આમ તો સુરત માટે એવું કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ અને એમાં સુરતીઓ પણ ખાવાના શોખ બાબતે આ કહેવતને સાકાર કરે છે. આજે સુરતીઓમાં ઘણી હેલ્થ અવેરનેસ જોવા મળી રહી છે. જેમકે જીમ જવું, રનીંગ, સાયક્લિંગ વગેરે… પરંતુ જ્યારે સ્વાદનાં ચટાકાની જ્યારે વાત આવે તો હેલ્થનો કોઇ પણ બીજો રસ્તો કાઢી લે છે પણ ટેસ્ટમાં કોમ્પ્રોમાઇઝ કરતા નથી. મુળ ઓથેન્ટિક વાનગીની રેસિપીમાં પણ સુરતીઓ એવો બદલાવ કરી નાખે કે તે વાનગીનો ટેસ્ટ સુરતી થઈ જાય પરંતુ જો આ વાનગી હેલ્ધી ફુડ હોય તો તે જંકફુડ બની જાય. ખાણીપીણીની વાનગીમાં જો ફ્યુઝન નહીં લાવે તો તે સુરતી કહેવાય નહીં. દર વર્ષે તા.21 મી જુલાઈને ‘નેશનલ જંકફુડ ડે’ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આપણે આજે એ વાત કરવી છે કે સુરતીઓ કેવી રીતે હેલ્ધી મનાતા ફુડને પણ કેલરીથી ભરપૂર જંકફુડ બનાવે છે!
હેલ્ધી સુરતી લોચો હવે બની ગયો છે સ્પેનિશ લા-ટોમેટિના લોચો
આમ તો લોચો એ મુળ સુરતી ડીશ છે. પરંતુ આ હેલ્થી નાસ્તાની ડીશને પણ હવે સુરતીઓએ જંકફુડ બનાવવામાં કસર નથી રાખી. પહેલા જે અસ્સલ લોચો ખાવાની શરૂઆત થઈ હતી તેમાં માત્ર દાળ હતી અને તેને મસાલા સાથે મિક્સ કરી બાફીને ખાવામાં આવતી હતી. જરૂર પડે તો તેમાં સ્હેજ તેલ પણ નાખવાનો રિવાજ હતો પરંતુ હવે આ લોચામાં જ એટલી વિવિધતા આવી ગઈ છે કે ના પુછો વાત. પહેલા ઓઈલ લોચો હતો, પછી બટર લોચો આવ્યો. પછી ચીઝ લોચો આવ્યો અને ત્યારબાદ તો તેમાં એવી વેરાયટી આવી કે જાણીને નવાઈ લાગે. જેમાં ચીઝ બટર લોચો, ચીઝ ગાર્લિક લોચો, લચકો લોચો, માયોનીઝ લોચો, ઈટાલિયન લોચો, કોકોનટ ગાર્લિક લોચો, લસણીયા લોચો, ચાઈનીઝ લોચો, પીરી-પીરી લોચો, ક્રીમ-ઓનિયન લોચો, ચીઝ તંદુરી લોચો તેમજ સ્પેનિશ લા-ટોમેટિના લોચોનો સમાવેશ થાય છે. આ ફ્યુઝનને કારણે જે લોચો હેલ્ધી ફુડ હતું તે હવે ફુલ કેલેરી જંકફુડ થઈ ગયું છે.
ફુલ બટર સાથેનો નાયલોન ઢોસા ચેન્નાઈમાં સુરતી ઢોસા તરીકે વેચાય છે
ઢોસા આમ તો મુળ સાઉથ ઈન્ડિયન ડીશ છે. જેમાં માત્ર દાળ અને ચોખાના ઉપયોગ કરી આથો લાવીને તવા પર પાથરી બનાવવામાં આવતી મુળ વાનગી છે. પરંતુ હવે ઢોસામાં પણ સુરતીઓએ ઘણી વિવિધતા લાવી તેનો આનંદ લઈ રહ્યા છે. સુરતમાં તાવી પર પાથરેલા ઢોસા પર આખો બટરનો સ્લેબ રગડવામાં આવે છે. ખૂબ પાતળા, કડક અને માખણથી તરબતર નાયલોન ઢોસા, ચીઝ ઢોસા, બટર ઢોસા, પનીર ચીઝ ગાર્લિક ઢોસા, જીની ઢોસા જેવી વિવિધ વેરાયટી સુરતમાં જોવા મળે છે. તેમજ મુળ સાઉથ ઈન્ડિયનની વાનગી ઢોસાનું સુરતી ફ્યુઝન નાયલોન ઢોસા ચેન્નાઈમાં સુરતી ઢોસા તરીકે વેચાઈ રહ્યો છે. જોવા જેવું એ છે કે ઢોસા પણ હેલ્ધી વાનગી છે પરંતુ જે રીતે તેમાં ફ્યુઝન કરાયું છે અને નાયલોન ઢોસામાં નખાતું બટર કે પછી ઉત્તપમમાં થતો બટરનો ઉપયોગ, ચીઝનો ઉપયોગ પણ હવે ઢોસાને જંકફુડ જેવું બનાવી રહ્યું છે.
મુળ ગુજરાતી વાનગી ઢોકળા હવે મેક્સિન ઢોકળા બન્યા છે
ગુજરાતીઓની સવારે નાસ્તાની શરૂઆત જ ઢોકળાથી થાય છે. ઢોકળા પણ માત્ર દાળના મિશ્રણથી બનતી હેલ્થી વાનગી છે. જેમાં મસાલા નાખી આ દાળના મિશ્રણને બાફીને બનાવાયા છે. પરંતુ સુરતના પ્રખ્યાત ઢોકળામાં પણ હવે ઘણા ફ્યુઝન સુરતીઓ લઈ આવ્યા છે. સુરતમાં ઢોકળામાં ઘણી વિવિધતા જોવા મળે છે. જેમાં ચીઝ ઢોકળા, બટર ચીઝ ઢોકળા, ઈટાલિયન ઢોકળા, મેક્સિકન ઢોકળા જેવી વિવિધતા આવી ગઈ છે અને આ હેલ્ધી ડીશ પણ સુરતમાં જંકફુડ બની ગયું છે.
બાફીને બનાવાતાં મોમોઝ હવે સુરતમાં ડીપ ફ્રાય પણ થાય છે
મોમોઝ એ નોર્થ ઈન્ડિયાની ફેમસ ડીશ છે. જેમાં પણ ચોખાનું પડ બનાવીને અંદર વેજિટેબલનું સ્ટફિંગ કરવામાં આવે છે. મોમોઝમાં ચોખાના લોટમાં સ્ટફીંગ કરીને સ્ટીમ કરવામાં આવે છે જે એક હેલ્ધી ડીશ છે પરંતુ તેમાં પણ સુરતીઓઓ ઘણુ ફ્યુઝન લાવી દીધું છે. સુરતમાં ઘણી જગ્યાએ મોમોઝ ઘણા ફેમસ છે અને ત્યાં મોમોઝની અઢળક વેરાયટી છે. જેમાં ફ્રાય મોમોઝ, પનીર ટીક્કા, પીઝ્ઝા મોમોઝ, ચોકલેટ મોમોઝ, વેજ શીઝવાન મોમોઝ જેવા ફ્યુઝન મોમોઝમાં આવી ગયા છે. મોમોઝને હવે ડીપ ફ્રાય પણ કરવામાં આવે છે. જેને કારણે હવે બજારોમાં મળતાં મોમોઝ પણ જંકફુડ બની ગયા છે.
ઘોટાળો અને રજવાડી આમલેટ ઇંડાને પણ જંક જ બનાવી દે છે
આમ તો એગ્સની આઇટમો તો આખા વિશ્વમાં ખવાતી હોય છે અને પ્રોટીનથી ભરપુર હોવાને લીધે ઇંડાને ગુણકારી પણ માનવામાં આવે છે. પરંતુ માત્ર બોઇલ્ડ એગ્સ એટલે કે બાફેલા ઇંડા કે ઓમલેટ અથવા એગ ખીમા, એગ કરી કે એગ ફ્રાઇડ રાઇસ જેવી કેટલીક આઇટમો ભારતના અન્ય ભાગોમાં મોટા ભાગે પ્રચલિત હોય છે. જયારે સુરતની લારીઓ પર તો ઇંડાની આઇટમોની વિવિધતાએ જાણે જંક ફૂડને નવી પરિભાષા આપી દીધી હોય તેમ લાગે. સુરતની લારીઓ પર જ ઉદ્ભવેલી એવી એગ ઘોટાળો, ઓસ્ટ્રેલિયન ફ્રાય, એગ-પાપલેટ, સુરતી રજવાડી આમલેટ જેવી વાનગીઓ તેલ, ઘી, માખણ, તમતમતાં મસાલાઓથી ભરપુર હોય છે. સુરતીઓ કહે તેમ, સુરત જેવી ટેસ્ટી અને ચટાકેદાર એગની વાનગીઓ કશે નહીં મળે. આ વાત સાચી પણ ખરી. પરંતુ આ વાનગીઓ બનાવવાની રીત ઇંડાને પણ સંપૂર્ણપણે જંક ફુડ જ બનાવી દે છે.
ડીપ ફ્રાઇડ આઈસ્ક્રીમ પણ પચાવી જાય તે કહેવાય સુરતી
આઈસ્ક્રીમ આમ તો હાઈ કેલરી ડેઝર્ટ છે. પરંતુ તેમાં પણ સુરતીઓએ આ ઓછુ હોય તેમ ફ્રાઈડ આઈસ્ક્રીમનો કોન્સેપ્ટ લઈ આવ્યા છે. જેમાં મુળ આઈસ્ક્રીમમાં કોર્નફ્લેક્સ, શુગર વગેરે ઉમેરી તેને જંકમાં કન્વર્ટ કરીને સુરતીઓ ફ્રાઈડ આઈસ્ક્રીમનું ફ્યુઝન લઈ આવ્યા છે. એક તો આઈસ્ક્રીમમાં ફુલ કેલેરી અને તેમાં પણ તેની પર કાજૂ-બદામ લગાડીને કરાતા ફ્રાયને કારણે આવો આઈસ્ક્રીમ ખાઈને પચાવવો અઘરો છે.