Comments

એ જ સાચો આનંદ

રાહુલ ધંધામાં ખૂબ સફળ થયો, મબલખ કમાણી હતી, મોટો બંગલો, ચાર કાર, આધુનિક સાધનો બધું હતું પણ તેની પાસે સમય ન હતો. રોજ કામની દોડધામ અને પછી થાક અને ખાલીપો… મનને શાંતિ ન મળતી ન કોઈ ખુશી અનુભવાતી. એક દિવસ તે શહેરથી થોડે દૂર મીટિંગમાં જઈ રહ્યો હતો ત્યારે તેની નજર એક જૂના મકાન પર પડી, અંદરથી ઘંટડીનો અવાજ આવ્યો અને સાથે બાળકો ભજન ગાતા સાંભળાયા રાહુલ અંદર ગયો.

નાના-નાના બાળકો ધૂળમય ફ્લોર પર બેઠા હતાં, હસતા-ગાતા ભજન ગાઈ રહ્યા હતા. એક સંત ત્યાં બેઠા હતા. રાહુલ બધાના ચહેરા પરની ખુશી જોઈ રહ્યો. તેણે સંત પાસે જઇ જાણ્યું કે આ બધા ગરીબ અનાથ બાળકો છે. રાહુલ ત્યાં અવારનવાર આવવા લાગ્યો એક દિવસ તેણે સંતને પૂછ્યું “બાપજી, આ બાળકો પાસે કંઇ નથી, તો પણ આટલા ખુશ કેમ છે?” સંત હળવી મુસ્કાન સાથે બોલ્યા “આ બાળકો પાસે કઇ નથી પણ તેઓના મનમાં શાંતિ છે કારણ કે તેઓની ખુશી બહારથી નથી, અંદરથી છે.”

રાહુલ થોડીવાર ઘંટડીનો સ્વર, ભજનનો તાલ, બાળકોની નિર્દોષ હસી… સાંભળતો રહ્યો પછી તેણે સંતને પુછ્યું, “બાપજી શા માટે હું આ બાળકોની જેમ ખુશ નથી?’ સંત બોલ્યા,’એક જ ફરક છે આ બાળકો પાસે કંઈ નથી અને કંઇ મેળવી લેવાની લાલસા પણ નથી અને તારી પાસે બધું જ છે છતાં વધુ ને વધુ મેળવવાની લાલસા છે એટલે તું સતત દોડતો રહે છે તેથી જે છે તેનો આનંદ તને મળતો નથી.’ રાહુલની આંખ ખૂલી ગઇ, પોતાની ભૂલ સમજાઈ ગઈ. સંત બોલ્યા, ‘આનંદ મળે છે જ્યાં દિલ શાંતિ પામે. આનંદ વસ્તુઓમાંથી નહીં પણ મનનાં સંતોષમાંથી મળે છે. એ જ સાચો આનંદ છે.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top