Columns

આમ આદમી પાર્ટી ગુજરાતમાં કોંગ્રેસના વોટ તોડવા માટે આવી છે

ભારતના રાજકારણમાં જ્યારથી ‘આમ આદમી પાર્ટી’નો પ્રવેશ થયો છે, ત્યારથી તેના પર ભાજપની ‘બી’ટીમ હોવાનો આક્ષેપ થતો આવ્યો છે. આપણા દેશમાં અને ગુજરાતમાં કેટલાક મતદારો એવા છે, જેઓ ક્યારેય ભાજપને મત આપવાના નથી. તેમાં મુસ્લિમ ઉપરાંત આદિવાસી અને દલિત મતદારોનું મોટું પ્રમાણ છે. તેવી જ રીતે કેટલીક બેઠકો એવી છે, જેમાં ભાજપ કદી જીતવાનો નથી. આવા મતદારો અને આવી બેઠકો બીજો કોઈ વિકલ્પ ન હોવાથી કોંગ્રેસના ખોળામાં જઈને બેસી જાય છે. ગુજરાતમાં પણ ‘આપ’નો પ્રવેશ થયો ત્યારથી તેના પર ભાજપની ‘બી’ટીમ હોવાનો આક્ષેપ થતો આવ્યો છે. જો ગુજરાતની ચૂંટણીના એક્ઝિટ પોલ્સને સાચા માનવામાં આવે તો ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મતો અને તેની બેઠકોમાં ગાબડું પાડીને ભાજપની બેઠકો અને તાકાતમાં વધારો કરવાનું કામ કર્યું છે.

જો ગુજરાતના એક્ઝિટ પોલ તરફ નજર કરીએ તો એબીપી ન્યૂઝ-સી વોટરના સર્વે મુજબ ભાજપને ૧૨૮-૧૪૦ બેઠકો મળશે અને તેના મતોની ટકાવારી ૪૯.૪ ટકા જેટલી હશે. આ સર્વે મુજબ કોંગ્રેસને ૩૧-૪૩ વચ્ચે બેઠકો અને માત્ર ૩૨.૫ ટકા મતો મળશે. ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપને ૯૯ અને કોંગ્રેસને ૭૭ બેઠકો મળી હતી. ૨૦૧૭માં કોંગ્રેસને ૪૧.૪ ટકા મતો મળ્યા હતા. કોંગ્રેસની બેઠકોમાં જે ૪૦ જેટલું ગાબડું પડશે તેના માટે ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ જવાબદાર હશે. સી વોટરના સર્વે મુજબ ગુજરાતમાં ‘આપ’ને ૩થી ૧૧ બેઠકો મળશે. આ તમામ બેઠકો કોંગ્રસની હોવાની સંભાવના છે. કોંગ્રેસના મતોમાં જે ૯ ટકાનું ગાબડું પડશે તેમાંના ૩થી ૫ ટકા મતો આમ આદમી પાર્ટીને મળશે, જ્યારે બાકીના મતો ભાજપના ચોપડામાં ચાલ્યા જશે. આમ આદમી પાર્ટી સફળતાપૂર્વક કોંગ્રેસની બેઠકોમાં ગાબડું પાડવાની કામગીરી પૂર્ણ કરશે.

આમ આદમી પાર્ટીનો રેકોર્ડ કહે છે કે તેનો ઉપયોગ હંમેશા ભાજપના ડમી તરીકે કરવામાં આવ્યો છે. તેનો જન્મ અન્ના હઝારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનમાંથી થયો હતો ત્યારે કેન્દ્રમાં અને દિલ્હી રાજ્યમાં પણ કોંગ્રેસના મોરચાની સરકાર હતી. દિલ્હીમાં અન્ના હઝારેના આંદોલનને વેગ આપવાનું કામ પડદા સામે અરવિંદ કેજરીવાલે કર્યું હતું તો પડદા પાછળ રહીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોએ કર્યું હતું. દિલ્હીના રામલીલા મેદાનમાં જે ભીડ થતી હતી તેને લાવવા માટે સંઘના કાર્યકરો પુરુષાર્થ કરતા હતા. અન્ના હઝારેના આંદોલનને કારણે યુપીએની સરકાર એટલી બધી અળખામણી થઈ ગઈ કે ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં તેની હાર થઈ હતી. ૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપના મોરચાની સરકાર બની તેમાં અન્ના હઝારે ઉપરાંત અરવિંદ કેજરીવાલનો પણ મોટો ફાળો હતો. જે રીતે કેન્દ્રમાં યુપીએની સરકારનું ઉઠમણું થયું તેમ દિલ્હી રાજ્યમાં પણ ૧૫ વર્ષ જૂની કોંગ્રેસ સરકાર ગઈ હતી અને આમ આદમી પાર્ટીની સરકાર બની હતી.

કેન્દ્રમાં અને દિલ્હીમાં ભાજપને મદદ કર્યા પછી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં લાવવામાં આવી હતી. ૨૦૧૭માં તેણે વિધાનસભાની ચૂંટણીમાં ૩૯ ઉમેદવારો ઊભા રાખ્યા હતા, પણ બધાએ ડિપોઝીટ ગુમાવી હતી. તેણે હિંમત હાર્યા વિના ગુજરાતમાં ખેડાણ ચાલુ રાખ્યું હતું. ૨૦૨૧માં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થઈ તેમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી નાખ્યાં હતાં અને મુખ્ય વિપક્ષનું સ્થાન તેની પાસેથી ઝૂંટવી લીધું હતું. ત્યાર બાદ ગાંધીનગર નગરપાલિકાની ચૂંટણી થઈ તેમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની ધુલાઈ કરી હતી, જેને કારણે ભાજપને પહેલી વખત સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો હતો. આમ આદમી પાર્ટી ભાજપની જેમ કોંગ્રેસની ટીકા કરવામાં પાછું વાળીને જોતી નથી, પણ તે ભાજપ કરતાં કોંગ્રેસની વધુ નજીક છે.

ભાજપ ચૂંટણીઓમાં હિન્દુ કાર્ડ ખેલી રહ્યું છે તો અરવિંદ કેજરીવાલ બહુ ખૂબીપૂર્વક સોફ્ટ હિન્દુત્વનું કાર્ડ ખેલી રહ્યા છે. તેઓ પોતાની જાતને હનુમાનજીના ભક્ત ગણાવે છે અને હનુમાન ચાલીસા કડકડાટ બોલી શકે છે. અરવિંદ કેજરીવાલ મુસ્લિમોની તરફેણ કરે તેનો બહુ પ્રચાર કરતા નથી, પણ હિન્દુ મંદિરોમાં દર્શન કરવા જાય તેનો બહુ પ્રચાર કરે છે. આ રીતે તેઓ શહેરી મુસ્લિમો ઉપરાંત હિન્દુઓના મતો મેળવવામાં સફળ બને છે. આમ આદમી પાર્ટીનો સૌથી મોટો મદાર પાટીદાર મતો ઉપર હતો. સૌરાષ્ટ્ર ઉપરાંત સુરત અને રાજકોટ જેવાં શહેરોમાં અમુક બેઠકો ઉપર પાટીદાર મતો નિર્ણાયક ભાગ ભજવે છે.

મહેસાણા પણ પાટીદારોનો ગઢ મનાય છે.  ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે અને વહીવટ કથળી ગયો છે. આજથી ૧૦ વર્ષ પહેલાં ગુજરાત તેના સારા રસ્તાઓ માટે વિખ્યાત હતું. આજે નેશનલ હાઇ વે સિવાયના તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. નગરપાલિકાઓના રસ્તાઓ તો ચંદ્રની સપાટીની યાદ અપાવે તેવા છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર માઝા મૂકી રહ્યો છે. ગુજરાતનો વહીવટ પ્રધાનો નથી ચલાવતા પણ બાબુઓ ચલાવે છે. કોરોના દરમિયાન લોકડાઉનને કારણે પ્રજા હાડમારીઓનો સામનો કરી રહી હતી ત્યારે જનતાના પ્રતિનિધિઓ ખોવાઈ ગયા હતા અને કલેક્ટરોના હાથમાં અમર્યાદ સત્તા આવી ગઈ હતી.

તેઓ રોજે રોજ નવા ફતવાઓ બહાર પાડીને લોકોને હેરાન કરતા હતા. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મોટા ભાગના પ્રધાનો નવા નિશાળિયા જેવા છે. તેમને વહીવટનો કોઈ અનુભવ નથી. મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં ગુજરાત મોડેલની પોલ છતી થઈ ગઈ છે. ભાજપની હાલત આટલી કફોડી હોવા છતાં ગુજરાત કોંગ્રેસ તેનો લાભ ઉઠાવી શકે તેમ નથી. તેનો નેતા કોણ હશે? તે પણ નક્કી નથી. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ગુજરાતની ઉપેક્ષા કરવામાં આવી છે તેમ છતાં ભાજપથી કંટાળેલા મતદારો પાસે બીજો કોઈ વિકલ્પ ન હોવાને કારણે ભાજપ જંગી બહુમતી તરફ આગળ વધી રહ્યો છે.

ગુજરાતમાં ભાજપ ૧૯૯૫થી સત્તા પર છે, પણ ૨૦૦૨માં તેનો શ્રેષ્ઠ સ્કોર નોંધાયો હતો, જ્યારે ગોધરા કાંડના પરિપ્રેક્ષ્યમાં તેને ૧૨૭ બેઠકો મળી હતી. કોંગ્રેસને ૧૯૮૫માં ૧૪૯ બેઠકો મળી હતી, જે ગુજરાત વિધાનસભામાં કોઈ પણ પક્ષનો સર્વકાલીન શ્રેષ્ઠ દેખાવ હતો. ૧૯૮૫ પછી ગુજરાતમાં કોઈ પક્ષ ૧૩૦નો આંકડો ક્રોસ કરી શક્યો નથી. ભાજપ જો પોતાનો શ્રેષ્ઠ દેખાવ કરવા માગતો હોય તો પણ તેણે ૧૨૭નો આંકડો ક્રોસ કરવો પડશે, જેની ભરપૂર સંભાવના છે.

ગુજરાતમાં કોંગ્રેસ હવે મરણપથારીએ મૂકાઈ ગઈ છે અને ભાજપની સરકાર પોતાની લોકપ્રિયતા ગુમાવી રહી છે, પણ મતદારો સમક્ષ ત્રીજો કોઈ વિકલ્પ ન હોવાથી પરાણે ભાજપને મત આપવો પડે છે. આ વખતની ચૂંટણીઓમાં શહેરોમાં જે ઓછું મતદાન થયું તે કોંગ્રેસ ઉપરાંત ભાજપ માટે પણ મતદારોની ઉદાસીનતાનું પરિણામ છે. આ શૂન્યાવકાશમાં પોતાનું સ્થાન બનાવવાની સુવર્ણ તક આમ આદમી પાર્ટી પાસે હતી, પણ તેમાં તેને સફળતા મળી નથી. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી દિલ્હીમાં અને પંજાબમાં સરકારો બનાવી તે કોંગ્રેસને હરાવીને બનાવી હતી. તે જો ભાજપને હરાવીને પોતાની સરકાર બનાવે તો તેનું ભાજપની બી ટીમ હોવાનું મહેણું દૂર થશે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top