આવર્ષના એકેડેમી એવોર્ડસમાં બેસ્ટ એક્ટરનો ઓસ્કાર એવોર્ડ જીતનાર વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથ, અલોશિસિયા નામની વાળની બીમારીથી પીડાય છે, જેમાં તેના વાળ ખરી ગયા છે. આ વખતે ઓસ્કાર એવોર્ડસ પેશ કરનાર ક્રિસ રોક નામના કોમેડિયને જેડાના માથામાં પડેલી ટાલને લઈને એક જોક કર્યો. વિલ સ્મિથથી એ સહન ન થયું એટલે તે તેની સીટમાંથી ઊભો થયો અને મંચ પર જઈને રોકને સણસણતી થપ્પડ મારી દીધી અને બોલ્યો કે “તારા સડેલા મોઢે મારી પત્નીનું નામ ન બોલતો.”ઓસ્કાર એવોર્ડસ જેવા પ્રતિષ્ઠિત કાર્યક્રમના લાઈવ પ્રસારણમાં આવી ઘટના પહેલી વાર બની હતી. દુનિયાભરમાં એ થપ્પડની ગુંજ સંભળાઈ. રોકે તો એ થપ્પડને હસવામાં લીધી અને પાછળથી વિલ સ્મિથે પણ તેના વ્યવહાર બદલ માફી માગી લીધી પરંતુ આ એક થપ્પડે એક ચર્ચાને જન્મ આપ્યો. વિલ સ્મિથનો ગુસ્સો વ્યાજબી હતો? ક્રિસ રોકનો જોક સ્ત્રી-વિરોધી હતો? સ્મિથ અશ્વેત છે એટલે તેની થપ્પડની આટલી બધી ચર્ચા થાય છે? એક રાજકારણીએ કહ્યું કે એક પતિ તેની ટાલવાળી પત્નીનો બચાવ કરે તેમાં શું ખોટું છે? કોઈકે કહ્યું કે અમેરિકામાં બધા જ ડોનાલ્ડ ટ્રમ્પ બની ગયા છે. વગેરે…
એક થપ્પડ રાજકીય બહસનો મુદ્દો બની ગયો. એવું થવું સ્વાભાવિક છે. થપ્પડ બીજી બધી શારીરિક હિંસાથી અલગ પડે છે. એમાં માત્ર શારીરિક આક્રમકતા નથી, એ એક પ્રકારનું સ્ટેટમેન્ટ છે. મુક્કા કરતાં થપ્પડ વધુ ‘લોકપ્રિય’ છે. મુક્કાનો હેતુ મોઢું તોડવાનો છે, થપ્પડનો હેતુ મનોબળ તોડવાનો છે. એવું પણ મનાય છે મુક્કો મારવામાં પુરુષત્વ છે જયારે થપ્પડમાં સ્ત્રીત્વ છે. એટલા માટે થપ્પડ મોટા ભાગે સ્ત્રીઓ અને બાળકો માટે આરક્ષિત છે. થપ્પડ વ્યક્તિને હોશમાં લાવવાની ક્રિયા છે. વિલ સ્મિથે ક્રિસ રોકને ભાન કરાવ્યું હતું કે તેણે અજાણતા એક લાઈન ક્રોસ કરી હતી. થપ્પડથી કામ ન થાય તો મુક્કો કામ લાગે. થપ્પડનું મનોવિજ્ઞાન અને ઈતિહાસ ઘણો ગહન છે.
થપ્પડ સાથે આપણો પહેલો પરિચય હોસ્પિટલમાં થાય છે, જ્યાં આપણા જન્મ પછી ડૉકટર આપણને થપ્પડ (ટપલી) મારે છે. આપણે એ થપ્પડથી રડીએ છીએ અને આપણે હોશમાં આવ્યા તેની એ નિશાની છે. આપણે મોટા થઇએ તે પછી બધા આપણા ગાલ ખેંચે છે અથવા થપકી લગાવે છે. ગાલ પ્રેમ કરવાની જગ્યા છે એવું આપણને બાળપણમાં ખબર પડી જાય છે અને એટલે જ કોઈને દુઃખ આપવું હોય તો ગાલ પર મારીએ છીએ. સંતાનો કહ્યું માનતાં ન હોય અથવા મસ્તીમાં હોય તો તેમને ‘હોશ’માં લાવવા માટે આપણે એક આપી દઈએ છીએ. આનું પણ વિજ્ઞાન છે. આપણે કોઈકને થપ્પડ મારીએ ત્યારે એક મુક્કાની સરખામણીમાં એ પંજો ગાલની ઘણી બધી નર્વ્સને ડિસ્ટર્બ કરે છે જેના કારણે ચહેરાને ક્ષણિક લકવો મારી જાય છે. એટલા માટે એ વ્યક્તિ સુન્ન થઇ જાય છે. એમાં બહુ આક્રમક થવાની પણ જરૂર નથી પડતી. સાધારણ બળથી પણ સામેવાળી વ્યક્તિ પર ધારી અસર થાય છે.
જૂના જમાનામાં હિસ્ટેરિયા (ઉન્માદ)નો ભોગ બનેલી વ્યક્તિ (ખાસ કરીને સ્ત્રીઓ)ને સાજી કરવા થપ્પડ મારવામાં આવતી હતી. મનોજ કુમાર-સાધનાની ફિલ્મ ‘ગુમનામ’ જેના પરથી બની હતી તે બ્રિટિશ સસ્પેન્સ લેખક અગાથા ક્રિસ્ટીની નવલકથા “ટેન લિટલ ઇન્ડિયન્સ”માં, એક ટાપુ પર ભૂલા પડેલા દસ પ્રવાસીઓમાંથી એક પછી એકની હત્યા થવા લાગે છે એટલે એક સ્ત્રી હિસ્ટેરિકલ થઇ જાય છે. અગાથા ક્રિસ્ટી લખે છે; “એ ફરીથી જોર-જોરથી હસવા લાગી. ડૉ. આર્મસ્ટ્રોંગ આગળ ધસ્યો. તેણે તેનો હાથ ઉગામ્યો અને તેના ગાલ પર જોરથી તમાચો માર્યો. એનો શ્વાસ રોકાઈ ગયો, હિચકી આવી અને શ્વાસ હેઠે બેસાડ્યો. એક ક્ષણ માટે એ સ્તબ્ધ ઊભી રહી, પછી બોલી, “થેંક યુ…હવે હું બરાબર છું.”૨૦૧૦માં, એકટર મેલ ગિબ્સને એકરાર કર્યો હતો કે તેની 10 વર્ષની દીકરી લુસિયાની કસ્ટડીને લઈને તેની ગર્લફ્રેન્ડ ઓક્સાના ગ્રિગોરીવા સાથે ઝઘડો થયો હતો ત્યારે તેણે હિસ્ટેરિકલ થઇ ગયેલી ઓક્સાનાને “ભાનમાં લાવવા માટે” એક તમાચો ઠોકયો હતો. ૧૮૦૦મી સદીના યુરોપમાં સ્ત્રીઓની “માનસિક બીમારીઓ” માટે થપ્પડ અસરકારક સારવાર ગણાતી હતી. ૧૯૯૮માં, ભારતમાં એક સર્વેમાં બહુમતી સ્ત્રીઓએ કહ્યું હતું કે પતિ થપ્પડ મારે તેમાં વાંધો નહીં.
આ વ્યાપક માન્યતાનું ખંડન કરવા માટે નિર્દેશક અનુભવ સિન્હાએ ૨૦૨૦માં “થપ્પડ” નામની ફિલ્મ બનાવી હતી. તેમાં તાપસી પન્નુના પાત્રને તેનો પતિ એક પાર્ટીમાં થપ્પડ મારે છે. તાપસી ત્યારે કહે છે, “સિર્ફ એક થપ્પડ. લેકિન નહીં માર સકતા.” ઘરેલુ હિંસા પરની આ ફિલ્મનો રીવ્યુ કરતાં એક અખબારે લખ્યું હતું, “મર્દાનગી પર પડી થપ્પડ.”થપ્પડ શબ્દ ક્યાંથી આવ્યો છે? એ ચાંટા, તમાચા, થપાટનો જ વિસ્તાર છે. ચપાટી (રોટી) બે હાથ વચ્ચે લોટને મસળવા, દબાવવામાંથી બને છે. તેના પરથી ચપટ શબ્દ છે; ચોંટેલું, ચપટું, ચપ્પટ. તબલાં પર હાથ પડે તેને થાપ અથવા થાપટ કહે છે. ગુજરાતીમાં થપ્પડ માટે ‘થાપટ મારવી’ શબ્દ છે. સંસ્કૃતમાં ‘ચર્પટ’ શબ્દ છે; ચપેટમાં આવવું. સંસ્કૃતમાંથી તે ફારસીમાં ગયો અને ચપેત, ચપાતી, ચપટા બનીને આવ્યો. થોડા વખત પહેલાં TV પર એક સીરિયલ આવતી હતી ‘પ્યાર કી થપકી.’ થપ્પડ એનું જ સ્વરૂપ છે. પ્યારથી મારો તો થપકી કહેવાય અને ગુસ્સાથી મારો તો થપ્પડ.બહરહાલ, થપ્પડ મનોબળનું પ્રતીક છે. સુભાષ ઘાઈની ‘કર્મા’ ફિલ્મમાં દિલીપકુમારે ડૉ. ડેન્ગ અનુપમ ખેરને થપ્પડ મારી હતી, ત્યારે તેણે કહ્યું હતું, “રાણા વિશ્વ પ્રતાપ સિંઘ, ડૉ. ડેન્ગ કો પહેલી બાર કિસીને થપ્પડ મારા હૈ, ફર્સ્ટ ટાઈમ. ઇસ થપ્પડ કી ગૂંજ સૂની તુમને? અબ ઇસ ગૂંજ કી ગૂંજ તુમ્હે સુનાઈ દેગી.”આપણો ચહેરો આપણી આઇડેન્ટિટી છે. થપ્પડ એ આઇડેન્ટિટીનું અપમાન છે.