Vadodara

પોલીસ કસ્ટડીમાંથી ફરાર આરોપીને ક્રાઈમબ્રાંચે ગોવામાંથી પકડી પાડયો

વડોદરા: પાણીગેટ પોલીસ કસ્ટડીમાંથી એક માસ પૂર્વે નાસી છૂટનાર રીઢા આરોપીને ક્રાઈમબ્રાંચના પીએસઆઈ કે.જે.વસાવા, અમુલભાઈ કનકસિંહ રવિભાઈ સહિતની સતર્ક ટીમે આબાદ ઝડપી પાડયો હતો. મૂળ બિહારનો દુર્ગેશ ક્રિષ્ણકુમાર ગુપ્તા અને તેના બે સાગરિતોએ વાઘોડિયા રોડ સ્થિત કલ્પના સોસાયટીમાં હાથ અજમાવ્યો હતો. જનકબેન માધવસિંહ ઠાકોરની બંગડીઓ ચમકાવી આપવાના બહાને લૂંટીને ત્રિપૂટી  નાસી છૂટી હતી.

પાણીગેટ પોલીસની ટીમે ટૂંક સમયમાં જ દુર્ગેશ ગુપ્તાને ઝડપી પાડયો હતો. તા.15મી ના રોજ રીઢા આરોપીએ લઘુશંકા કરવાના બહાને શૌચાલયમાં જઈને બારીની ઈંટો ખસેડી નાખી હતી અને બાકોરામાંથી િસફતપૂર્વક નાસી છૂટયો હતો. રીક્ષામાં બેસતા આરોપીના સીસીટીવી ફુટેજ પણ પોલીસને મળ્યા હતા. પોલીસે તપાસ કરતા આરોપી એસ.ટી.સ્ટેન્ડથી અમદાવાદની બસમાં બેસીને રવાના થયાના પુરાવા પણ મળી આવ્યા હતા.  જોકે તે પછી પાણીગેટ પોલીસે ઢીલુ વલણ અપનાવતા ફરાર આરોપી પ્રત્યે બેધ્યાન રહયા હશે. પરંતુ ક્રાઈમબ્રાંચના સતર્ક પીએસઆઈ કે.જે.વસાવા અને તેમની ટીમે આરોપીની શોધખોળ દિવસ રાત ચાલુ રાખતા ગોવામાં હોવાનું લોકેશન મળી આવ્યું હતું.

 આરોપી દુર્ગેશ ગુપ્તાના ફોટા સાથે ટીમે ગોવામાં ધામા નાખ્યા હતા અને સતર્કતાપૂર્વક નજર રાખતા આરોપી ટુરિસ્ટના વેશમાં ટહેલતો ઝડપાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, રીઢો અછોડાતોડ અને લૂંટના ગુનામાં પાવરધા દુર્ગેશ ગુપ્તાએ જામનગર, અમદાવાદ, નંદરબાર સહિત અનેક શહેરમાં ગુના આચર્યા છે. જામનગરમાં તો પાસા પણ કાપી છે અને જેલમાં સજા પણ કાપી ચૂકયો છે. તગડુ બેન્ક બેલેન્સ ધરાવતો ભેજાબાજ અપરણિત છે. ગુના આચર્યા બાદ અન્ય શહેરમાં પલાયન થઈ જવાની વૃત્તિ ધરાવતો હોવાથી પોલીસના સકંજામાં ઝડપથી સપડાતો નથી.

Most Popular

To Top