સુરત: (Surat) કોરોનાની બીજી લહેરને લીધે સુરતના કાપડ ઉદ્યોગને (Textile industries) મોટો ફટકો પડ્યો છે. 2016 પહેલાં સુરતમાં દરરોજનું 4 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થતું હતું. તે પછી 2016-17માં નોટબંધી અને જીએસટી લાગુ થયા પછી કાપડનું ઉત્પાદન 1.50 કરોડ મીટર ઘટીને 2.50 મીટર થયું હતું. કોરોનાની પ્રથમ લહેર સમયે ઉત્પાદન (Production) ઘટીને 1.75 કરોડ મીટર થયું હતું પરંતુ કોરોનાની બીજી લહેરની સર્વાધિક અસર દક્ષિણ અને ઉત્તર ભારતનાં રાજ્યોમાં વધુ રહેતા કાપડની ડિમાન્ડ ઘટી હતી. સાથે સાથે કાપડની મંડીઓ પણ બંધ થઇ ગઇ હતી. હજી પણ દક્ષિણ અને ઉત્તર ભારતમાં વેપારીઓ (Traders) પાસે અગાઉનો સ્ટોક પડ્યો છે. તેના લીધે સુરતના વેપારીઓને ડિમાન્ડ જેટલા જ ઓર્ડર મળી રહ્યા છે. સરવાળે તેની અસર એવી થઇ છે કે સુરતમાં કાપડનું ઉત્પાદન બે દાયકા પછી સૌથી ઓછું થઇને 1 કરોડ મીટર રહી ગયું છે.
ઉત્પાદન ઘટવા પાછળનાં કેટલાંક કારણો જવાબદાર છે. જેમાં મુખ્યત્વે દેશનાં અન્ય રાજ્યોનાં મોટાં બજારોમાં લાંબો સમય ચાલેલું લોકડાઉન અને તેના લીધે તળિયે પહોંચેલી માંગ તથા કોરોનાથી ડરીને કારીગરો વતન જતાં રહ્યા હોય તેમની અછત જવાબદાર માનવામાં આવે છે. હાલમાં અનેક કારખાના બહાર કારીગરો જોઈએ છે તેનાં પાટિયાં લાગેલાં છે. ફોગવા પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, કોરોનાની પ્રથમ લહેર કરતાં બીજી વધુ ઘાતક રહી હતી. કારણ કે, પહેલી લહેર વખતે સુરત સિવાય દેશનાં અન્ય બજારો વહેલાં ખૂલી ગયાં હતાં. જેના લીધે એકદમ માંગ નીકળી હતી. પરંતુ આ વખતે દેશનાં મોટા ભાગનાં બજારો સુરત કરતાં વધુ લાંબા સમય સુધી બંધ રહ્યાં છે. જેના લીધે માંગ તળિયે પહોંચી છે.
વળી, બીજી તરફ સુરતમાં કાપડ માર્કેટ બંધ હતી. પરંતુ વિવર્સનાં કારખાનાં ચાલુ રહ્યાં હતાં. જેના લીધે વિવર્સ પાસે ગ્રેનો ભરાવો થયો છે. એટલે મિની લોકડાઉન હટ્યા બાદ વિવર્સે ધીમી ગતિએ ઉત્પાદન શરૂ કર્યું હતું અને હવે આ વિવર્સ કારીગરોની અછતનો સામનો કરી રહ્યાં છે. 50 ટકા કારીગરો ઓછા હોવાથી મશીનોનો ધમધમાટ પણ 50 ટકા ઓછો છે. હાલમાં માંડ 1 પાળી એટલે કે 12 કલાક જ મશીનો ચાલી રહ્યાં છે. 50 હજાર વિવર્સનાં 6.50 લાખ મશીનો પર માંડ 1 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થઈ રહ્યું છે. ફિયાસ્વીના ચેરમેન ભરત ગાંધીના જણાવ્યા અનુસાર કોરોનાની બીજી લહેરે સમગ્ર ઉદ્યોગને નુકસાન પહોંચાડ્યું છે. હવે માર્કેટ ખૂલતાં વેપાર વધે તેવી શક્યતા છે.