Charchapatra

મિત્ર અખબારના ફરિયાને ધન્યવાદ

આ વર્ષની વર્ષાઋતુની શરૂઆત ધમાકેદાર રીતે થઇ. મેઘરાજાની પધરામણી કડાકા ને ભડાકા સાથે વાજતે-ગાજતે થઇ. શહેર આખું પાણી પાણી થઇ ગયું. બે દિવસ સુધી લોકો હેરાન પરેશાન થયાં. મજબૂરીવશ નોકરી, ધંધા કરનારાં લોકોએ ઘરમાં રહેવું પડયું. આવી વિકટ પરિસ્થિતિમાં બેશક કહેવું પડે ‘મિત્ર’ અખબારના ફેરિયાઓ પોતે વરસતા વરસાદમાં ભીંજાયા. પરંતુ ‘ગુજરાતમિત્ર’ના ગ્રાહકોને ઘર બેઠા સલામત રીતે અખબારને પ્લાસ્ટીકનું કવર લપેટીને સમય પર પહોંચાડયું. 60 વર્ષથી અખબારના વાચનથી ટેવાયેલાં અમારાં જેવાં કંઇ કેટલાંય સુરતીઓને એની ખુશી થઇ. વહેલી સવારે ઊઠીને ચાયની ચુસ્કી મારતાં મારતાં અખબાર વાંચવાની મજા કંઇ ઓર છે. ‘મિત્ર’ અખબાર હાથમાં નહીં આવે તો ચેન પડતું નથી. ‘મિત્ર’ અખબારના ફેરિયાઓ એક વાર નહીં અનેક વાર વિષમ પરિસ્થિતિમાં હાજર રહ્યા છે. એ માટે ‘ગુજરાતમિત્ર’ અખબારને અને એના ફેરિયાઓને જરૂરથી ધન્યવાદ આપવા પડે. અન્ય અખબાર સાથે હજુ આ રીતનો નાતો કેળવાયો નથી એ પણ હકીકત છે.
ગોપીપુરા, સુરત – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આગનું કારણ અકબંધ
ગુજરાતમાં વારંવાર અનેક સ્થળોએ આગ લાગવાના બનાવો, અકસ્માતો છેલ્લા કેટલાક સમયથી બનતાં જોવા મળે છે. વલસાડથી સુરત રોડ-વે આવતાં ચીખલી પાસે ટ્રક બળતી નજરોનજર જોઇ. ભડભડ બળતી ટ્રક મરઘાંઓથી ખીચોખીચ ભરેલી હતી. ચીચીયારી તેમજ વિચિત્ર પ્રકારનો અવાજ સાંભળ્યો. હાઈ વે એટલે તાત્કાલિક મદદ સુધ્ધાં અશક્ય! બીજા દિવસે દૈનિક ‘ગુજરાતમિત્ર’માં સમાચાર વાંચતાં રૂંવાટાં ઊભાં થઇ ગયાં. કેટલીય વાર ટી.વી. પરદે સમાચાર વાંચનારા જણાવે છે.‘કારણ અકબંધ.’ આવું જ ચોરી, લૂંટફાટ, મારામારીમાં થોડા પકડાય, એક યા બે ફરાર, પરિસ્થિતિ કાબૂમાં કયારે આવશે? આ અકબંધ કારણ કયારે પ્રકાશમાં આવશે કે પછી રિવાજ પ્રમાણે કારણ અકબંધ કાયમ રહેશે. વીમો પકવવાની નીતિ તો નથી ને?
સુરત     – કુમુદભાઈ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top