આપણી સરકાર કાયમ કહે છે કે તેના માટે દેશની સુરક્ષા સર્વોચ્ચ પ્રાધન્ય ધરાવે છે. હવે ભાજપના સંસદસભ્ય ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ સોઇ ઝાટકીને કહ્યું છે કે આધાર કાર્ડને ફરજિયાત બનાવવાની નીતિ દેશની સુરક્ષા સામે ખતરાજનક છે. આ માટે નક્કર કારણ આપતાં ડૉ. સ્વામી કહે છે કે આધાર માટે ડેટાબેઝ ઊભો કરવાનું કામ અમેરિકાની સરકાર દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવેલી કંપનીને સોંપવામાં આવ્યું છે, જેનો સંબંધ અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઇએ સાથે છે. જો આ કંપની પોતાની પાસેનો ડેટા સીઆઇએને સોંપી દે તો તે ભારતના દરેક નાગરિકની હિલચાલ પર નજર રાખી શકે તેમ છે, જેમાં ટોચના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, સરકારી અમલદારો અને વિજ્ઞાનીઓનો પણ સમાવેશ થાય છે.
દાખલા તરીકે અણુશક્તિ બાબતમાં સંશોધન કરતા ભારતના કોઇ વિજ્ઞાનીને પુરસ્કારના રૂપમાં સરકાર દ્વારા મોટી રકમ આપવામાં આવે તો તેની માહિતી પણ આધારના ડેટાબેઝમાં પહોંચી જાય છે, કારણ કે તે વિજ્ઞાનીને તેનું બેન્ક અકાઉન્ટ આધાર સાથે જોડવાની ફરજ પાડવામાં આવી છે. હવે તો કોરોનાની વેક્સિન લેનારની તમામ માહિતી પણ આધાર કાર્ડ સાથે લિન્ક કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં જો કોઈ નાગરિકે કોરોનાની વેક્સિન નહીં લીધી હોય તો તેનું આધાર કાર્ડ સ્થગિત કરી દેવામાં આવશે. ત્યારે તેની સાથે જોડાયેલું રેશન કાર્ડ અને બેન્ક અકાઉન્ટ પણ સ્થગિત થઈ જશે. માણસને રેશન નહીં મળે અને બેન્કમાંથી પૈસા પણ નહીં મળે. આધાર કાર્ડ આપણને ગુલામ બનાવવાનું સાધન છે.
આધાર કાર્ડનો પ્રોજેક્ટ યુપીએ સરકાર દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે વિપક્ષમાં રહેલા ભાજપે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. કેન્દ્રમાં જ્યારે એનડીએની સરકાર આવી ત્યારે તેણે બમણા જોરથી આધારનો અમલ કરવાનો પ્રારંભ કર્યો હતો. આધાર કાર્ડ બાબતમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની પણ પરવા કર્યા વિના સરકાર દ્વારા આધાર કાર્ડને બેન્ક અકાઉન્ટ તેમ જ મોબાઇલ નંબર સાથે લિન્ક કરવાના ફતવા બહાર પાડવામાં આવી રહ્યા છે. બેન્કનાં ખાતાંધારકોને ધમકી આપવામાં આવે છે કે જો તમે તમારાં અકાઉન્ટને આધાર સાથે લિન્ક નહીં કરાવો તો તમારું ખાતું થિજાવી દેવામાં આવશે. મોબાઇલ ફોનધારકોને પણ ધમકી આપવામાં આવે છે કે તમારો મોબાઇલ ફોન બંધ કરી દેવાશે.
હકીકતમાં આધાર કાર્ડનો પ્રોજેક્ટ ભારત સરકારનો પ્રોજેક્ટ નથી પણ ભારતમાં પોતાનું આર્થિક સામ્રાજ્ય ઊભું કરવા માગતી મલ્ટિનેશનલ કંપનીઓનો માનીતો પ્રોજેક્ટ છે. ભારતમાં જે ઝડપી આર્થિક વિકાસ થઇ રહ્યો છે તેને કારણે દુનિયાની અનેક રાક્ષસી કંપનીઓ ભારતમાં રોકાણ કરવા આતુર છે, પણ તેમને પોતાની મૂડીની સલામતીની ચિંતા છે. આ કંપનીઓ પાસે જો ભારતના પ્રત્યેક નાગરિક દ્વારા કરવામાં આવતાં મૂડીરોકાણની વિગતો આવી જાય તો તેઓ નિશ્ચિંત બનીને ભારતમાં રોકાણ કરી શકે.
પહેલા આપણને કહેવામાં આવ્યું હતું કે જેમને સરકારની સબસિડીનો લાભ જોઇતો હશે તેમના માટે જ આધાર નંબર ફરજિયાત ગણવામાં આવશે. હવે ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટે પણ આધાર કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જે નાગરિકોની આવક કરપાત્ર હોય તેમના માટે ઇન્કમ ટેક્સરિટર્ન ભરવું ફરજિયાત હોય છે; માટે તેમના માટે આધાર પણ ફરજિયાત બનાવાયું છે. મોબાઇલ કંપનીઓ વેરિફિકેશન માટે ચૂંટણીકાર્ડ કે રેશન કાર્ડનો પણ ઉપયોગ કરી શકે છે, પણ કેન્દ્ર સરકારના ટેલિકોમ ખાતાં દ્વારા જ નોટિફિકેશન બહાર પાડીને આધાર કાર્ડ ફરજિયાત બનાવાયું છે. આ નોટિફિકેશનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું છે, તેને પણ સરકાર ગણકારતી નથી.
સરકાર કહે છે કે આધાર કાર્ડનો ઉપયોગ તેઓ ગરીબોને માપબંધીનું અનાજ સહેલાઇથી મળે તે માટે કરવા માગે છે, પણ હકીકતમાં તેને કારણે કરોડો ગરીબોને સસ્તું અનાજ મળતું બંધ થઇ ગયું છે. જે ગરીબો કોઇ પણ કારણોસર પોતાના રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવામાં નિષ્ફળ ગયા છે, તેમનું સસ્તું અનાજ બંધ થઇ જતાં તેમને ભૂખે મરવાનો વારો આવ્યો છે. ઝારખંડમાં આધાર કાર્ડના બખડજંતરને કારણે એક ગરીબ બાળકનું ભૂખમરાથી મોત થયું હતું. બીજા ગરીબે આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે લિન્ક કર્યું હતું તો પણ તેને અનાજ નહોતું મળ્યું, કારણ કે તેના અંગૂઠાને ઓળખવામાં કોમ્પ્યુટર નિષ્ફળ ગયું હતું. આ પરિવારનાં ગરીબ બાળકનું પણ મોત થઇ ગયું હતું.
હવે તો સરકાર તેની દરેક યોજના માટે આધાર ફરજિયાત બનાવી રહી છે. કોઇ ગરીબ પોતાના ઘરમાં શૌચાલય બનાવવા માગતો હોય તો પણ તેણે પોતાનો આધાર નંબર આપવો પડે છે. ઇ.સ.૧૯૮૪ના ભોપાળના ગેસ દુર્ઘટનાગ્રસ્તોને કહેવામાં આવ્યું છે કે જો તમે આધાર નંબર નહીં આપો તો સરકારી સહાય મળતી બંધ થઇ જશે. કોઇ રૂપજીવિનીને વેશ્યાગૃહમાંથી છોડાવાઇ હોય અને તેને સરકારી યોજનાનો લાભ જોઇતો હોય તો તેને પણ આધાર કાર્ડ આપવાની ફરજ પાડવામાં આવે છે.
ભારતમાં જ્યારે આધાર કાર્ડની યોજના શરૂ કરવામાં આવી ત્યારે નંદન નિલેકની દ્વારા વચન આપવામાં આવ્યું હતું કે આધાર કાર્ડ માટે નોંધણી કરાવનારા લોકોના બાયોમેટ્રિક્સ કોઇ ખાનગી કંપની અથવા વ્યક્તિને આપવામાં આવશે નહીં. હવે પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓને આપણા બાયોમેટ્રિક્સ આપણને પૂછ્યા વિના આપી દેવામાં આવ્યા છે, જેઓ તેનો ઉપયોગ આપણા મોબાઇલ નંબરને આધાર સાથે લિન્ક કરવા માટે કરે છે. તેવી જ રીતે સરકારી તેમ જ ખાનગી બેન્કોને પણ આપણા બાયોમેટ્રિક્સ આપી દેવામાં આવ્યા છે. આપણા પ્રાઇવસીના અધિકાર પર આ મોટામાં મોટી તરાપ છે.