Business

કમાલ છે! ટેક્સટાઈલ મંત્રી સુરતના સાંસદ અને ટેક્સટાઈલ યુનિવર્સિટી બનશે તમિલનાડુમાં!

સુરત: સને 2015માં સુરત (SURAT)માં આંતરરાષ્ટ્રિય કક્ષાની ટેક્સટાઈલ યુનિ. (TEXTILE UNIT)બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી યુનિ. બની નથી અને હવે જ્યારે સુરતના જ સાંસદ દર્શના જરદોષ રાજ્ય કક્ષાના ટેક્સટાઈલ મંત્રી (TEXTILE MINISTER) બન્યા છે ત્યારે જ હવે ભારતની પ્રથમ ટેક્સટાઇલ યુનિવર્સિટી હવે તામિલનાડુ (TAMILNADU)ની ટેક્સટાઇલ સિટી (TEXTILE CITY) ઇરોડમાં બનાવવા ત્યાંની સરકારે નિર્ણય લેતા ટેક્સટાઈલ સિટી તરીકે ગણાતું સુરત શહેર બાજુ પર રહી જેવા પામ્યું છે.

ગત તા. 16 ફેબ્રુઆરી-2015ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સુરત ડ્રીમસિટી પ્રોજેક્ટના ભાગ સ્વરૂપે ખજોદમાં ડાયમંડ બુર્સના ખાતમુહૂર્ત પ્રસંગે આંતરરાષ્ટ્રીય કક્ષાની ભારતની પ્રથમ ટેક્સટાઇલ યુનિવર્સિટી બનાવવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને છ વર્ષથી વધુનો સમયગાળો થઈ ગયો છે. ખુદ ગુજરાત સરકારના પ્રત્યેક બજેટ વખતે રાજ્ય સરકાર પાંચથી દસ કરોડની જોગવાઇ યુનિવર્સિટીના નિર્માણના નામે થતી આવી છે. પરંતુ તે માટે કોઈ જ પ્રગતિ કરવામાં આવી નથી.

સુરતને ટેક્સટાઈલ યુનિ.ના મુદ્દે હવે સુરતના જ સાંસદ અને ટેક્ટાઈલ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી દર્શના જરદોષની કસોટી થશે

ચેમ્બરના માજી પ્રમુખ બી.એસ.અગ્રવાલ કહે છે કે, તેમના સમયગાળામાં ટેક્સટાઇલ યુનિવર્સિટી બનાવવાના મામલે હિલચાલ થઇ હતી. એક યુનિવર્સિટી બનાવવા પાછળ 800 કરોડનો ખર્ચ થાય છે. એ સમયે સુરતની કોલેજોમાં ટેક્સટાઇલના કોર્સને વિદ્યાર્થીઓ મળતા ન હોવાથી ઉદ્યોગ વિભાગના સેક્રેટરીએ આટલી મોટી રકમ ફાળવવા સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. હવે કેન્દ્રના રાજ્ય કક્ષાના ટેક્સટાઇલ મંત્રી 2009થી સુરતનાં સાંસદ છે અને હવે ટેક્સટાઇલ મંત્રી બન્યાં છે. ત્યારે સુરતમાં ટેક્સટાઇલ યુનિવર્સિટી બનાવવાની જવાબદારી તેમના માથે છે. સાંસદ તરીકે એ દિશામાં તેમણે ક્યારે કોઇ પ્રયાસ કર્યા નથી. હવે ભારત સરકારના ટેક્સટાઇલ મંત્રી તરીકે તેમની આ મુદ્દે કસોટી થશે.

સુરતમાં ટેક્સટાઈલ યુનિ. બનાવવા માટેની દિશામાં સરકારે પ્રપોઝલ પણ મંગાવી નથી, જ્યારે તામિલનાડુના મંત્રીએ યુનિ. માટે રોડ બની ગયાની જાહેરાત પણ કરી દીધી!

ઇરોડમાં ટેક્સટાઇલ યુનિવર્સિટી બનાવવા સરકારે પ્રપોઝલ મંગાવતાં ઘણી શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગગૃહોએ પીપીપી મોડ પર ટેક્સટાઇલ યુનિવર્સિટી બનાવવા રસ દાખવ્યો છે. બીજી તરફ સુરતમાં ટેક્સટાઇલ યુનિવર્સિટી બનાવાની દિશામાં સરકારે હજી પ્રપોઝલ મંગાવવાની તૈયારી પણ દર્શાવી નથી. સરકારે અગાઉ કોઇ ખાનગી કંપનીઓ અથવા તો એસોસિએશન તૈયાર થાય તો એ દિશામાં આગળ વધવા જણાવ્યું હતું. જ્યારે તામિલનાડુના મંત્રી એસ.મુથ્થુસામીએ ઇરોડમાં ટેક્સટાઇલ યુનિવર્સિટી બનાવતા પહેલાં તેને સંલગ્ન 10.63 કરોડના રોડ બની ગયા હોવાની જાહેરાત કરી હતી. ઉપરાંત યુનિવર્સિટીનું જ્યાં નિર્માણ થશે ત્યાં 15થી 20 એકર જમીનમાં બસ ટર્મિનલ બનાવવામાં આવશે. એ જોતાં ઇરોડમાં ટેક્સટાઇલ યુનિવર્સિટી બનાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે.

સરકારનાં ફંડિંગ સાથે શૈક્ષણિક સંસ્થાઓ ટેક્સટાઇલ યુનિવર્સિટી સુરતમાં બનાવી શકે છે: ભરત ગાંધી

ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધીએ જણાવ્યું હતું કે, સુરતમાં ટેક્સટાઇલ યુનિવર્સિટી ડ્રીમ સિટી પ્રોજેક્ટમાં ક્યાં બનાવવી તે જગ્યા અંકિત કરવામાં આવી છે. તામિલનાડુમાં 98 ટકા કોટન ઇન્ડસ્ટ્રી હોવાથી ત્યાં પીપીપી મોડ પર પ્રોજેક્ટ સફળ થવાની શક્યતા છે. તામિલનાડુમાં સીટ્રા અને સર્ટિફિકેટ અને મંજૂરીનો અધિકાર પણ પહેલાથી છે. જ્યારે સુરતમાં 98 ટકા મેનમેઇડ ફાઇબર આધારિત ઇન્ડસ્ટ્રી છે. સૌથી મોટો પ્રશ્ન ફંડિંગનો છે. સરકારો જો ફંડની ફાળવણી કરે તો આ પ્રોજેક્ટ શક્ય છે. અત્યારે મંત્રા અને સ્કેટ કોલેજ ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમ ચલાવે છે. યુનિવર્સિટી બને તો ડિગ્રી અને માસ્ટર લેવલના કોર્સ શરૂ કરવા પડે. વિદેશી વિદ્યાર્થીઓ પણ ભણી શકે. અમદાવાદમાં અટીરા અને મુંબઇમાં સાસ્મીરા કોલેજમાં ટેક્સટાઇના કોર્સ ચાલે છે. સરકારે શૈક્ષણિક સંસ્થાઓ સાથે મળી ડ્રાફ્ટ તૈયાર કરવો જોઇએ.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની ડિમાન્ડ પ્રમાણે યુનિવર્સિટીનો અભ્યાસક્રમ અને નીતિ પહેલાં તૈયાર કરવામાં આવે: જીતુ વખારિયા

સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશનના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ યુનિવર્સિટી બનાવતા પહેલાં સુરતના એમએમએફ આધારિત ઉદ્યોગોને ક્યા પ્રકારનો અભ્યાસક્રમોની જરૂર છે, તેની એક નીતિ તમામ ટેક્સટાઇલ સંગઠનો અને શૈક્ષણિક સંસ્થાઓએ બેસીને નક્કી કરવી જોઇએ. અત્યારે સુરતમાં બે-ત્રણ સંસ્થામાં ટેક્સટાઇલના અભ્યાસક્રમો ચાલે છે. પરંતુ મંજૂર બેઠક સામે પૂરતા વિદ્યાર્થીઓ મળતા નથી. એક સમયે મંત્રામાં એડમિશન લેવા માટે પડાપડી થતી હતી. સુરતના વર્તમાન અને ભવિષ્યના ટેક્સટાઇલ ઉદ્યોહની જરૂરિયાતને ધ્યાને રાખી સરકારની પહેલથી જ યુનિવર્સિટી બનવી જોઇએ. કારણ કે, રાજ્ય સરકાર ગુજરાતમાં બે અને કેન્દ્ર સરકાર દેશમાં સાત મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવાનું આયોજન કરી રહી છે.

Most Popular

To Top