સર્વોચ્ચ અદાલતે મહત્ત્વના એક ચુકાદાથી જાહેર કરેલ છે કે આદિવાસી મહિલા વડીલોપાર્જિત મિલકતમાં હિસ્સો મેળવવા હક્દાર છે. સમાજમાં અને ખાસ કરીને આદિવાસી સમાજમાં એવી માન્યતા ફેલાયેલ છે કે સ્ત્રી પૈતૃક સંપત્તિમાં હિસ્સો માગવા હક્દાર નથી. સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાથી એ ભ્રામક માન્યતાનો છેદ ઊડી જાય છે. હિંદુવારસા ધારો, 1956માં મનમોહનસિંહ સરકારે પ્રગતિશીલ સુધારો દાખલ કરીને સ્ત્રીઓને વડીલોપાર્જીત મિલકતમાં સમાન હિસ્સા માટે હક્દાર બનાવેલ છે. જાણકારીના અભાવે અથવા ક્યાંક સ્ત્રીઓની અજ્ઞાનતાનો લાભ લઈને સ્ત્રીઓને તેમનો હિસ્સો ચુકવવામાં આવતો નથી. પાછળથી જાણ છતાં કોર્ટ કેસો થાય છે અને સંબંધોમાં કડવાશ પેદા થાય છે. આવું બને તે પહેલાં સ્ત્રીઓને પૈતૃક મિલકતમાં તેમનો હિસ્સો સોંપી દેવો જોઈએ.
– અશ્વિનકુમાર ન. કારીઆ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મહાન માણસોની મહાનતાનું રહસ્ય
ગુજરાતમિત્રની તારીખ એકત્રીસ જુલાઈની શો ટાઈમ પૂર્તિમાં મહાન ફિલ્મ અભિનેતા સ્વ.ફિલ્મ દિલીપકુમાર સાહેબના આનંદ બક્ષી સાથેનો કિસ્સો પ્રસિદ્ધ થયો છે. જે અદભુત છે અને ફરી ફરી વાંચવા જેવા છે. આ કિસ્સામાં દિલીપકુમાર સાહેબની નમ્રતા અને મહાનતાથી નીતરે છે. એક મહાન કલાકાર કેટલો બધો સંવેદનશીલ અને સરળ હોઈ શકે છે એ એમણે પોતાના વર્તન દ્વારા પુરવાર કરી આપ્યું હતું. દિલીપકુમાર સાહેબને એમની કલા ઉપરાંત એમની માનવતા અને સહૃદયતા માટે સલામ. કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ વિશેષ કૌશલ્ય કે આવડત હોય પણ જો એનામાં ઉદારતા કે નમ્રતા ન હોય અને અભિમાન કે અહંકાર હોય તો લોકો સ્વાભાવિક રીતે જ એમનાથી દૂર રહેવાનું પસંદ કરતાં હોય છે અને આવાં લોકોને મળવાનું ટાળતા હોય છે.આવાં લોકો માટે સામેવાળા અન્ય લોકો એવું કહેતા હોય છે કે બધું જ સારું અને શ્રેષ્ઠ છે પણ.. માણસ તરીકે બિલકુલ ચાલે એમ નથી. એવી જ રીતે એકાદ પદ કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય ત્યારે જ માણસની સાચી કસોટી થતી હોય છે. એટલે મૂળ વાત માનવતા કેળવવાની છે. આ બધી વાતોમાંથી શીખવા એ મળે છે કે મહાન માણસો, મહાન કેમ હોય છે.
નવસારી ઇન્તેખાબ અનસારી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.