સુરત માટે ડ્રીમ પ્રોજેકટ એવા 12 હજાર કરોડના મેટ્રો રેલ પ્રોજેકટની ગતિવિધિઓથી શહેરમાં ચહલ-પહલ જોવા મળી રહી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેકટ માટે ભંડોળની વ્યવસ્થા પણ જુદા જુદા દેશના આર્થિક સહકારથી થવા માંડી છે.
ત્યારે હવે ટુંક સમયમાં આ પ્રોજકટની ગતિ એકદમ ટ્રેક પર આવી જાય તેવુ લાગી રહ્યું છે. સુરત મેટ્રોની કામગીરી હવે ધીમે ધીમે ગતિ પકડી રહી છે. સદભાવ ઇજનેરી લિમિટેડ – એસપી સિંગલા કન્સ્ટ્રક્શન્સ પ્રા.લિ. લિમિટેડ (એસઇએલ-એસપીએસીપીએલ) જેવીએના એન્જિનિયરોએ ગુરુવારથી 40.35 કિલોમીટરના સુરત મેટ્રો ફેઝ 1 પ્રોજેક્ટના પ્રથમ એલિવેટેડ વિભાગના નિર્માણ માટે ડ્રીમ સિટી ખાતે પરીક્ષણ પાઇલીંગની કામગીરી શરૂ કરી દીધી છે. તેથી હવે કન્સ્ટ્રકશન કામ શરૂ થવાથી માત્ર એક કદમ દુરી રહી છે.
સદભાવ – એસપી સિંગલાને આજથી 2 મહિના પહેલા રૂ. 779.73 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેમાં પહેલા કાદરશાની નાળથી ડ્રીમસિટીના 11.6 કિ.મીના રૂટ માટે કામગીરી શરૂ કરાઈ છે. પાઈલીંગ ટેસ્ટીંગની કામગીરી શરૂ થતાં જ મેટ્રો હવે કન્સ્ટ્રક્શન કામગીરીથી માત્ર એક કદમ દુર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આઠ દિવસ પહેલા જ ડ્રીમ સિટી ખાતે બનનારા મેટ્રો સ્ટેશન માટે પાઇલિંગનું કામ શરૂ કરી દેવાયું હતું. જેની પરીક્ષણની કામગીરી પણ શરૂ થઈ ચુકી છે. સુરત મેટ્રો માટે અત્યાર સુધી સદભાવ એન્જિનિયરિંગ અને જે.કુમાર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સે સિસ્ટમની લાઇન-1 (સરથાણા-ડ્રીમ સિટી) ઉપર ગ્રાઉન્ડ વર્ક શરૂ કર્યું છે, જેમાં ભૂ-તકનિકી તપાસ, યુટિલિટી શિફ્ટિંગ અને બિલ્ડિંગ શરત સર્વેક્ષણોની કામગીરી ચાલી રહી છે.
હાલમાં ઠેર ઠેર મેટ્રો રેલના બેનર સાથેના પતરા મારીને સોઇલ ટેસ્ટીંગની કામગીરી થઇ રહી હોવાનું તો નજરે પડી જ રહ્યું છે. પરંતુ હવે ટુંક સમયમાં મેટ્રો રેલ માટે બાંધકામો પણ શરૂ થતા શહેર ધમધમી ઉઠશે.