SURAT

કાપડના વેપારીઓ હવે સ્વૈચ્છિક બંધ રાખવાના મૂડમાં, સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ કર્યા

શહેરમાં કોરોના સંક્રમણના કેસો જે રીતે વધી રહ્યા છે અને મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે તેને લીધે તમામ લોકોમાં ભય ફેલાયો છે. અત્યાર સુધી માર્કેટ ચાલુ રાખવાની ભલામણ કરનારા કાપડ વેપારીઓ હવે સ્વૈચ્છિક રીતે વીકેન્ડમાં માર્કેટ બંધ રાખવામા કોઇ વાંધો નથી તેવા મેસેજ વાયરલ કરી માહોલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

શહેરમાં કોરોના કેસો તીવ્ર ગતિએ વધી રહ્યા છે. કાપડ માર્કેટ સાથે સંકળાયેલાઓમાં પણ કોરોના સંક્રમણ ખુબ તીવ્રતાથી ફેલાઇ રહ્યો છે. જેને ધ્યાને રાખી મનપા દ્વારા વેપારીઓને શનિ અને રવિવારે માર્કેટ બંધ રાખવાની અપીલ કરવામાં આવી હતી. ત્યારે વેપારીઓએ એવી દલીલ કરી હતી કે હાલ લગ્નસરાની સીઝન ચાલુ છે અને વેપારીઓ પાસે સાડી અન ડ્રેસ મટીરિયલ્સ માટે મોટા પ્રમાણમાં ઓર્ડર છે.

જો માર્કેટ બે દિવસ બંધ રાખવામા આવે તો વેપારીઓને નુકશાન થાય તેમ છે. આવા કારણો આપી વેપારીઓએ શનિવારે અને રવિવારે માર્કેટો ચાલુ રાખવા જણાવ્યું હતુ. જોકે હવે કોરોનાના કેસોની તીવ્રતા જોતા કેટલાક વેપારીઓ પોતે જ શનિવારે અને રવિવારે સ્વૈચ્છિક રીતે બંધ રાખવાના મેસેજ કરી રહ્યા છે. વેપારીઓનું કહેવુ છે કે કોરોનાની ચેઇન તોડવા માટે માર્કેટને વીકેન્ડમાં બંધ રાખવુ જોઇએ. જોકે હાલ આ અંગે કોઇ એસોસિયેશને મનપા સમક્ષ કે તંત્ર સમક્ષ કોઇ રજૂઆત કરી નથી.

Most Popular

To Top