ઇમ્ફાલના મણિપુર વિષ્ણુપુર જિલ્લામાં જે ત્યાંનો કાયમ રમખાણો થયા કરવાનો જિલ્લો ગણાય છે. અહીં કુંબી ગામમાં સરકારી પ્રાથમિક સ્કુલ ચાલે. આ સ્કુલમાં 1995થી 2012 સુધી એક જ શિક્ષક હતા તે ઇન્દ્રકુમાર એકલે હાથે ભણાવતા હતા. આજે 613 બાળકો થયા તો પણ ત્યાં સરકાર શિક્ષકોની ભરતી કરતી ન હતી. હાલમાં 18 શિક્ષક છે. તેમાંથી 11 સરકારી છે અને બાકીના ખૂટતા 7 શિક્ષકોને આચાર્ય પોતે પગાર ચૂકવે છે. ઇન્દ્રકુમાર એક સારા એવા ખેડૂત છે અને નાણા આપી શકે છે. આજે કયો આચાર્ય કે શિક્ષક આ રીતે સ્કુલ ચલાવી શકે? પોતાના પગારમાંથી જ શાળાની બીજી સુવિધાઓ ઊભી કરે છે.
તે ઉપરાંત બીજી નવાઇની વાત એ છે કે આજુબાજુથી આવતા બાળકો જે માઇલો ચાલતા આવતા હતા તેને માટે હોસ્ટેલ ઉભી કરી છે જેના માટે ઇન્દ્રકુમાર પોતાની 115 એકર જમીન પણ વેચી દીધી. ફકત જમવાના ભોજનના જ રૂપિયા આપવાના. બીજી નવાઇની વાત એ છે કે આજે ગ્રીન વેવ જે ચાલ્યો છે તે ઇન્દ્રકુમાર સ્કુલ અને હોસ્ટેલની આજુબાજુ છ હજાર ઝાડપાન ઉગાડયા છે. બોલો, આવો શિક્ષક-આચાર્ય આજે મળે એમ છે? બધા પાસે સંપત્તિ હોતી નથી કે તે ઇન્દ્રકુમારની જેમ પોતાના નાણા ખર્ચી શકે. પરંતુ આજે સરકારની ફરજ છે કે તે આજના શિક્ષકોને સારો એવો પગાર આપે જેથી પોતાના ઘરનું ગુજરાન તો સારી રીતે ચલાવી શકે. સરકાર વિચારે!
પોંડીચેરી – ડો. કે.ટી. સોની– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સુશાસન કે અરાજકતા?
ભારતમાં સુશાસન કે અરાજકતા એ બાબતે થોડું ગહન ધ્યાન દોરવા હાલમાં કેટલાક બનાવો બની રહ્યા છે તેની રજૂઆત કરી છે. સંસદીય સમિતિના રિપોર્ટ અનુસાર 2018થી 2022 નાં પાંચ વર્ષ દરમયાન 34 વિમાનો ક્રેશ થયાં. ડાંગમાં ગત ચોમાસામાં અતિ ભારે વરસાદના કારણે આદિવાસી ખેડૂતોનો સરવે કરતાં છેલ્લાં ત્રણ માસ થયા પાકની નુકસાનીનું વળતર ચૂકવેલ નથી. આ બાબતે ખેતીવાડી અધિકારીને પૂછતાં એઓ જણાવે છે કે નુકસાનીની ગ્રાંટ સરકાર દ્વારા ન મળતાં સહાય ચૂકવવાની બાકી છે. ગુજરાતમાં પોલીસ ડિપાર્ટમેન્ટના અહેવાલ મુજબ 2024 જાન્યુઆરી થી 16 ડિસેમ્બર સુધી એક વર્ષમાં જ 618 બાળકીઓ સાથે દુષ્કર્મની ફરિયાદ દાખલ થયેલ છે. કન્યા કેળવણી-સરસ્વતી સાધના યોજના માટે સરકારે કરોડો રૂપિયા ફાળવી સાયકલો ખરીદી, જે કન્યાઓ સુધી પહોંચી છે ખરી? ગુજરાતમાં નિત નવા દિને સરકાર દ્વારા નવી નવી યોજનાઓ બહાર પડે છે.
પરંતુ હવે દેખાય છે કે સરકારની નવી નવી યોજના અને કૌભાંડ એક જ સિક્કાની બે બાજુ દેખાઈ રહી છે. હવે સમયની માંગ છે કે રાજ્યના દરેક જિલ્લા દ્વારા દર છ માસે પોતાના જિલ્લામાં કયા ખાતામાં અને કેટલાં બેરોજગારને રોજી આપી એનું એક સ્ટેટમેન્ટ બનાવી, કલેક્ટરની સહી દ્વારા, ટી.વી. કે ન્યૂઝ અખબારો મારફતે જાહેર જનતાને જાણ કરવી જોઈએ. નહીં તો ચૂંટણી ટાણે કે પછી નવા નવા પ્રોજેક્ટ દ્વારા એક કરોડ બેરોજગારને રોજી મળશે એવી જાહેરાત સાચી કે ખોટી, તેની જાહેર જનતાને જાણ થાય. નહીંતર ‘ગરવી ગુજરાત ક્યાંક કડવી ગુજરાત’ન બની રહે.
નવસારી – એન. ગરાસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.