અયોધ્યામાં બાબરી મસ્જિદનો વિવાદ પેદા થયો તે પછી ભારતની સંસદમાં કાયદો કરવામાં આવ્યો હતો કે હવે ભવિષ્યમાં દેશના કોઈ પણ પૂજાસ્થળનું સ્વરૂપ બદલવાની પરવાનગી આપવામાં આવશે નહીં. આ કાયદાના અમલ માટે કટ ઓફ્ફ ડેટ તરીકે ઇ.સ. ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી. મતલબ કે તે તારીખે કોઈ પૂજાસ્થળનું અસ્તિત્વ મસ્જિદ તરીકે જાહેર કરવામાં આવ્યું હોય તો તેને બદલીને મંદિર કરી ન શકાય અને મંદિરની જગ્યા પર મસ્જિદ ન કરી શકાય. આ કાયદાનો હેતુ ભવિષ્યના તમામ મંદિર-મસ્જિદ ઝઘડાઓ ટાળવાનો હતો.
આ કાયદો ભારતની સંસદમાં પસાર થયો ત્યારે તેનો કટ્ટર હિન્દુઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, કારણ કે તેઓ મુસ્લિમ શાસકો દ્વારા રૂપાંતરિત અનેક મસ્જિદો તોડીને તેના સ્થાને મંદિરો બાંધવા માંગતાં હતાં. અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડીને તેના સ્થાને રામ મંદિર બનાવ્યા પછી તેમના એજન્ડામાં કાશીની જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરામાં શ્રી કૃષ્ણ જન્મસ્થાન પર બાંધવામાં આવેલી મસ્જિદ હતી. ૧૯૯૧ના પૂજાસ્થળ કાયદા હેઠળ આ બે મસ્જિદો સામેનો કોઈ કેસ ટકી શકે તેવો નહોતો.
કાશીની જ્ઞાનવાપી મસ્જિદને લઈને વારાણસીની જિલ્લા કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો, પણ તેને સુપ્રીમ કોર્ટે ૧૯૯૧ના કાયદાનો હવાલો આપીને રદ કર્યો હતો. હકીકતમાં ૧૯૯૧ના કાયદાને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો ત્યારે ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચ દ્વારા તેનો બચાવ કરવામાં આવ્યો હતો. તેમ છતાં ભાજપના પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાય દ્વારા સુપ્રીમ કોર્ટમાં ૧૯૯૧ના પૂજાસ્થળ કાયદાને ફરીથી પડકારવામાં આવ્યો છે. હજુ આ કાયદો રદ નથી થયો તો પણ જ્ઞાનવાપીના કેસમાં હિન્દુ પક્ષકારો દ્વારા છટકબારીનો ઉપયોગ કરીને મસ્જિદનું મૂળ સ્વરૂપ નક્કી કરવાનો કેસ કરવામાં આવ્યો છે. આ સર્વે કરવાનું કામ પુરાતત્ત્વ ખાતાને સોંપવામાં આવ્યું છે. પુરાતત્ત્વ ખાતાના સર્વેનાં પરિણામો ભારતની હજારો મસ્જિદો માટે વિવાદાસ્પદ હશે.
વર્ષ ૧૯૯૦માં ઈતિહાસકાર સીતા રામ ગોયલે અન્ય લેખકો અરુણ શૌરી, હર્ષ નારાયણ, જય દુબાશી અને રામ સ્વરૂપ સાથે મળીને ‘હિન્દુ ટેમ્પલ્સઃ વોટ હેપન્ડ ટુ ધેમ’નામનું પુસ્તક લખ્યું હતું. તેમાં ગોયલે ૧,૮૦૦ થી વધુ મુસ્લિમ-નિર્મિત ઇમારતો, મસ્જિદો અને વિવાદિત બાંધકામો શોધી કાઢ્યાં હતાં, જે નાશ પામેલાં મંદિરોની સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યાં હતાં. આ પુસ્તકમાં કુતુબમિનારથી લઈને બાબરી મસ્જિદ, જ્ઞાનવાપીના વિવાદિત બાંધકામો, પિંજોર ગાર્ડન્સ અને અન્ય ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પત્રકાર અને રાજકારણી અરુણ શૌરીનો લેખ તા. ૫ ફેબ્રુઆરી, ૧૯૮૯ના રોજ પ્રકાશિત થયો હતો. તેમાં તેમણે એક પ્રખ્યાત અને પ્રભાવશાળી વ્યક્તિ મૌલાના હકીમ સૈયદ અબ્દુલ હૈનો ઉલ્લેખ કર્યો હતો. અરુણ શૌરીએ જણાવ્યું હતું કે તેમણે ‘હિન્દુસ્તાન કી મસ્જિદેં’નામનું પુસ્તક લખ્યું છે, જેના ૧૭મા પ્રકરણમાં ભારતની અનેક મસ્જિદોનું સંક્ષિપ્ત વર્ણન છે. આ પ્રકરણમાં મૌલાના હકીમ સૈયદ અબ્દુલ હૈએ સમજાવ્યું હતું કે કેવી રીતે મસ્જિદો બનાવવા માટે સંખ્યાબંધ હિંદુ મંદિરોનો નાશ કરવામાં આવ્યો હતો.
આ પુસ્તકમાં દિલ્હીનો ઉલ્લેખ કરતાં જણાવવામાં આવ્યું છે કે અહીં કુલ ૭૨ સ્થળોની ઓળખ કરવામાં આવી છે, જ્યાં મુસ્લિમ આક્રમણકારોએ સાત શહેરો બનાવવા માટે ઈન્દ્રપ્રસ્થ અને ધિલિકાનો નાશ કર્યો હતો. કુતુબ મિનાર, કુવાતુલ ઇસ્લામ મસ્જિદ, શમસુદ-દિન ઇલ્તુત્મિશની કબર, જહાઝ મહેલ, અલાલ દરવાજા, અલાલ મિનાર, મદ્રેસા અને અલાઉદીન ખિલજી મકબરો સહિત ઘણાં સ્મારકો, મસ્જિદો, કબરો અને અન્ય બાંધકામોમાં મંદિરની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પુસ્તકમાં ગુજરાતનાં આવાં ૧૭૦ સ્થળો જણાવવામાં આવ્યાં છે, જ્યાં મંદિરો તોડીને મસ્જિદો બનાવવામાં આવી છે.
અમદાવાદ, પાટણ અને ચંદ્રાવતીનાં મંદિરોનો નાશ કરવામાં આવ્યો અને તેમની સામગ્રીનો ઉપયોગ અમદાવાદને મુસ્લિમ શહેર બનાવવા માટે કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં મંદિરની સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલાં સ્મારકોમાં અહેમદ શાહની જામા મસ્જિદ, હેબિટ ખાનની મસ્જિદ છે. ધોળકા જિલ્લામાં બહલોલ ખાનની મસ્જિદ અને બરકત શહીદની કબર પણ મંદિરો તોડીને બનાવવામાં આવી હતી. એ જ રીતે સરખેજમાં શેખ અહમદ ખટ્ટુ ગંજ બક્ષની દરગાહ ૧૪૪૫ માં મંદિરની સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી. ૧૩૨૧ માં ભરૂચમાં શકુનિવિહાર નામનું પ્રાચીન જૈન મંદિર તોડી પાડ્યા પછી એકઠી થયેલી સામગ્રીનો ઉપયોગ કરીને જામા મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
ભાવનગર નજીક આવેલા બોટાદ ખાતે પીર હમીર ખાનની કબર એક મંદિરની જગ્યા પર બનાવવામાં આવી હતી. દ્વારકામાં મંદિરની જગ્યા પર વર્ષ ૧૪૭૩માં મસ્જિદ બનાવવામાં આવી હતી. ભુજમાં મંદિરની જગ્યા પર જામા મસ્જિદ અને બાબા ગુરુનો ગુંબજ બનાવવામાં આવ્યો હતો. રાંદેરમાંથી જૈન સંઘનાં લોકોને હાંકી કાઢવામાં આવ્યાં હતાં અને મંદિરોની જગ્યાએ મસ્જિદો બનાવવામાં આવી હતી. જામા મસ્જિદની જેમ નિત નૌરી મસ્જિદ, મિયાં કી મસ્જિદ, ખારવા મસ્જિદ પણ મંદિરની જગ્યાએ બનાવવામાં આવી હતી. આ ઉપરાંત સોમનાથ પાટણમાં બજાર મસ્જિદ, ચાંદની મસ્જિદ અને કાઝીની મસ્જિદ પણ મંદિરની જગ્યાઓ પર બનાવવામાં આવી હતી. દીવમાં આવેલી જામી મસ્જિદનું નિર્માણ પણ વર્ષ ૧૪૦૪માં મંદિર તોડીને કરવામાં આવ્યું હતું.
બિહારમાં કુલ ૭૭ સ્થળોએ મંદિરનો નાશ કરીને અથવા તેની સામગ્રીનો ઉપયોગ કરીને મસ્જિદો, મુસ્લિમ બાંધકામો, કિલ્લાઓ વગેરેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ભાગલપુરમાં હઝરત શાહબાઝની દરગાહ વર્ષ ૧૫૦૨માં મંદિરની જગ્યા પર બનાવવામાં આવી હતી. એ જ રીતે ચંપાનગરમાં જૈન મંદિરોને નષ્ટ કરીને અનેક દરગાહો બનાવવામાં આવી હતી. મુંગેર જિલ્લાના અમોલઝોરી ખાતે મુસ્લિમ કબ્રસ્તાન એક વિષ્ણુ મંદિરની જગ્યા પર બનાવવામાં આવ્યું હતું. ગયાના નાદરગંજ ખાતેની શાહી મસ્જિદ ૧૬૧૭માં મંદિરની જગ્યા પર બનાવવામાં આવી હતી.
પુસ્તકમાં રાજસ્થાનનાં ૧૭૦ સ્થળોનો ઉલ્લેખ છે. અગાઉ અજમેર હિંદુ રાજધાની હતી, જે મુસ્લિમ શહેરમાં ફેરવાઈ ગઈ હતી. અઢાઈ-દિન-કા-ઝોંપરાનું નિર્માણ ૧૧૧૯માં કરવામાં આવ્યું હતું. મોઈનુદ્દીન ચિશ્તીનું મંદિર ૧૨૩૬માં બનાવવામાં આવ્યું હતું અને મંદિરની જગ્યા પર અન્ય મસ્જિદોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તિજારા ખાતેની ભર્તારી મઝાર એક મંદિરને તોડીને બનાવવામાં આવી હતી. બાયના ખાતે નોહરા મસ્જિદ ઉષા મંદિરની જગ્યા પર બનાવવામાં આવી હતી.
ભીટારી મહોલ્લાની મસ્જિદમાં ભગવાન વિષ્ણુના મંદિરની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કામણમાં કામ્યકેશ્વર મંદિરને ચૌરાસી ખંબા મસ્જિદમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. શેરશાહ સૂરીના કિલ્લા શેરગઢમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન મંદિરોની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લોહારપુરા ખાતે પીર ઝહીરુદ્દીનની દરગાહ મંદિરની જગ્યા પર બનાવવામાં આવી હતી. ૧૬૨૫માં સલાવતનમાં મસ્જિદ એક મંદિરની જગ્યા પર બનાવવામાં આવી હતી. જો આ તમામ મસ્જિદોનું રૂપાંતર મંદિરોમાં કરવામાં આવશે તો દેશમાં કોમી રમખાણો ફાટી નીકળશે.