Sports

ગુરુવારથી બીજી ટેસ્ટ : ટીમ ઈન્ડિયાની નજર ક્લીનસ્વીપ પર

મીરપુર : પ્રથમ ટેસ્ટમાં મળેલી શાનદાર જીતથી ઉત્સાહિત ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે ગુરુવારથી શરૂ થઈ રહેલી બાંગ્લાદેશ (Bangladesh) સામેની બીજી અને અંતિમ ટેસ્ટમાં મોટી જીત નોંધાવીને સીરિઝમાં ક્લીનસ્વીપ કરવાનો ઇરાદો ધરાવે છે. સ્ટેન્ડ-ઇન કેપ્ટન કેએલ રાહુલ આ ટેસ્ટ રમશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી, જો તે રમશે તો બધાની નજર તેના પર રહેશે. પહેલી ટેસ્ટમાં મળેલી તકનો ફાયદો શુભમન ગિલ અને કુલદીપ યાદવ જેવા ખેલાડીઓએ ઉઠાવ્યો હતો. ચિત્તગોંગની જેમ, અહીં પણ પિચ ધીમી રહેવાની અપેક્ષા છે જે બેટ્સમેનો માટે આદર્શ સ્થિતિ હશે. અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ પ્રથમ ટેસ્ટમાં 90 અને અણનમ 102 રન બનાવ્યા બાદ ત્રીજા નંબરે પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું.

  • ભારતીય ટીમ બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરવા માગશે
  • બીજી ટેસ્ટ આજે સવારે 9.00 વાગ્યાથી શરૂ થશે, જીવંત પ્રસારણ સોની સ્પોર્ટસ પર અને લાઇવ સ્ટ્રીમીંગ સોની લિવ પર

પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશે ચોથા દિવસે જે રીતે બેટિંગ કરી તેમાંથી તેઓ પ્રેરણા લેવા માંગશે. ઓપનર ઝાકિર હસને પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારીને બતાવી દીધું કે તે આ લેવલે રમવા માટે તૈયાર છે. સિનિયર બેટ્સમેન લિટન દાસ અને મુશફિકુર રહીમ તેમની ભૂલોમાંથી શીખીને મોટો સ્કોર કરવા ઈચ્છશે. કેપ્ટન શાકિબ અલ હસન ઈજાના કારણે બીજી ઈનિંગમાં બોલિંગ કરી શક્યો ન હતો અને તેથી ડાબોડી સ્પિનર ​​નસુમ અહેમદને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેને ડેબ્યુ કરવાની તક મળી શકે છે.

વિરાટ કોહલી પાસે નવેમ્બર 2019 પછી પ્રથમ ટેસ્ટ સદી ફટકારવાની સુવર્ણ તક
વિરાટ કોહલી માટે નવેમ્બર 2019 પછી તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારવા માટે બીજી ટેસ્ટ એક આદર્શ પ્લેટફોર્મ પણ બનશે. કોહલીએ પહેલા ટી-20માં અને તે પછી વન ડેમાં સદી ફટકારી છે પણ ટેસ્ટમાં તેના નામે 2019 પછી કોઇ સદી આવી નથી તેથી તે આવતીકાલથી શરૂ થતી બીજી ટેસ્ટમાં સદી ફટકારવા માગશે.

Most Popular

To Top