SURAT

કપડા બજારમાં ઠગોનુ રાજ : માત્ર સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં જ 100 કરોડથી વધારે રિકવરી

શહેરના રિંગ રોડ સ્થિત ટેક્સટાઇલ માર્કેટોમાં વર્ષોથી એક અજીબ વિડંબના રહી છે. કપડા બજારમાં ઉઠમણાની મોટાભાગની ફરિયાદો સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. ત્યારે સલાબતપુરા પોલીસે અનેક ફરિયાદોમાં આરોપીઓને પકડી પાડ્યા છે પણ માલની રિકવરી થઈ શકી નથી.

ટેકનિકલ રીતે માલની રિકવરી શક્ય પણ નથી. કારણકે ચીટરો લાખો-કરોડો રૂપિયાની કિમતનો માલ વેચી રોકડી કરી લેતા હોય છે. આવા સંજોગોમાં પોલીસ પણ ઘણી વખત ફરિયાદ લેવાનું ટાળી માત્ર અરજીના આધારે જ કેસનો નિકાલ કરવા પ્રયાસ કરતી હોવાનું ધ્યાને આવ્યું છે. આ ઉપરાંત સલાબતપુરા પોલીસ સ્ટેશન પર કોઇ ડોગવોચ નથી. હાલમાં ઇકોનોંમી સેલની રચના થઇ છે પરંતુ તેનુ પરિણામ કયારે કેવુ આવે છે તે જોવાનુ રહે છે.

પોલીસ દ્વારા પકડાયેલો માલ કોર્ટમાંથી છોડાવતા વર્ષ વિતી જાય છે. એટલા સમયગાળામાં માલની ગુણવત્તા કોઈ કામની રહેતી નથી. ઉપરથી આ માલને છોડાવવા માટે પણ વેપારીને મોટો ખર્ચ કરવો પડે છે. ફરિયાદ થયેલા કેસમાં પોલીસ આરોપીને તો પકડી પાડે છે પણ માલની રિકવરી કરી શકતી નથી. આવા માલનો આંકડો ગણવા જઈએ તો 100 કરોડ રૂપિયાને પણ પાર કરે તેવી શક્યતા છે.

વિશ્વાસ કેળવી લાખોના માલની ઉઠાંતરી કરાય છે
ટેક્સટાઇલ માર્કેટમાં કોઈપણ ચીટર સૌપ્રથમ વેપારીને પોતાની લોભામણી વાતોમાં ભોળવી વેપારીનો વિશ્વાસ કેળવે છે. શરૂઆતમાં નાના પાયે માલ ખરીદી કરી પેમેન્ટ પણ સમયસર ચુકવી આપે છે. જેથી વેપારીનો વિશ્વાસ વધારે પ્રબળ બને છે. ત્યારબાદ આ વેપારી પાસેથી લાખો રૂપિયાનો માલ ખરીદી કરી પછી ગાયબ થઈ જાય છે. જ્યારે વેપારી દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે છે ત્યારે પોલીસ આરોપીઓને પણ પકડી તો પાડે છે પણ આ આરોપીઓ પાસેથી માલની રિકવરી થઈ શકતી નથી.

આર્થિક ગુના નિવારણ સેલને તપાસ સોંપવી જોઈએ
સુરત શહેરમાં કપડા બજારમાં થઈ રહેલી છેતરપિંડીઓ રોકવા આર્થિક ગુના નિવારણ સેલની રચના કરવામાં આવી હતી. આ સેલની રચના કર્યા બાદ હવે જો કપડા બજારમાં થઈ રહેલા આવા પાછલા પાંચ-સાત વર્ષોના કેસની ફાઈલો કાઢી તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાના માલની રિકવરી માટે પ્રયાસ કરી શકાય છે. આના માટે ઇકોનોમી સેલને તપાસ સોંપવામાં આવશે તો યોગ્ય દિશામાં કામ થઈ શકે છે.

પોલીસના બારોબાર સમાધાનના પ્રયાસ
સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં કપડા બજારમાં છેતરપિંડીની રોજની ઢગલેબંધ અરજીઓ આવે છે. પરંતુ પોલીસ દ્વારા તેમાંથી માંડ બે-ત્રણ ફરિયાદ દાખલ કરવામાં આવે છે. ફરિયાદ દાખલ થયા પછી આ માલ પકડાય તો પણ કોર્ટમાંથી છોડાવતા વર્ષ વિતી જાય છે. જેથી પોલીસ અરજીના આધારે જ કેસનો નિકાલ કરવા વધારે પ્રયાસ કરે છે.

માલની રિકવરી ઘણી વખત શક્ય બનતી નથી :એસીપી
ઇકોનોમી સેલના એસીપી વી.કે.પરમારે જણાવ્યું હતું કે, કાપડ ચોરી થયા બાદ ક્યાંતો વેચી દેવાય છે કે પછી પ્રોસેસ થઈને અન્ય સ્વરૂપમાં પરિવર્તન થઈ જાય છે. જેથી તેની રિકવરી ઘણી વખત શક્ય બનતી નથી. ઇકોનોમી સેલ કપડા બજારમાં આ પ્રકારની ટોળકીઓને પકડવા સક્રિય છે. જે માટે સંપૂર્ણ અભ્યાસ કરી તપાસ કરવામાં આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top