રમાં ભાજપના એક ધારાસભ્યની સંપત્તિ 3383 કરોડ છે. આપણા દેશની વિશિષ્ટ લાયકાત ધરાવતાં રાજયોના ધારાસભ્યો (નગરસેવકો) માંથી ભાજપના કુલ 1653 ધારાસભ્યોમાંથી 39 ટકા એટલે કે 638 સભ્યો સામે ગુના દાખલ થયેલ છે. કોંગ્રેસના 646 ધારાસભ્યોમાંથી 52 ટકા એટલે કે 339 સભ્યો ગુનાહિત છબી ધરાવે છે. હવે ઉપરોકત અભ્યાસ કર્યા પછી દેશનો અને રાજયોનો વિકાસ થશે ખરો?
સુરત              – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top