Sports

ભારતે 2013થી ICC ટ્રોફી જીતવા માટે અજમાવેલા 96 ખેલાડીઓ 8 ટૂર્નામેન્ટમાંથી ખાલી હાથે પાછા ફર્યા

કોઇપણ રમતમાં એવું કહેવાય છે કે હાર અને જીત તો ચાલ્યા કરે છે, હારવાથી હતાશ ન થવું અને જીતવાથી ઉન્માદી ન બનવું એવી શીખ દરેક ખેલાડીને હંમેશા આપવામાં આવે છે. જો કે ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા 9 વર્ષોથી ICC ટૂર્નામેન્ટમાથી ખાલી હાથે પાછી આવી રહી છે, ત્યારે હારવાથી હતાશ ન થવાની વાત ભારતીય ક્રિકેટ ચાહકોને ગળે ઉતરતી નથી. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે 2013થી ICC ટ્રોફી જીતવા માટે કુલ 96 ખેલાડીઓની અજમાયશ કરી તેમાં કેપ્ટન અને કોચ પણ બદલી જોયા છતાં આ દરમિયાન રમાયેલી ICCની 8 ટૂર્નામેન્ટમાંથી ભારતીય ટીમ ખાલી હાથે પરત ફરી છે.

એવું નથી કે ભારતીય ખેલાડીઓમાં એવું હીર નથી કે તેઓ વૈશ્વિક તખતે પોતાની કાબેલિયત નથી દાખવી શકતાં પણ મૂળે ખાટલે મોટી ખોડ એવી છે કે ભારતીય ક્રિકેટ ટીમ હાઇ પ્રોફાઇલ મેચમાં ફસકી પડવા માંડી છે. જો તાજેતરના જ ભૂતકાળને ધ્યાને લઇએ તો 2021ની ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય ટીમ હારી ગઇ હતી. એટલે દૂર ન જવું હોય તો હાલમાં જ રમાયેલા એશિયા કપમાં ગ્રુપ સ્ટેજમાંથી જ ટીમ ઇન્ડિયા આઉટ થઇ ગઇ હતી. તે પછી હવે ટી-20 વર્લ્ડકપની સેમીફાઇનલમાં ભારતીય ટીમ જે રીતે હારીને આઉટ થઇ છે તેને જોતા એવું કહી શકાય કે ટીમ ઇન્ડિયા હવે ચોકર્સની રેસમાં દક્ષિણ આફ્રિકાની લગોલગ પહોંચી ગઇ છે.

ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપ રમવા માટે જ્યારે ભારતીય ટીમ રવાના થઇ ત્યારે બધાને એવું હતું કે આ વર્ષે નવા કોચ અને નવા કેપ્ટનની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા 15 વર્ષના ખિતાબના દુકાળને ખતમ કરી દેશે,. તેમાં પણ વળી સુપર 12 રાઉન્ડમાં ભારતે જે રીતે 5માંથી 4 મેચ જીતી હતી, તેને જોઈને લાગતું હતું કે આ વખતે રોહિત શર્મા એન્ડ કંપની ચોક્કસપણે કંઈક નવાજૂની કરશે, પરંતુ સેમિફાઈનલમાં ભારતીય ટીમની નબળાઇઓ ખુલીને સામે આવી ગઇ અને ભારતના સ્ટાર ઓપનીંગ બેટ્સમેનોની નિષ્ફળતા વચ્ચે વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની ઇનિંગની મદદથી ભારતે કંઇક અંશે પડકારજનક સ્કોર તો ઊભો કર્યો પણ તે પછી બોલરોની બિનઅસરકારક બોલિંગે ટીમ ઈન્ડિયાને ડૂબાડી દીધી.

હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે હાર માટે જવાબદાર કોને ઠેરવવામાં આવશે. જો સીધા શબ્દોમાં કહીએ તો રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડની કોઈ ફોર્મ્યુલા મોટી ટુર્નામેન્ટમાં અસરકારક સાબિત નથી થઇ અને જે રીતે ગાઇ વગાડીને આ બંને ટીમ ઇન્ડિયાને અલગ લેવલે લઇ જશે એવું કહેવાતું હતું, તે વાતમાં હવે કોઇ કસ દેખાતો નથી.
ભારતીય ટીમના નવા મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પહેલી મોટી પરીક્ષા એશિયન ઉપખંડીય ટૂર્નામેન્ટ એશિયા કપમાં લેવાઇ હતી. એશિયા કપમાં ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ આઉટ થઇ ગઇ હતી. તે પછી એવી આશા રખાતી હતી કે T20 વર્લ્ડકપમાં આ જોડી કમાલ કરી બતાવશે.

ભારતીય ટીમ સુપર 12ની 5માંથી 4 મેચ જીતીને નોકઆઉટ સ્ટેજમાં પ્રવેશી ત્યારે બધાને આવી આશા બંધાઇ હતી કે હવે ભારતીય ટીમ ICC ટ્રોફીના દુકાળનો અંત લાવી દેશે. જો કે એશિયા કપ પછી ટી-20 વર્લ્ડકપની સેમિફાઇનલમાંથી ભારતનું બહાર થવું રોહિત શર્મા તેમજ રાહુલ દ્રવિડ માટે મોટો ફટકો છે. આ ટૂર્વામેન્ટમાં ટીમ સંયોજન મામલે આ જોડી સતત થાપ ખાતી રહી હતી. ખાસ વાત તો એ હતી કે લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને વર્લ્ડકપમાં એક પણ મેચ રમવાની તક ન મળી, તેમાં પણ.

ટીમ મેનેજમેન્ટે રવિચંદ્રન અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં સતત તક આપી હતી પરંતુ આ અનુભવી ઓફ સ્પિનરે નિરાશ કર્યા હોવા છતાં તેને વારંવાર તક આપવામાં આવી, વળી એડિલેડની વિકેટ પર પ્યોર લેગ સ્પીનર પ્રભાવી પુરવાર થાય તેમ હોવા છતાં ઇંગ્લેન્ડની ટીમ સામે સૌથી સફળ બોલર એવા યુઝવેન્દ્ર ચહલને રમાડવામાં ન આવ્યો. અશ્વિને આખા વર્લ્ડકપમાં 6 વિકેટ ઉપાડી પણ તેના માટે તેણે કુલ 155 રન આપ્યા હતા. ઈંગ્લેન્ડ સામેની કારમી હાર બાદ આ પ્રશ્નો ઉભા થશે જ.

આ પહેલા ભારતીય ટીમ એશિયા કપમાં પણ ખિતાબની રેસમાં પોતાની જગ્યા બનાવી શકી ન હતી. રોહિતે વર્લ્ડ કપમાં માત્ર બેટથી જ નહીં પણ કેપ્ટન તરીકેના નિર્ણય લેવા મામલે પણ નિરાશ કર્યા છે. વિશ્વ ક્રિકેટમાં ‘હિટમેન’ તરીકે પ્રખ્યાત રોહિત આ વર્લ્ડ કપમાં 19.33ની નબળી એવરેજથી 6 મેચમાં માત્ર 116 રન જ બનાવી શક્યો હતો. તેમાં માત્ર એક જ ફિફ્ટીનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પણ સતત બે મોટી ટુર્નામેન્ટમાં નિષ્ફળ રહ્યા હતા. કોચ દ્રવિડ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી.

Most Popular

To Top