સુરત: સચિન GIDCની 18 મિલો (Mills)ની માંગણીને પગલે સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન (SGTPA) દ્વારા 1 થી 30 નવેમ્બર સુધી મિલો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવતા વિવર્સ અને ડાઇંગ એકમોના માલિકોએ આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. એક મહિનો મિલ બંધ રહ્યા પછી ફરી શરૂ થશે કે કેમ તેવી આશંકાને પગલે મિલોમાં કામ કરતાં કારીગરોના એક નાના જૂથ દ્વારા પાંડેસરા (Pandesara), સચિન (Sachin) અને બમરોલીથી લક્ઝરી બસમાં વતને જવાની શરૂઆત કરવામાં આવતા ડાઇંગ હાઉસ (Dying house)ના માલિકો ચિંતામાં મુકાયા છે.
પાંડેસરા ઇન્ડસ્ટ્રીઝ એસો.ના પ્રમુખ કમલ વિજય તુલસ્યાને જણાવ્યું હતું કે ડાઇંગ એકમો અને વિવર્સ સંગઠન ફોગવાએ એક મહિનો મિલ બંધ રાખવાના નિર્ણયની પુન: સમીક્ષા કરવાની વિનંતી કરી છે. તેમણે SGTPAને સમીક્ષા માટે બેઠક બોલાવવાનું કહેતાં 20મી ઓક્ટોબરે SGTPAની બેઠકમાં જે ઉદ્યોગપતિઓ મીલો ચલાવવા માગે છે તેમના માટે નિર્ણય લેવામાં આવશે. ઇન્ટુકના પ્રદેશ મહામંત્રી અને મિલ કોન્ટ્રાક્ટર કામરાન ઉસ્માનીએ જણાવ્યું હતું કે અત્યારે 6 મીટરનું કાપડ બનાવનાર મિલો પાસે કામ નથી અને રો-મટીરીયલના ભાવો આસમાને પહોંચ્યા છે. તેમના માટે મિલ ચલાવવું મુશ્કેલ છે પરંતુ જે મિલો ડાઇંગનું કામ કરે છે તેમની પાસે દિવાળીથી લઇ હોળી સુધીનું કામ છે તેવી મિલો નવેમ્બરમાં માત્ર 15 દિવસ દિવાળી વેકેશન રાખવા માંગે છે.
જે મિલો મહિનામાં 22 દિવસ કામ કરે છે ત્યાંજ કારીગરો કામ કરશે: કામરાન ઉસ્માની
એક મહિનો મિલ બંધ રાખવાની સચિનના પ્રોસેસર્સની માંગણીના લીધે પાંડેસરા સચિન અને બમરોલીથી કારીગરો વતને જઇ રહ્યાં છે જો 15મી તારીખે કારીગરોનો પગાર થશે તો વધુ કારીગરો વતને જઇ શકે છે. કારણ કે કારીગર વર્ગમાં એવી અફવા ફેલાઇ છે કે 1 નવેમ્બરથી દોઢ મહિના સુધી મિલો બંધ રહેશે. કારીગરો સુરતમાં વધતી મોંઘવારીની સ્થિતિમાં ત્યારે જ ટકી શકે જયારે તેમને મહિનામાં 22 દિવસ સુધી મિલમાં કામ મળી રહે અત્યારે મોટા ભાગની મિલો મહિનામાં 15 થી 17 દિવસ ચાલી રહી છે. એવી સ્થિતિમાં કારીગરો પાસે બચતની રકમ વધતી નથી જેને લીધે વતન રૂપિયા મોકલી શકતા નથી. બીજી તરફ ખાદ્ય તેલ, શાકભાજી, ગેસ સિલિન્ડરના ભાવ એટલા વધી ગયા છે કે 15 હજારના કારીગરને 10 હજારથી 12 હજાર રૂપિયા ભોજન અને રૂમ ભાડા પાછળ જ ખર્ચાઇ જાય છે. જે કારીગરો પરિવાર સાથે રહે છે તેમની હાલત વધુ કફોડી થઇ છે. કારીગરો 22 દિવસ મિલ ચાલતી હોય ત્યાંજ કામ કરવા માંગે છે.
કામદારોનું પલાયન અટકાવવા રોજેરોજ રોકડનો પગાર ચાલુ કરાયો
કારીગરોમાં મિલો બંધ થવાની ફેલાયેલી અફવાને પગલે મિલ માલિકોએ કારીગરોને ટકાવી રાખવા રોજેરોજના કામનું રોકડમાં પેમેન્ટ શરૂ કર્યું છે જેથી એક મોટી મિલ ચલાવવા માટે જરૂરી 400 કારીગરોનો જથ્થો જળવાઇ રહે જે મિલો 15 થી 17 દિવસ ચાલે છે તેના કારીગરો પણ હવે રોજે રોજ રોકડ ચુકવનાર મિલોમાં જોડાઇ રહ્યા છે. ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે મિલો બંધ રાખવાની જાહેરાતની અસર વિવિંગ ઉદ્યોગો પર પણ પડી રહી છે અહીં પણ કારીગરો પલાયન કરી જવાનો ભય ઉભો થયો છે. આ સંદર્ભે ફોગવાએ SGTPAના પ્રમુખ જીતેન્દ્ર વખારીયાને મિલો બંધ રાખવાના નિર્ણયની પુન: સમીક્ષા કરવા અને પ્રોસેસર્સ ટ્રેડર્સ અને વિવર્સની એક સંયુકત બેઠક બોલાવવા પણ માંગ કરી છે.