Gujarat

પરીક્ષા પાસ કરી છતાં નોકરી નહીં: સરકારની કોન્ટ્રાક્ટ નીતિ વિરુદ્ધ ગાંધીનગરમાં ભાવિ શિક્ષકોનું હલ્લાબોલ

ગાંધીનગર: શિક્ષકોની કાયમી ભરતી કરવાના બદલે રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ પર જ્ઞાન સહાયકોની ભરતી શરૂ કરવામાં આવતા આજે ટેટ-ટાટ પાસ થયેલા ઉમેદવારોએ ગાંધીનગર માથે લીધું હતું. કાયમી ભરતીની માંગ સાથે આ ઉમેદવારોએ ગાંધીનગરમાં હલ્લાબોલ કર્યું હતું.

ગાંધીનગરના પથિકાશ્રમ પાસે આંદોલન કરવા ભેગા થયેલા ટેટ-ટાટ પાસ ઉમેદવારોને પોલીસે અટકાયતમાં લીધા હતા. પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. ટીંગાટોળી કરી પોલીસે ઉમેદવારોને પોલીસ વેનમાં બેસાડ્યા હતા.

એક તરફ ટેટ ટાટ પાસ કરનાર હજારો ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતીની રાહ જોઈ રહ્યાં છે ત્યારે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં કોન્ટ્રાક્ટ પર જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે, જેના લીધે આ ઉમેદવારોની ધીરજ ખુટી છે. આજે સવારથી ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

રાજ્યના વિવિધ જિલ્લામાંથી કાયમી શિક્ષકની ભરતીની માંગ સાથે ગાંધીનગરમાં ભેગા થયેલા ટેટ-ટાટ પાસ ઉમેદવારો ખુબ ગુસ્સામાં દેખાતા હતા. તેઓ કોઈ હિંસક પ્રદર્શન કરે તે પહેલાં પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી લેવાઈ હતી. અંદાજે 300થી વધુ ઉમેદવારોને અટકાયતમાં લેવાયા હોવાનું જાણવા મળ્યું છે.

આ આંદોલનમાં કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ જોડાયા હતા. મેવાણીએ કહ્યું કે, ભારતમાં બેરોજગારીનો પ્રશ્ન ઘેરો બની રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર ખાલી પડેલાં પદો પર ભરતી કરવાના બદલે કોન્ટ્રાક્ટ પર જ્ઞાન સહાયકોની ભરતી કરી રહી છે. રાજ્યમાં 70 હજારથી વધુ શિક્ષકોની ઘટ છે, તેમ છતાં સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરી રહી નથી. ટેટ-ટાટ પાસ થનાર ઉમેદવારો ભરતીની રાહ જોઈ રહ્યાં છે. હવે તેઓની ધીરજ ખુટી છે. સરકાર આ મામલે નિર્ણય નહીં લે તો અમદાવાદમાં રેલીની ચીમકી મેવાણીએ ઉચ્ચારી હતી.

Most Popular

To Top