ડાકોર: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાય મંદિરમાંથી આગામી તા.21-6-23 ને બુધવારના રોજ 251 મી રથયાત્રા પરંપરા પ્રમાણે નીકળવાની છે. ત્યારે ટેમ્પલ કમિટી દ્વારા રથયાત્રાની મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રથયાત્રાની આગેવાની કરતાં શ્રી રણછોડરાય મંદિરનાં આઠ અશ્વો ડંકા નિશાન સાથે, સુરપાલ, સોનાની પાલખી, સોનાની ખુરશી અને લાવ લશ્કર સાથે મંદિરથી નીકળી કંકુ દરવાજા થઈ ગૌશાળા, લાલબાગ, દાઉજી મંદિર, ભટ્ટજી મંદિર, નરસિંહ ટેકરી, રાધાકુંડ, મોખા તલાવડી, ગાયોના વાડે, રણછોડપુરા, સમાધિ, કેવડેસર મહાદેવ થઈ લક્ષ્મીજી મંદિર તેમજ સત્યભામાં છેલ્લી બેઠક કરી નિજ મંદિર પરત ફરશે.
આ રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપરાંત વર્ષોની પરંપરા પ્રમાણે સ્થાનિક મંડળીઓ તેમજ અમદાવાદ-વડોદરા સહિતના ગામ-શહેરોની વિવિધ મંડળીઓ પણ જોડાશે. રથયાત્રા રૂટ પર ભક્તો દ્વારા લીલા વહીડા, જાંબુ, કેરી, દાડમ, સફરજન, કેળા સહિત વિશિષ્ટ પ્રસાદ શ્રી રાજા રણછોડરાય મહારાજ અને ગોપાલ લાલજી મહારાજને ધરાવવામાં આવશે. રથયાત્રાને આડે હવે માત્ર બે દિવસ જ બાકી રહ્યાં છે. ત્યારે, ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બીજી બાજુ ડાકોર આજુબાજુની સેવાભાવિ સંસ્થાઓ પણ 251 મી રથયાત્રાની તૈયારીઓમાં લાગી ગયાં છે.