ધોમધખતા તાપમાં મસ્જિદની સામે એક ફકીર બાબા એક ફાટેલો લાંબો ઝભ્ભો પહેરી મગન બની ખુદાની બંદગી કરી રહ્યા હતા.ફકીર ત્યાં જ રહેતા.સવાર–બપોર-સાંજ મસ્જિદની સામે ઝાડ નીચે બેસતા. ત્યાં જ નમાઝ પઢતા. ફકીર બાબા પોતાની મસ્તીમાં રહેતા. જે મળે તે ખાઈ લે. ના મળે તો વાંધો નહિ અને કોઈ દુઃખ પણ નહિ. સમય થાય એટલે ખુદાની બંદગીમાં લાગી જાય. નમાઝ પઢે. ક્યારેક એકદમ મસ્તીમાં આવી જાય તો અલ્લાને પોકારવામાં મોટેથી પોકાર લગાવી નાચવા લાગતો. કોઈ તેમની બંદગી સાંભળી રાજી થાય. કોઈ પાગલ ગણી હસીને આગળ વધી જાય.
ફકીર બાબાને મસ્જીદમાં આવતાં જતાં બધાં જોતાં. સામે જ મસ્જીદ હતી,છતાં ફકીર બાબા ઝાડ નીચે તડકામાં નમાઝ પઢતા. એકવાર એક ભાઈએ કહ્યું, “ફકીર બાબા, અહીં બેઠાં બેઠાં ખુદાને પોકારો છો તેના કરતાં મસ્જીદમાં અંદર આવતાં હો તો નમાઝ પઢવા.” ફકીર બાબા હસતાં હસતાં બોલ્યા, “મારો અલ્લા તો અહીં જ છે અને અહીંથી જ મને સાંભળે છે.”ફકીરનો જવાબ સાંભળી આવતાં જતાં મોટા ભાગનાં હસીને નીકળી ગયાં પણ એક સાચા ખુદાના બંદાને લાગ્યું ફ્કીર બાબાની વાત ગહન છે.
તે ફકીર બાબા પાસે ગયો અને બોલ્યો, “બાબા,આપની વાતમાં ગહન જ્ઞાન છે. આપ પાસેથી ઘણું શીખવા મળી શકે તેવું મને લાગે છે,શું આપ મને થોડો ઉપદેશ આપશો? ક્યાં રહો છો? હું આપના ઘરે આવી આપની સેવા કરીશ. આપનું કામ કરીશ.તમે જે કહેશો તે કરીશ. ”ફકીર બાબા હાસ્યા, બોલ્યા, “ભાઈ, તું તારું કામ કર. મારું કામ હું જાતે કરીશ,હું અલ્લાની દુનિયામાં રહું છું. આ આખી દુનિયા મારું ઘર છે. આસમાન છાપરું છે અને જમીન પાથરણું છે.”ફકીર બાબાએ ફરી ગહન વાત કરી.
પેલા ખુદાના બંદાએ ફકીર બાબાને પૂછ્યું, “બાબા ,તમારી પાસે ઘર નથી.ખાવા જે મળે તે ખાઈ લો છો.ક્યારેક ભૂખ્યા પણ રહો છો. ઠંડી, તાપ બધું સહન કરો છો છતાં આટલા ખુશ રહો છો. રોજ ખુદાની બંદગી કરો છો, તેનું નામ લઇ લઇને નાચો છો.આટલો બધો આનંદ કઈ વાતનો અનુભવો છો. ફકીર બાબાએ કહ્યું, “ભાઈ, કોઈ પણ પરિસ્થિતિમાં ખુદા રાખે અને દરેક પરિસ્થિતિમાં ખુદાનો દિલથી આભાર માનું છું. હું ખુશ રહું છું. ખુશ રહેવા માટેની અને સાચી મનની શાંતિ અનુભવવાનો એક જ માર્ગ છે ખુદાનો; તેણે જે આપ્યું છે, જે નથી આપ્યું,જેટલું અને જેવું આપ્યું છે તે માટે આભાર માનો. રોજ ધન્યવાદ કહો અને ખુશ રહો.”
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.