‘ખેલદિલી’જેવો સુંદર શબ્દ રમતગમતમાંથી ઉદ્ભવ્યો છે અને જીવનનાં અનેક ક્ષેત્રોમાં એ વ્યાપ્ત બની રહ્યો છે. એ સૂચવે છે કે રમતગમતમાં ખરું મહત્ત્વ ભાગ લેવાનું છે, નહીં કે હારજીતનું. રમત કોઈ પણ હોય, આ હકીકત બધે લાગુ પડે છે. અલબત્ત, રમતગમતનું વ્યાપારીકરણ થયા પછી તે હારજીત અને લોકરંજન પૂરતી જ મર્યાદિત બની રહી છે. રમતગમતના ક્ષેત્રનો એક અન્ય શબ્દ છે ‘ગાર્બેજ ટાઈમ’. કોઈ પણ રમતમાં જ્યારે પરિણામ નિશ્ચિત થઈ જાય અને રમત પૂરી કરવાની ઔપચારિકતા બાકી રહી જાય ત્યારે કેવળ સમય પસાર કરવાનો હોય છે. આવા સમય માટે આ શબ્દ પ્રચલિત છે. ‘ગાર્બેજ’એટલે નકામી ચીજવસ્તુ એટલે કે કચરો. આ શબ્દ છેલ્લા થોડા સમયથી રમતગમતની બહાર નીકળીને અન્ય ક્ષેત્રમાં ચલણી બનવા લાગ્યો છે. ખાસ કરીને ચીનના સામાજિક નેટવર્કિંગ માધ્યમના વપરાશકર્તાઓ દ્વારા ચીનના પ્રવર્તમાન સમયને ‘ગાર્બેજ ટાઈમ’તરીકે ઓળખાવાઈ રહ્યો છે.
આનું કારણ શું? ચીનના આ નાગરિકો માને છે કે પોતે દેશના એવા સમયમાં છે કે જ્યારે દેશનું અર્થતંત્ર સ્થગિત થઈ ગયું છે, બેરોજગારી વધી રહી છે, ખોરાકની કિંમત આસમાનને આંબી રહી છે. એકવીસમી સદીમાં વિવિધ ક્ષેત્રે ચીનનો પ્રભાવ જે રીતે વધતો ગયો છે એ જોતાં ‘ચાઈનીઝ સેન્ચુરી’જેવો શબ્દપ્રયોગ રૂઢ બન્યો છે. એ સૂચવે છે કે એકવીસમી સદી ચીનની હશે, એટલે કે આ સદીમાં વિવિધ ક્ષેત્રે ચીનનું પ્રભુત્વ રહેશે. આ અગાઉ વીસમી સદી માટે ‘અમેરિકન સેન્ચુરી’શબ્દપ્રયોગ ચલણી હતો, તો અઢારમી અને ઓગણીસમી સદીને ‘બ્રિટીશ સેન્ચુરીઝ’તરીકે ઓળખાવાઈ હતી. એ અગાઉ સત્તરમી અને અઢારમી સદીમાં ફ્રાન્સ તેમજ પંદરમી અને સોળમી સદીમાં સ્પેનનું વર્ચસ્વ રહેલું.
ચીનના વર્તમાન સમયના ઈન્ટરનેટ વપરાશકર્તાઓને લાગે છે કે ‘ચાઈનીઝ સેન્ચુરી’તેની વાસ્તવિકતાથી અનેકગણી દૂર છે. ‘ગાર્બેજ ટાઈમ’શબ્દ અગાઉ 1979 પછી રશિયાના થયેલા સતત પતન દરમિયાન વપરાતો હતો. ચીન માટે આ શબ્દ પહેલવહેલો હુ વેન્હુઈ નામના જાણીતા ચીની લેખક દ્વારા તેમણે લખેલી એક બ્લૉગપોસ્ટમાં વપરાયો હતો. અન્ય એક અહેવાલ અનુસાર ગ્વાંગ્ઝો શહેરના એક દૈનિકના સંપાદક દ્વારા તે પહેલવહેલો ઉપયોગમાં લેવાયો હતો.
વેન્હુઈના બ્લૉગ પર ચાલેલી ચર્ચામાં અનેક લોકોએ તેની તરફેણમાં દલીલો કરી હતી. બ્લૉગ પરની ચર્ચામાં વિવિધ બાબતોની ચર્ચા થઈ. શી જી નામના એક બ્લૉગરે કહ્યું કે આવા સમયમાં શરીરને સ્વસ્થ રાખીને તેમજ આશાવાદી અને ખુશમિજાજ રહીને, એ રીતે પરસ્પર સહાયજૂથ બનાવીને પોતાની ક્ષમતા અનુસાર પગલાં ભરીને અમુક અંશે સ્વતંત્રતા અનુભવી શકાય. કેટલાંક લોકોએ આવો જ અન્ય એક શબ્દ ‘ઈન્વોલ્યુશન’પ્રયોજ્યો. ચીન પૂરતો એનો અર્થ છે શ્રમિકોનું શોષણ અને ક્રૂર સ્પર્ધા.
એ તમામ દલીલોનો સાર એ હતો કે ઈતિહાસ જ્યારે ‘ગાર્બેજ ટાઈમ’માં પ્રવેશે ત્યારે સૌથી પહેલું પતન સાંસ્કૃતિક જગતનાં લોકો અને વિચારકોનું થાય છે. તીવ્રપણે થતી ટીકાની ગેરહાજરીને કારણે સાંસ્કૃતિક અધ:પતન ઈતિહાસમાં અનેકવાર થતું આવ્યું છે. આવા કાળમાં મૌન રહેવું બદઈરાદાવાળું મનાય છે, જ્યારે શાસકની અપૂરતી પ્રશંસા પાપ સમાન ગણાય છે. આખરે એક જ અવાજ વ્યાપ્ત બની રહે છે અને એ છે જૂઠાણાંનો. એક અહેવાલ અનુસાર ચીનનાં વિવિધ દૈનિકોમાં પણ આ શબ્દ બાબતે ચર્ચા ચાલી રહી છે કે ખરેખર સ્થિતિ આવી છે કે કેમ. દરમિયાન નેટના વધુ ને વધુ ચીની વપરાશકર્તાઓ આ શબ્દના સમર્થનમાં વિવિધ ઘટનાઓને ટાંકી રહ્યા છે અને દૃઢપણે માને છે કે આ હકીકત છે. આ શબ્દપ્રયોગ પ્રસરવા લાગ્યો એટલે ‘ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી’(સી.સી.પી.)ના નેતાઓ ચિત્રમાં પ્રવેશ્યા. અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક અને રાજ્યની માલિકીના અખબાર ‘ગ્લોબલ ટાઈમ્સ’ના કટારલેખક વેન્ગ વેને આ શબ્દ વાપરનારાઓની ઝાટકણી કાઢી અને તેને ‘જૂઠી શૈક્ષણિક વ્યાખ્યા’ગણાવી.
આ હકીકત ચીનની છે. સ્વાભાવિકપણે જ તેમાંની ઘણી બાબતોનું સામ્ય આપણા દેશ સાથે જણાય છે. ‘ચાઈનીઝ સેન્ચુરી’જેવી જ ગોળી ભારતને ‘વિશ્વગુરુ’તરીકે સ્થાપિત કરવાની છે. સાંસ્કૃતિક ક્ષેત્રની પરિસ્થિતિ અધ:પતનથી ક્યાંય આગળ નીકળી ગઈ છે. સ્વસ્થ ટીકાનો માહોલ નથી. શાસકોની ખુશામતમાં સાંસ્કૃતિક જગતના મોટા ભાગના લોકો રાચેલાં છે. જૂઠાણાંભર્યા સમાચારોનો વરસાદ એકધારો વરસી રહ્યો છે. શિક્ષણનું સ્તર સાવ પાતાળે ગયું છે. સ્વાસ્થ્યની સ્થિતિ એથીય બદતર છે. અવાજ ઉઠાવનારાઓને દેશદ્રોહીમાં ખપાવી દેવાનું કામ હવે સરકાર વતી બહુમતિ નાગરિકોએ ઉપાડી લીધું છે. હવે નાગરિકો ભાગ્યે જ બચ્યાં છે. સૌ કોઈ એક પક્ષના સમર્થક છે અને જે એના સમર્થક નથી એ તેના વિરોધી છે.
આમ છતાં, હજી ઘણા ભોળાઓ સાંસ્કૃતિક મજલમાં પીછેહઠ કરતા રહીને ‘વિશ્વગુરુ’બનવાનું સપનું જુએ છે. તેમને નથી નાગરિક બનવું કે નથી ભારતીય બનવું, બસ, એક જ ધ્યેય છે કે ‘વિશ્વગુરુ’બનવું. એથી પણ ભોળાં નાગરિકો એમ માને છે કે ભારત હવે વિશ્વગુરુ બની ચૂક્યું છે. આવાં લોકોનું ભોળપણ એવું છે કે એની પર ન હસી શકાય, ન રડી શકાય. દયા પણ ન ખાઈ શકાય, કેમ કે, એવાં લોકોની સંખ્યા ઘણી બધી છે અને તેમની પડખે અનેકવિધ પ્રસાર માધ્યમો છે. અવનવા પ્રતિબંધો લાદવા શાસકોની પ્રિય રમત છે. કાયદા દ્વારા પ્રસાર માધ્યમો પર પ્રતિબંધ લાદી શકાય, પણ વિચારવા પર પ્રતિબંધ નાખી શકાતો નથી. એક નાગરિક તરીકે એ પ્રક્રિયા સતત ચાલતી રહે એ જરૂરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.